લંડનઃ યુકેની બેસિલડોન ક્રાઉન કોર્ટે ૫૭૪ યુવતીઓના કોમ્પ્યુટર એકાઉન્ટ હેક કરી તેમનુ જાતીય શોષણ અને બ્લેકમેલ કરનારા ભારતીય મૂળના આકાશ સોંધીને ૧૧ વર્ષની સજા ફરમાવી છે. તેની શિકાર યુવતીઓમાં ઘણીની વય ૧૮ વર્ષ કરતાં પણ ઓછી હતી અને મોટા ભાગે ઈસેક્સ તેમજ ઓસ્ટ્રેલિયા, રોમાનિયા અને હોંગ કોંગ સહિત દૂરના પ્રદેશોની પણ હતી. સોંધીને ૧૦ વર્ષ માટે સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં મૂકાશે.
ચેફોર્ડ હન્ડ્રેડના હેડિંઘામ ક્લોઝના રહેવાસી અને પૂર્વ સિવિલ સર્વન્ટ ૨૭ વર્ષના આકાશ સોંધીએ ૨૬ ડિસેમ્બર,૨૦૧૬થી ૧૭ માર્ચ ૨૦૨૦ સુધી ખાસ તો સ્નેપશોટમાં સેંકડો યુવતીઓના સોશિયલ મીડિયાને ગેરકાયદે હેક કર્યા હતા અને ત્યાર પછી તેમને ધમકી આપતો હતો, એમ યુકે ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે (સીપીએસ) કહ્યું હતું. મનોવિકૃત્તિ ધરાવતો આકાશ યુવતીઓ પાસે તસવીરો મંગાવતો હતો તેમજ આવી તસવીરો અને વિડીયો નિહાળી આનંદ મેળવતો હતો. સોંધીએ અગાઉ મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ, હોમ ઓફિસ અને કેબિનેટ ઓફિસમાં કામગીરી બજાવી હતી.
પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે આકાશની વિકૃતિનો શિકાર બનેલી અનેક યુવતીઓએ અગણિત માનસિક યાતના સહન કરી હતી. એક યુવતીએ તો આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આકાશે હેકિંગ, બ્લેકમેઈલિંગ અને અન્યને નગ્નાવસ્થામાં જોઇને જાતીય આનંદ માણવા સહિત ૬૫ ગુનાની કબુલાત કરી હતી. આકાશે યુવતીઓને તેઓ નગ્ન ફોટો નહિ મોકલે તો તેની પાસેની હેક કરેલી તસવીરો પરિવાર અને મિત્રોને મોકલવા ધમકી આપી હતી. કેટલીક મહિલા તેની ધમકીને તાબે થઇ હતી અને ઓછામાં ઓછી છ મહિલાએ તેમનાં ફોટા મોકલ્યાં હતાં. પોલીસે તેના ઘર પર દરોડો પાડી ૧૯ માર્ચે તેની ધરપકડ કરી હતી.
જજ સામન્થા કોહેને આરોપી સોંધીને જણાવ્યું હતું કે,‘ તું તારા પરિવાર માટે ગર્વનું સ્રોત હતો પરંતુ, હવે શરમનું પ્રતીક બની ગયો છે. તેં જે મહિલાઓને બ્લેકમેઈલ કરી છે તેમના પરની અસરો ગંભીર છે. ઘણી તો ૧૬થી ૧૮ વયજૂથની હતી. તેં બે વર્ષ સુધી ભયનું સામ્રાજ્ય જમાવી દીધું હતું.’ સોંધીનો શિકાર બનેલી એક મહિલાએ કોર્ટમાં વિક્ટિમ પર્સનલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘મેં જીવન અર્થહીન લાગતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મારી ઘણી મિત્રતાઓ પર ગંભીર અસર પડી હતી.’


