ભારતવંશી તબીબ દંપતીની PPE મુદ્દે સરકાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી

Wednesday 27th May 2020 00:21 EDT
 
 

લંડનઃ ભારતવંશી તબીબ દંપતી ડો. નિશાંત જોશી અને એમના સગર્ભા પત્ની ડો. મીનલ વિઝે કોરોના વાઈરસ મહામારીમાં ફ્રન્ટલાઈન સ્ટાફને પૂરતા પ્રમાણમાં સર્જિકલ ગાઉન્સ સહિત પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (PPE) ઉપકરણો પૂરા પાડવામાં નિષ્ફળતા બદલ બોરિસ સરકારને કોર્ટમાં ખેંચી જવા કમર કસી છે. NHSમાં કાર્યરત દંપતીએ ઇંગ્લેન્ડના આરોગ્ય અને સામાજિક સંભાળ વિભાગ તેમજ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને પ્રી-એકશન પત્ર પાઠવી કાનૂની પગલાંનો પ્રારંભ કર્યો હતો. સરકારે સંતોષકારી ઉત્તર નહિ આપતા દંપતીએ લંડન હાઈ કોર્ટમાં કાનૂની કાર્યવાહીનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગે આ કાનૂની પડકાર વિશે કોઇ ટિપ્પણી કરી નથી, પરંતુ જોખમ ઘટાડવાના પગલાં લેવાતા હોવાનું અગાઉ ભારપૂર્વક જણાવ્યું હતું.

લૂટન એન્ડ ડનસ્ટેબલ જનરલ હોસ્પિટલમાં કાર્યરત જનરલ પ્રેક્ટિશનર (જીપી) ટ્રેઈની ડો. નિશાંત જોશી અને મેડિસીનમાં ક્લિનિકલ ફેલો ડો.મીનલ વિઝે PPE ઉપકરણોના ઉપયોગ વિશે સરકારના વર્તમાન માર્ગદર્શનની કાયદેસરતા અને અને NHS ફ્રન્ટલાઈન સ્ટાફને ઉપકરણો પૂરા પાડવામાં નિષ્ફળતા બદલ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ સામે કાનૂની કાર્યવાહી કરવા નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે છ મહિનાની સગર્ભા ડો. મીનલ વિઝે આ મુદ્દે થોડાં સમય અગાઉ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ સામે પ્લેકાર્ડ્સ સાથે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.

સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ગાઈડન્સ વચ્ચે ભારે તફાવત હોવાની તેમજ યુકેના હેલ્થ અને સેફ્ટી કાયદા સાથે સુસંગત ન હોવાની દલીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારનું ગાઈડન્સ હેલ્થકેર વર્કર્સ માટે કોરોનાના સંક્રમણનું જોખમ વધારે છે તેમજ આ ક્ષેત્રમાં BAME લોકોને વધેલા જોખમનું નિવારણ કરતી નથી. તબીબ દંપતીએ પૂરતાં ઉપકરણો વિના હેલ્થકેર વર્કર્સ કામ કરવાનું નકારી શકે છે તેવી કોઈ સ્પષ્ટતા આ ગાઈડન્સમાં નથી તેમ જણાવી તેની સમીક્ષા કરવા માગણી કરી છે. કોરોના મહામારીમાં ઈંગ્લેન્ડમાં જ ૧૮૩ જેટલા NHS ફ્રન્ટલાઈન વર્કર્સના મોત થયાનું કહેવાય છે ત્યારે આ દંપતીએ હેલ્થકેર વર્કર્સના રક્ષણની જવાબદારી સરકારની જ હોવાનું જણાવી કહ્યું હતું કે લોકો જાહેરમાં બોલતા ગભરાય છે પરંતુ, અમે તેના માટે તૈયાર છીએ.

ડો. જોશી અને ડો. વિઝનાં પ્રી-એક્શન પત્રના ઉત્તરમાં પબ્લિક હેથ ઈંગ્લેન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકે ગાઈડન્સ NHSના લીડર્સ દ્વારા લખાયું છે અને રોયલ અને મેડિકલ કોલેજીસ સાથે પરામર્શ પછી તમામ ચાર ચીફ મેડિકલ ઓફિસર્સ દ્વારા સંમતિ અપાઈ છે. WHOએ પણ તેની ભલામણ કરાયેલી હાઈ રિસ્ક પ્રોસીજર્સ સાથે યુકે ગાઈડન્સ સુસંગત હોવાનું સમર્થન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter