ભારતમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી કટ્ટરવાદમાં ઉછાળા વિશે હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચા

Wednesday 26th April 2017 06:55 EDT
 
 

લંડનઃ તાજેતરમાં લેબર પાર્ટીના લોર્ડ નઝીર અહમદે ભારતમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પછી કટ્ટરવાદમાં ઉછાળો આવવા સંબંધે હાઉસ ઓફ લોર્ડ્સમાં સરકારને અણિયાળો પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછયું હતું કે,‘ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પછી ભારતમાં કટ્ટરવાદમાં ઉછાળાના મુદ્દે સરકારે શું મૂલ્યાંકન કર્યું છે?’ ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના મિનિસ્ટર ઓફ સ્ટેટ બેરોનેસ એનેલે ઓફ સેન્ટ જ્હોન્સે ઉત્તરમાં જણાવ્યું હતું કે, ભારતમાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણીઓ પછી ધાર્મિક સહિષ્ણુતા અને કોમ્યુનિટી સંબંધો પરત્વે ચિંતાથી સરકાર વાકેફ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ ધર્મોનું રક્ષણ કરવાની ખાતરી ઉચ્ચારતા સ્પષ્ટ કર્યું જ છે કે ‘દરેક નાગરિક બળજબરી વિના કોઈ પણ ધર્મને અનુસરવાનો અધિકાર ધરાવે છે.’

લોર્ડ અહમદે રાષ્ટ્રવાદના નામે લઘુમતીઓની દુર્દશા તેમજ ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા વિશે પ્યુ રિપોર્ટ તેમજ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ સામે બંધારણીય અને કાનૂની પડકારો વિશે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય પર યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન દ્વારા ઉઠાવાયેલી ચિંતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સરકારને પ્રશ્ન કર્યો હતો કે,‘ બ્રિટિશ સરકાર લઘુમતી સમુદાયોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ઉત્તરદાયિત્વનું સ્મરણ ભાજપ સરકારને કરાવશે ખરી?’

આનો ઉત્તર વાળતાં બેરોનેસ એનેલે ઓફ સેન્ટ જ્હોન્સે કહ્યું હતું કે આર્થિક અને જાહેર સલામતીના આધાર સમાન ધાર્મિક સ્વાતંત્ર્યની જાળવણીનાં મહત્ત્વ અંગે લોર્ડ અહમદની ચિંતામાં સરકાર પણ સહભાગી છે. તેમણે કહ્યું હતું કે,‘નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશન રાજ્ય સરકારો અને ઈન્ડિયન નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ જેવી સંસ્થાઓ સાથે માનવ અધિકારોના મુદ્દા ચર્ચે છે. આ ઉપરાંત, માનવ અધિકારોના રક્ષણ અને ઉત્તેજન સહિતના પડકારોનો સામનો કરવાની તજજ્ઞતાની સહભાગીતા અને ક્ષમતાનિર્માણ મુદ્દે બ્રિટિશ સરકાર પ્રત્યક્ષપણે ભારત સરકાર સાથે કાર્ય કરે છે.’

લોર્ડ જિતેશ ગઢિયાએ બેરોનેસ એનેલેને એક સૂચન સાથે પ્રશ્ન કર્યો હતો કે વિશ્વની સૌથી મોટી લોકશાહીની આંતરિક લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાના બદલે સરકારે ભારતીય અર્થતંત્રને ખુલ્લું કરવા અને ઉદારીકરણ માટે મોદીની સરકાર સાથે ગાઢપણે કામ કરવું જોઈએ અને વિકાસને ઉત્તેજન આપવા બે દેશો વચ્ચે વધુ વેપાર અને ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહિત કરવા અંગે તેઓ સહમત થાય છે? ‘કારણકે ઉત્તર પ્રદેશની પ્રજાએ આના તરફે જ અભૂતપૂર્વ મતદાન કર્યું છે અને આપણે આપણા સૌથી ગાઢ મિત્રો અને સાથીઓમાંના એક ભારતને આ જ સ્પષ્ટ સંદેશો મોકલવો જોઈએ.’

લોર્ડ ગઢિયાને પ્રત્યુત્તર વાળતાં બેરોનેસ એનેલેએ કહ્યું હતું કે,‘યુકે-ભારત વેપારસંબંધો વિકસી રહ્યા છે. બંને વડા પ્રધાનોએ સંમતિ સાધી છે કે બ્રિટન જ્યારે ઈયુમાંથી બહાર નીકળશે ત્યારે તેઓ સૌથી સંભવિત ગાઢ વાણિજ્ય અને આર્થિક સંબંધોના નિર્માર્ણને બંને દેશો માટે પ્રાધાન્ય બનાવશે. જોકે, આપણા સંબંધોમાં માનવ અધિકારોના વિકાસ માટે પણ મહત્ત્વનું સ્થાન છે.’

લેબર પાર્ટીના લોર્ડ કોલિન્સ ઓફ હાઈબરીએ એવી ચિંતા દર્શાવી હતી કે,‘બ્રેક્ઝિટના સંજોગોમાં ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસનું ધ્યાન માત્ર વેપાર અને આર્થિક વિકાસ તરફ જ કેન્દ્રિત રહેશે.’ તેમણે બેરોનેસ પાસે એવી ખાતરી માગી હતી કે,‘આર્થિક વિકાસ અને માનવ અધિકારો વચ્ચે કોઈ સમાધાન સાધવામાં નહિ આવે તેમજ દરેક તક સાંપડે ત્યારે વડા પ્રધાન મોદી સમક્ષ આપણી ચિંતા દર્શાવવા માટે પ્રતિબદ્ધ રહીશું કારણકે લઘુમતીઓ વિરુદ્ધ હિંસાનું નોંધાયેલું પ્રમાણ વધી ગયું છે અને આપણે ત્યાંની સરકાર સામે આ મુદ્દા ઉઠાવતાં રહીશું?’

બેરોનેસ એનેલેએ લોર્ડ્સને હૈયાધારણ આપતાં જણાવ્યું હતું કે થેરેસા મેએ ગત ઉનાળામાં ભારતની મુલાકાત લીધી ત્યારે ભારત સાથે આપણા સંબંધોમાં શેને વધુ મહત્ત્વ આપીએ છીએ તે દર્શાવવા વડા પ્રધાન મોદી સમક્ષ હિંસક અપરાધોના અહેવાલો વિશે વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે,‘આપણે બંને દેશોના લાભાર્થે વેપારી સંબંધોને વિકસાવી રહ્યાં છીએ ત્યારે હિંસાના મુદ્દાઓ પણ ઉઠાવતાં રહીશું. આપણે મજબૂતપણે માનીએ છીએ કે કોઈ પણ સફળ આર્થિક વિકાસ માટે સારા સંબંધો અને મજબૂત માનવ અધિકારો આધારરુપ છે.’

લિબરલ ડેમોક્રેટ લોર્ડ વોલેસ ઓફ સોલ્ટેરે ભારતમાં ધાર્મિક કોમ્યુનિટીઓ વચ્ચે હિંસાથી અહીંની ધાર્મિક કોમ્યુનિટીઓ વચ્ચેના સંબંધોને અસરકર્તા કડીઓ વિશે પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે,‘અન્ય દેશોમાં ધાર્મિક કોમ્યુનિટીઓ વચ્ચે કશું થાય તો ડાયસ્પોરા કોમ્યુનિટીઓ ધરાવતા યુકેમાં તેની અસર થાય છે ખરી? બ્રેડફોર્ડમાં ભારતીય કોમ્યુનિટીનું નોંધપાત્ર પ્રમાણ છે. તેઓ મુખ્યત્વે ગુજરાતી છે, જેમાં કેટલાક હિન્દુ છે તો કેટલાક મુસ્લિમ છે. તેમના સંબંધો સારા છે પરંતુ, તેમના પૂર્વજો જે દેશમાંથી આવ્યા છે ત્યાંની ઘટનાઓ વણસે છે ત્યારે આ દેશમાં પણ સંબંધો વણસી શકે છે, જે આપણે કેટલાક પ્રસંગોએ અન્ય ફેઈથ્સ સંબંધે નિહાળ્યું પણ છે.’

લોર્ડ વોલેસે મિનિસ્ટર દ્વારા આ દેશમાં ઈન્ટરફેઈથ મુદ્દાઓ પર કરેલા નોંધપાત્ર કાર્યની પ્રશંસા કરવા સાથે પ્રશ્ન કર્યો હતો કે,‘શું સરકારે આ બાબતે સક્રિય થઈ ભારત સરકારને એ દર્શાવવું ન જોઈએ કે આ બાબત માત્ર પૂરતી સીમિત નથી?

બેરોનેસ એનેલેએ વિદ્વાન સભ્યોને આ ચર્ચાને સમાપ્ત કરતા ખાતરી આપતાં કહ્યું હતું કે સારા કોમ્યુનિટી સંબંધો જળવાય તે મુદ્દો ગંભીર છે અને સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમમાં ધર્મ આપણને સાંકળે અને તોડે નહિ તે જોવાનું મહત્ત્વપૂર્ણ છે. (૭૫૩)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter