ભારતવંશી જસકિરાત સામે પુત્રી શાય કાંગની હત્યાનો આરોપ

Tuesday 12th March 2024 05:52 EDT
 
 

લંડનઃ બ્લેક કન્ટ્રીમાં મોતને ભેટેલી 10 વર્ષીય સ્કૂલ ગર્લ શાય કાંગની હત્યાના આરોપસર તેની 33 વર્ષીય ભારતવંશી માતા જસકિરાત કૌર ઉર્ફ જાસ્મિન કાંગ ગુરુવાર 7 માર્ચે વોલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર થઈ હતી. આ જ કોર્ટ સમક્ષ 22 એપ્રિલે ફરી હાજર કરાય ત્યાં સુધી તેણે કસ્ટડીમાં રહેવાનું થશે. કોર્ટ સમક્ષ ટુંકી સુનાવણીમાં જસકિરાત કૌર માત્ર પોતાની ઓળખ જ આપી હતી.

શાય કાંગ સોમવાર 4 માર્ચે લંચટાઈમે વેસ્ટ મિડલેન્ડ્સના રૌલી રેગિસ ખાતેની એક પ્રોપર્ટીમાં મૃત હાલતમાં મળી આવી હતી. વેલ્ફેર ઓફિસરની તપાસમાં કોઈ જવાબ ન મળવાથી પોલીસ તેના ઘેર પહોંચી હતી અને તપાસ આદરી હતી. તેના શરીર પર ઈજાના નિશાન હતા અને તેને સ્થળ પર જ મૃત જાહેર કરાઈ હતી. પોલીસે હત્યાના આરોપસર તેની માતા જસકિરાત કૌરની ધરપકડ કરી હતી. જસકિરાતને બુધવારે વોલ્વરહેમ્પટન મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી.

આ કરૂણ ઘટના બહાર આવતા કોમ્યુનિટીમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને લોકોએ શ્રદ્ધા્ંજલિ વ્યક્ત કરતા તેના નિવાસ નજીક ટેડી બેર્સનો ઢગલો કરી દીધો હતો. શાય કાંગ અભ્યાસ કરતી હતી તે બ્રિકહાઉસ પ્રાઈમરીના પ્રવક્તાએ પણ સ્કૂલના સ્ટુડન્ટ માટે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે શાય આનંદી અને તેજસ્વી છોકરી હતી જેને બધા ચાહતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter