લંડનઃ ફાઈનાન્સિયલ ન્યૂઝ એન્ડ પ્રાઈવેટ ઈક્વિટી ન્યૂઝના એવોર્ડવિજેતા એડિટર-ઈન-ચીફ શ્રુતિ ત્રિપાઠી ચોપરાને પ્રતિષ્ઠિત ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ફાઈનાન્સિયલ જર્નાલિઝમ અને ગ્લોબલ ફાઈનાન્સમાં ડાઈવર્સિટી, સમાનતા અને સમાવેશિતાને આગળ વધારવામાં અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ આ સન્માનથી તેમને બિરદાવાયાં છે.
લંડનમાં પ્રગતિના પંથે આગળ વધેલા શ્રુતિનો જન્મ અને ઉછેર ભારતમાં થયો છે. લાંબા સમયથી શ્વેત પુરુષોના પ્રભુત્વ હેઠળના પત્રકારત્વ ક્ષેત્રમાં આ ઐતિહાસિક સન્માન મેળવનારા ઘણા થોડા ભારતીયોમાં તેમનો સમાવેશ થયો છે. તેઓ ફાઈનાન્સિયલ ન્યૂઝ એન્ડ પ્રાઈવેટ ઈક્વિટી ન્યૂઝના સૌથી યુવાન એડિટર છે તેમજ લગભગ 30 વર્ષના ઈતિહાસમાં આ ટાઈટલ્સની નેતાગીરી કરનારા સૌપ્રથમ મહિલા અને બિનગોરી વ્યક્તિ છે. આ વર્ષે તેમને અવિવા ઈન્વેસ્ટર્સ મીડિયા એવોર્ડ્સમાં સોશિયલ વેલ્યુ જર્નાલિસ્ટ ઓફ ધ યર તેમજ સ્ટેટ સ્ટ્રીટ એવોર્ડ્સમાં જર્નાલિસ્ટ ઓફ ધ યર-સ્ટુઅર્ડશિપથી સન્માનિત કરાયા હતા. તેમણે ગ્લોબલ ફાઈનાન્સ એન્ડ બિઝનેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લંડન સ્ટોક એક્સચેન્જ ખાતે ‘સાઉથ એશિયન પાવર બ્રોકર્સ’ લિસ્ટ પણ લોન્ચ કર્યું હતું.
શ્રુતિ ત્રિપાઠી ચોપરાએ આ સન્માનનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડનનું સન્માન પ્રાપ્ત કરવું એ વર્ષોના કઠોર પરિશ્રમ, ધીરજ અને સપોર્ટને પ્રતિબિંબિત કરતી ‘અતુલનીય વિનમ્ર પળ’ છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ માત્ર વ્યક્તિગત ગર્વ અનુભવતાં નથી, પરંતુપોતાના દેશને ગૌરવશાળી બનાવવા વિશ્વભરમાં કાર્યરત ભારતીયો માટે પણ ગર્વ ધરાવે છે.


