(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)
ભારતની ધરતીએ હંમેશા જ દેશ-વિદેશથી આવતા લોકોને આવકાર્યા છે, સાંભળ્યા છે અને પોતાની સંસ્કૃતિમાં સમાવ્યા છે. આવું ઇતિહાસકાળથી થતું આવ્યું છે અને આજે આધુનિક યુગમાં પણ આ પરંપરા જળવાઈ રહી છે. આ એકમાત્ર દેશ કદાચ એવી ખાસિયત ધરાવે છે કે ત્યાં માટી પણ જાણે સોનું બની જાય છે. હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ જેવા ધર્મો જે પાવન ધરાએ આપ્યા તેણે કોહિનૂર અને મયૂરાસન જેવા નાયાબ અને કિંમતી અલંકારો પણ વિશ્વને આપ્યા છે. ત્યાં જ તાજમહાલ જેવી ઇમારત વિશ્વની અજાયબી તરીકે પ્રસિદ્ધિ ધરાવે છે. આ દેશમાં જ, હજી તાજેતરના ભૂતકાળમાં, ગાંધી જેવી હસ્તી થઇ ગઈ જેને આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકે માનવામાં ન આવે તેવી સરસ પ્રશસ્તિ વડે વધાવ્યા છે.
આજનો સમય તો હવે બિઝનેસ અને આર્થિક પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખનારો છે. આપણો અભિગમ પણ આધુનિકતાવાદી બન્યો છે અને તેથી કોઈ દેશ કે સમાજની ઉપલબ્ધિ તેની સંસ્કૃતિ કે ઇતિહાસથી નહિ, પરંતુ તેની આર્થિક સફળતાથી જ નક્કી થાય છે. પરંતુ આજે ભારત તેમાં પણ ખુબ પ્રગતિ કરી રહ્યો છે. ‘સોને કી ચીડિયા’ જેવા ઐતિહાસિક સંદર્ભથી ઓળખાતો આપણો દેશ હવે તો વિશ્વની એટલી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)ના અહેવાલ અનુસાર તે ૨૦૧૯માં યુનાઇટેડ કિંગ્ડમ જેવા સમૃદ્ધ દેશથી પણ આગળ નીકળીને વિશ્વમાં પાંચમી મોટી અર્થવ્યવસ્થાનો દરજ્જો હાંસલ કરી લેશે. નોંધપાત્ર છે કે ભારતીય અર્થતંત્રની સાઈઝ ૨૦૧૮માં ૨.૬૧ ટ્રિલિયન ડોલરની હતી, જે નોમિનલ જીડીપીના આધારે માપવામાં આવી છે. પરંતુ જો ખરીદશક્તિના આધારે માપીએ તો તો ભારતનું અર્થતંત્ર ૯.૪૫ ટ્રિલિયન ડોલર જેટલું વિશાળ છે અને વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. તેનું કારણ એ છે કે ભારતમાં વસ્તુઓની કિંમત સસ્તી છે અને માનવશ્રમ પણ બીજી અર્થવ્યવસ્થાની સરખામણીમાં સસ્તો છે.
આટલી સંપદા અને આર્થિક જાહોજલાલી ધરાવતો દેશ પણ વિશાળ જનસંખ્યાને કારણે માથાદીઠ આવકમાં થોડો પાછળ છે, પરંતુ તે ક્ષેત્રે પણ ખુબ પ્રગતિ થઇ રહી છે અને હવે તો લોકોનું જીવન સમૃદ્ધિ તરફ જઈ રહ્યું છે. ભારતમાં ઉપલબ્ધ ઓપર્ચ્યૂનિટિનો લાભ લઈને આર્થિક લાભ લેવા, ભારતના ૧.૩ બિલિયન લોકોના માર્કેટમાં સ્થાન મેળવવા અને ભારતમાં રહેલ શિક્ષિત અને તાલીમબદ્ધ લોકોની સ્કીલનો ઉપયોગ કરવા વિશ્વની મોટી મોટી કંપનીઓ આવી રહી છે તે આપણા માટે ગર્વની વાત છે.
(લેખક લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમી) તરીકે ફરજ બજાવે છે.)

