ભારતમાં જરૂરતમંદ કુટુંબોના તેજસ્વી સંતાનોના મસીહા બન્યા પ્રદિપભાઇ ધામેચા

કોકિલા પટેલ Wednesday 01st December 2021 09:07 EST
 
 

વિદ્યાદાન એ મહાદાન ગણાય છે. ભારતમાં કંઇ કેટલાય ગરીબ, અનાથ બાળકો ટેલન્ટેડ હોય છે પણ તેઓ આર્થિક સંકળામણ ભોગવતા હોવાથી ઉચ્ચ કોટિનો અભ્યાસ મેળવી શકતા નથી. ઉપરાંત સરકારી સ્કૂલોમાં ટોયલેટની અછત અથવા અવ્યવસ્થાને કારણે મા-બાપ દીકરીઓને સ્કૂલે મોકલતા નથી પરિણામે દીકરીઓ શિક્ષિણ વંચિત રહી જાય છે.
અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવીને અમેરિકાથી વતનના પ્રવાસે આવેલા અમદાવાદના નવયુવાને પોતીકા પરિવારજનો દ્વારા વૃધ્ધ મહિલાઓની માનસિક, શારિરીક કનડગત થતી જોઇ, શિક્ષણ વંચિત ગરીબ યુવાનોની અવદશા તેમજ સ્કૂલોમાં સ્વચ્છતાનો અભાવ જોતાં જ યુએસએના નામાંકિત વોલસ્ટ્રીટની જેપી મોર્ગનની ઓફર નકારી જનસેવાનો ભેખ ધારણ કર્યો. આજે અમદાવાદના શાહ પરિવારના કૂળદીપક અમિતાભ હજારોના જીવનમાં ઉજાસ પાથરી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહ્યા છે.
અમિતાભ શાહ "યુવા અનસ્ટોપેબલ એનજીઓ" (NGO-YUVA) ચેરિટેબલ સંસ્થા હેઠળ કાર્યરત છે. પાંચેક વર્ષ પહેલાં તંત્રીશ્રી સી.બી. પટેલ પરિવારના "કર્મયોગા ફાઉન્ડેશન" તરફથી આ સંસ્થાને £૫૦,૦૦૦નું દાન આપ્યું હતું.
ગુજરાત સમાચાર અને Asian Voice દ્વારા ત્રણેક વર્ષ અગાઉ એશિયન એચીવર્સ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું એમાં આ યુવાન અમિતાભ શાહની ચેરિટીને સ્પોન્સર કરી હતી. એ વખતે સમારોહમાં ઉપસ્થિત આપણા સમાજના ઉદાર સખાવતી શ્રી પ્રદિપભાઇ ધામેચા પણ ઉપસ્થિત હતા.
 ધામેચા પરિવારના આધારસ્તંભ સમા ખોડીદાસભાઇ ધામેચા અને એમના બંધુઓને એમના માતુશ્રી લાડુમાના પૂણ્ય પ્રતાપે “સાહસે શ્રી” વર્યાં. સાથે આ લોહાણા સપૂતોના હસ્તે સમાજ અને જનલક્ષી અનેકવિધ સેવાઓની અવિરત સરવાણી વહેવા લાગી. આજે મુરબ્બીશ્રી ખોડીદાસભાઇ આ ધરતી પર જીવિત નથી પણ એમની સખાવતો થકી તેઓ અમરત્વ પામ્યા છે. એ શ્રેષ્ઠ સદાવ્રતી-સખાવતીના પગલે એમના સુપુત્ર પ્રદિપભાઇ અને એમનો ધામેચા પરિવારે જનસેવાની જ્યોતને સતત પ્રજ્વલિત રાખી છે. એશિયન એચીવર્સ એવોર્ડમાં અમિતાભ શાહની ચેરિટીનું વિડિયો પ્રદર્શન નિહાળી પ્રદિપભાઇ ધામેચા ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ધામેચા પરિવારે (ધામેચા કેશ એન્ડ કેરી) એ જરૂરિયાતમંદ પરંતુ લાયક વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે ભારતમાં યુવા અનસ્ટોપેબલ એનજીઓ સાથે ભાગીદારી કરી છે. અમિતાભ શાહ અને એમનાં પત્ની રશ્મિ શાહ હાલમાં યુ.કે. પ્રવાસે આવ્યાં હોવાથી ગયા શનિવારે બપોરે પ્રદિપભાઇએ એમના નિવાસસ્થાને કેટલાક અગ્રણીઓ સાથે એક મિલનસમારોહનું આયોજન કર્યું હતું. એ વખતે અમિતાભે સૌને જણાવ્યું કે, નેટફલીક્સ પર સેનીટેશન વિચારધારા આધારિત " મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર" ફિલ્મ જોઇ મને એ દિશા તરફ કાર્ય કરવાનો વિચાર આવ્યો. આ વિચારબીજને ફલિત કરવામાં મને સી.બી.કાકાએ ટેકો આપ્યો. "એશિયન એચીવર્સ એવોર્ડ"માં મારી ચેરિટીને તેમણે સ્પોન્સર કરી. આજે અમારી NGO ચેરીટેબલ સંસ્થા ભારતના ૧૪ રાજ્યોમાં ટેકનોલોજી, સ્કોલરશીપ અને સેનિટેશન (સ્વચ્છતા) બાબત ૨૦ લાખથી વધુ લાભાર્થીઓને સમર્થન આપે છે.
અમિતાભે જણાવ્યું કે, "આજે લાડુમા ધામેચાના મંદિરમાં ઉભો રહી હું વાત કરતાં હું ખૂબ લાગણીસભર બન્યો છું. એમના પરિવારનો દીકરો, પ્રદિપભાઇ આર્થિક રીતે ઘસાઇ ગયેલા કુટુંબોના તેજસ્વી સંતાનોના મસીહા બની એમના જીવનને ઉજ્જવળ બનાવવા કટિબધ્ધ બન્યા છે. પ્રદિપભાઇ એવા બાળકોને શિષ્યવૃત્તિ અને માર્ગદર્શન આપે છે. જેઓ દશમા ધોરણમાં ૮૦% થી વધુ મેળવે છે અને જેમની કુટુંબની આવક વર્ષે ૨૦૦૦ પાઉન્ડ કરતાં ઓછી છે. પ્રદીપભાઇ ધામેચા તરફથી મળતી યુવા શિષ્યવૃત્તિ ફંડને કારણે ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પહેલેથી જ એન્જિનિયર અથવા ડૉક્ટર બનવાના માર્ગ પર છે અને તેઓ આગામી બે-ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને મદદ કરવાનું લક્ષ્ય રાખે છે. આમાંના ઘણા બાળકો ધોબી, રિક્ષાવાળા, પટ્ટાવાળા, કોઇએ પિતાનું છત્ર ગુમાવ્યું હોય એવા અને કેટલાક અનાથ બાળકો છે પરંતુ તેમના સપના મોટા છે. ધામેચા પરિવારે ઝૂંપડપટ્ટીમાં જઇને વિવિધ બાળકો અને માતા-પિતાની તેમના ઘરે વ્યક્તિગત મુલાકાત લીધી છે અને તેમને પ્રોત્સાહિત કર્યા છે." યુ.કે.ના આટલા મોટા ઉદ્યોગપતિની કેવી ઉદારતા અને સહ્દયતા છે એનું ઉદારણ આપતાં અમિતાભે જણાવ્યું કે, "પ્રદિપભાઇ અને એમના ધર્મપત્ની વીણાબહેન ગુજરાત આવ્યાં ત્યારે ગરીબ ઝૂપડપટ્ટીમાં જઇને ગરીબ પરિવારોની દીકરીઓ, દીકરાઓ અને એમના મા-બાપને મળ્યા હતા એટલું જ નહિ પણ ૧૨X૧૨ની નાની ઓરડીમાં રહેતા પરિવારોની દશા જોઇ પ્રદિપભાઇ અને વીણાબેનની આંખો અશ્રુભીની બની હતી. આ દરિયાદિલ ધામેચા દંપતિએ ઝુપડપટ્ટીમાં નાની ઓરડીમાં રહેતા કુટુંબો સાથે જમીન પર બેસી વાતો કરી હતી.
એક નાની ઓરડીમાં રહેતા પરિવારમાં બે દીકરીઓ વર્ષા અને ઉષા અને એક નાનો ભાઇ એમની વિધવા મા સાથે રહેતા હતા. ચારેક મહિના પહેલાં એમના પિતાનું કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયું હતું. પિતા પાણીપુરીની લારી ચલાવતા હતા. એમાં સૌથી મોટી વર્ષા ૧૦મા ધોરણમાં અને નાની ઉષા ૭મા ધોરણમાં ભણતી. પ્રદિપભાઇ જયારે બન્ને દીકરીઓને ઘરે મળવા ગયા ત્યારે ઉષાએ કહ્યું કે, મારે ૭૦ ટકા આવ્યા હતા અને મોટીબેનના ૮૦ ટકા આવ્યા છે તો આર્થિક તંગીને કારણે મેં અભ્યાસ મૂકી દીધો અને મોટીબેનને વધુ શિક્ષણ માટે ભણવા દીધી. આ બન્ને દીકરીઓની વાત સાંભળી પ્રદિપભાઇએ વર્ષા અને ઉષા અને નાના ભાઇને શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી આપી છે. આમ પ્રદિપભાઇએ અનેક પરિવારોના સંતાનો માટે મસીહા બન્યા છે. "
પ્રખ્યાત લેખક અને નેહરુ સેન્ટરના ડાયરેક્ટર, લેખક અમીષ ત્રિપાઠીએ કહ્યું - ‘મારુ વતન ઉત્તર ભારતમાં છે, વર્ષો પહેલાં મારા દાદાજી ઉત્તર ભારતના નાના મંદિરમાં જ્યાં ગાર્ડ બેસે છે એવી નાનકડી રૂમમાં રહેતા પણ એ ખૂબ તેજસ્વી, હોંશિયાર હતા. એ વખતે મદન મોહન માલવીયાજીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્કોલરશીપ શરૂ કરેલી. દાદાજી સંસ્કૃત, ગણિત અને ફીજીક્સમાં ખૂબ હોશિયાર હતા એટલે એમણે સ્કોલરશીપ મળી હતી. અમારા પરિવાર માટે માલવીયાજી આજેય ભગવાન તરીકે પૂજીએ છીએ. એમની પ્રેરણા થકી હું આ સેવાયજ્ઞમાં જોડાયો છું. મેં મુંબઈમાં યુવા અનસ્ટોપેબલ સપોર્ટના વિદ્યાર્થીઓની ઘણી વખત મુલાકાત લીધી છે અને તેમને મળ્યો છું. શિક્ષણ ક્ષેત્રે તેમનું કાર્ય ખરેખર અસાધારણ છે. લક્ષ્મીજી ચંચળ છે પણ જ્યારે સરસ્વતીને મહત્વ આપવામાં આવે છે ત્યારે લક્ષ્મીજી જરૂર તેમણે અનુસરે છે. "પ્રાઇડ વ્યુ"ના નિલેશ અને એમના પત્ની પણ NGOની સંસ્થા સાથે કાર્યરત છે. ૨૦૨૦, જાન્યુરીમાં તેઓએ સ્કૂલોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ટોયલેટ સુવિધા માટે સખાવત કરી હતી. NGO હેઠળ કર્ણાટકમાં આજે ૨૫૦ સ્કૂલોને લાભાન્વિત બની છે.
લોર્ડ ડોલર પોપટે કહ્યું - ‘ભારતમાં ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે પ્રદિપ ધામેચા અને અમિતાભ શાહ જે કરી રહ્યા છે તેની હું પ્રશંસા કરું છું. જે હાથ આપે છે તે હંમેશા વધુ અને વધુ મેળવે છે.' ધીરૂભાઇ સાંગાણીએ પણ બેંગ્લોરમાં NGO કેટલું અને કયાં સક્રિય છે એવી પૃચ્છા કરી હતી. સાથે ભારતમાં સ્કોલરશીપ આપે તો ભારત સરકાર ટેક્સ બેનીફીટ આપે કે નહીં એ વિષે ચર્ચા કરી ત્યારે અમિતાભ શાહે જણાવ્યું કે, ભારતમાં NGO એવી સંસ્થા છે જેને ટેક્સ બેનીફીટ મળે છે.
શ્રી સી.બી. પટેલ કે જેમણે ત્રણ વર્ષ પહેલા લંડનમાં યુવા અનસ્ટોપેબલની શરૂઆત કરી હતી તેનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે,‘દાતાઓએ તેને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે ચેક લખવા ઉપરાંત પ્રત્યક્ષ જઇને વિદ્યાર્થીઓની મુલાકાત લેવી જોઈએ. આ ઉમદા પહેલ અને બાલ સેવા યજ્ઞને બિનશરતી સમર્થન માટે અમિતાભ શાહની પત્ની રશ્મિ ખૂબ જ શ્રેયને પાત્ર છે.’
શ્રીમતી વીણાબેન ધામેચાએ ઉલ્લેખ કર્યો - ‘આ બાળકો કે જેઓ તેમના માતાપિતા સાથે એક નાનકડી રૂમમાં રહે છે તેમના ઘરની મુલાકાત લેવી ખૂબ જ આદરમયી અને લાગણીશીલ હતી. તેમાંથી કેટલાકના ઘરમાં શૌચાલય કે ખુરશીઓ ન હતી, પરંતુ તેમનો આતિથ્ય સત્કાર અદભૂત. નાની જગ્યામાં રહેનારનાં વિશાળ દિલ અને હૈયે મોટા સપના છે."


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter