ભારતમાં વિધવાઓ માટે ભંડોળ એકત્ર કરવા ‘સાયકલિંગ ફોર વિડોઝ’ પહેલ

Wednesday 21st August 2019 04:58 EDT
 
બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્ક્વિથ KCMG (જમણે) સાથે લોર્ડ લૂમ્બા (મધ્ય) અને ક્રિસ પાર્સન્સ
 

લંડન,નવી દિલ્હીઃ જાણીતા ધારાશાસ્ત્રી અને પરોપકારી ક્રિસ પાર્સન્સ દ્વારા તાજેતરમાં એક નવી પહેલ ‘Cycling for Widows’ને લોન્ચ કરવામાં આવી હતી. ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્ક્વિથ KCMG દ્વારા તેમના નિવાસસ્થાને આયોજિત ભોજન સમારોહમાં લોર્ડ રાજ લૂમ્બા CBE, ક્રિસ પાર્સન્સ તેમજ અનેક હાઈ પ્રોફાઈલ બિઝનેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કાનૂની પેઢી હર્બર્ટ સ્મિથ ફ્રીહિલ્સ સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રી ક્રિસ પાર્સન્સ તેમનો મોટા ભાગનો સમય પેઢીની ભારતીય પ્રેક્ટિસના ચેરમેન તરીકે વ્યતીત કરે છે. તેઓ લૂમ્બા ફાઉન્ડેશનના સહયોગમાં ભારતમાં વિધવાઓ માટે ભંડોળ એકત્ર કરવાના આશયથી દક્ષિણમાં કન્યાકુમારીથી ઉત્તરમાં શ્રીનગર સુધી આશરે ૪,૫૦૦ કિલોમીટરનું અંતર સાયકલના સહારે કાપવા ત્રીજી ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ સાહસનો આરંભ કરશે. તેઓ ૪૫ દિવસમાં આ સાહસ પૂર્ણ કરવાની આશા ધરાવે છે.

ક્રિસે ૨૦૧૧માં લંડનથી જિબ્રાલ્ટર સુધી સાયકલિંગ કરીને ૨૦૦,૦૦૦ ડોલર એકત્ર કર્યા હતા. ભારતમાં કશું ખાસ કરવા માટે ઈચ્છુક ક્રિસને ૨૦૧૫માં ૩૦ દિવસમાં ૩૦ મેરેથોન ચાલવાનો વિચાર આવ્યો હતો. આ સાહસમાં તેઓ મુંબઈથી મહારાષ્ટ્રના નીચેના તટે જઈ ગોવાથી કર્ણાટકના મેંગલોર આવ્યા હતા અને ત્યાંથી પૂર્વમાં વળી વેસ્ટર્ન ઘાટ પસાર કરીને બેંગલોર પહોંચ્યા હતા. આશરે ૧૨૬૦ કિલોમીટરનું અંતર કાપવા દરમિયાન તેમણે લૂમ્બા ફાઉન્ડેશન માટે ૩૦૦,૦૦૦ ડોલર એકત્ર કરવામાં સફળતા મેળવી હતી. આ તમામ રકમનો ઉપયોગ વારાણસીમાં ૫,૦૦૦ વિધવાને સહાય તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ મતક્ષેત્રમાં તેમણે લોન્ચ કરેલા પ્રોજેક્ટ માટે કરાયો હતો.

લોર્ડ લૂમ્બાએ જણાવ્યું હતું કે, ‘હું ઘણો જ ખુશ થયો છું અને ક્રિસ પાર્સન્સ દ્વારા ‘Cycling for Widows’ પહેલને પોતાના નિવાસસ્થાનેથી લોન્ચ કરવામાં યજમાની બદલ બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્ક્વિથનો આભારી છું.’

ક્રિસ પાર્સન્સે જણાવ્યું હતું કે,‘ભારત મારા માટે અતિ વિશેષ સ્થળ બની ગયું છે અને મારા માટે બીજા ઘર સમાન હોવાની લાગણી થાય છે. ગત ૧૫ વર્ષ દરમિયાન મેં ૧૫૦થી વધુ વખત આ દેશની મુલાકાત લીધી છે. હું વારાણસીમાં ઘણી ગરીબ વિધવાઓને પણ મળ્યો છું, જેઓનું સશક્તિકરણ થયું છે.’

ધ લૂમ્બા ફાઉન્ડેશન ભારતમાં ગરીબ વિધવાઓની સહાયાર્થે ઉદારતાથી દાન આપવા વાચકોને અનુરોધ કરે છે. આ ડોનેશનનો ઉપયોગ વિધવાઓને અને વિધવાઓની અપરીણિત પુત્રીઓને કૌશલ્ય તાલીમ આપવા માટે કરાશે. લૂમ્બા ફાઉન્ડેશન તમામ વહીવટી ખર્ચ ભોગવશે.

દાન આપવા માટે https://cyclingforwidows2020.ketto.org/ની મુલાકાત લેવા વિનંતી છે.

લોર્ડ રાજ લૂમ્બા અને તેમના પત્ની લેડી વીણા લૂમ્બા દ્વારા લોર્ડ લૂમ્બાની ૩૭ વર્ષની વયે વિધવા થયેલાં અને એકલા હાથે સાત બાળકોનો ઉછેર કરનારી માતાની યાદમાં યુકેમાં ૧૯૯૭માં ધ લૂમ્બા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.

ભારત અને યુએસએમાં નોંધાયેલી ભગિની ચેરિટી સંસ્થાઓની સાથે લૂમ્બા ફાઉન્ડેશન ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વિધવાઓનાં સશક્તિકરણ અને તેમનાં બાળકોને શિક્ષિત કરવા માટે કટિબદ્ધ છે. ભારતમાં જ લૂમ્બા ફાઉન્ડેશને તમામ ૩૦ રાજ્યોમાં ગરીબ વિધવાઓનાં ૧૦,૦૦૦થી વધુ બાળકોને શિક્ષિત બનાવ્યાં છે.

હાલમાં ધ લૂમ્બા ફાઉન્ડેશન આપણા હિમાયતી ઈનિશિયેટિવ્ઝના ભાગરુપે નેશનલ કમિશન ફોર વિડોઝ તેમજ ભારતમાં પંચાયતો દ્વારા વિડોઝ હેલ્પ સેન્ટર્સની સ્થાપના માટે ભારત સરકાર સાથે વાટાઘાટ ચલાવી રહેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter