લંડનઃ બ્રિટનમાં ભારતીય ઈમિગ્રન્ટ્સની પાંચ વર્ષની દીકરી વિશ તેની ઊંમરની સરખામણીએ ઘણા જવાબદારીનાં કામ કરતી હતી. તે પોતાના પેરન્ટ્સ માટે અંગ્રેજીનું ભાષાંતર કરતી, સત્તાવાર ફોર્મ્સ ભરતી, નાના ભાંડુઓની દેખરેખ રાખતી અને બાળપણથી જ સમજી ગઈ હતી કે જીવતાં રહેવાં માટે બલિદાન આપવા પડે છે. તે જ્યારે દીકરી, બહેન અને કેરટેકર બની રહેવાનો પ્રયાસ કરતી હતી ત્યારે એક દુઃસ્વપ્નમાં જીવી રહી હતી જે તેની બાકીની જીંદગીને ઘડવાનું હતું.
તેના કહેવા અનુસાર વિશાળ પરિવારમાં જેનો વિશ્વાસ કરવાનું શીખવાયું હતું તેવા પુરુષ, વિપિન પટેલના હાથે લગભગ એક દાયકા સુધી તેનું જાતીય શોષણ કરાયું હતું. વિપિન પટેલને 1992થી 1995ના ગાળામાં આચરાયેલા ગંભીર જાતીય અપરાધો માટે દોષિત ઠરાવાયો હતો. તેની વિરુદ્ધ બળાત્કાર, હળાત્કારના પ્રયાસ, બાળક સાથે અશ્લીલ વર્તન અને અશ્લીલ હુમલાના આરોપો મૂકાયા હતા, જેની તેણે કબૂલાત કરી હતી. જોકે, તેણે બાળક સાથે અશ્લીલ વર્તન અને અશ્લીલ હુમલાના આરોપો સ્વીકાર્યા ન હતા.
આજે વિશ હેલ્થકેર પ્રોફેશનલ, લેખક અને કેમ્પેઈનર છે, પરંતુ સિદ્ધિઓની કહાણી પાછળ આઘાત, મૌન અને ન્યાયની અવિરત ખોજ છુપાયેલી છે. તેની સાથે ખરાબ વર્તન શરૂ કરાયું તે પીડાદાયી ઊંમર તેને બરાબર યાદ છે. પાંચ વર્ષની વયે તેણે ધાર્મિક શાસ્ત્રો વાંચવાની અને આસપાસની દુનિયાને સમજવાની શરૂઆત કરી હતી. તેના પેરન્ટ્સ અલ્પ શિક્ષણ સાથે બ્રિટન આવ્યા હતા. તેની અંગ્રેજી નહિ સમજતી માતા યુગાન્ડાની રેફ્યુજી હતી અને પિતા ગુજરાતના આણંદ નજીકના ગામડામાં ઉછરેલા હતા.
છીનવાઈ ગયેલું બાળપણ
સૌથી મોટી દીકરી વિશ ઝડપથી પરિવારનો દુભાષિયો અને હેલ્પર બની ગઈ. વયસ્કોને પણ ભારે લાગે તેવી જવાબદારીઓ ઉઠાવવાં લાગી અને આ ગાળામાં તેનું બાળપણ ખોવાઈ જ ગયું. તેના પેરન્ટ્સે નાની પારિવારિક દુકાન ખોલી તે પહેલાં લાંબા કલાકો સુધી ફેક્ટરીઓમાં કામ કરે રાખ્યું. વડીલોની ગેરહાજરીએ તેના શોષણખોર માટે તક ઉભી કરી આપી. વિશ કહે છે કે,‘ તે મારો બ્રધર-ઈન-લો હતો, પરંતુ તેણે કદી આ સંબંધ જાળવ્યો નહિ.’ વિશ કહે છે કે શોષણખોર સામાન્યપણે બાળક અને પરિવારની નજીકની વ્યક્તિ જ હોય છે.
વિશના મોટાં થવાં સાથે યૌનશોષણ પણ વધવા સાથે હિંસક બનતું ગયું. ભયની કોઈ ગુંજાઈશ ન હતી, તે ઈરાદાપૂર્વક અને સતત થતું રહ્યું. વિશ યાદ કરે છે કે,‘વધુ આક્રમણ, વધુ લોહી, બચકાં, ઉઝરડા, ખેંચતાણ, બધું જ વધ્યું એટલે સુધી કે મારું શરીર અને મગજ બહેર મારી ગયું.’ આમ છતાં, વિશ વર્ષો સુધી મૌન રહી, તેનું એક કારણ તેની નાની બહેન હતું. જો વિશ કહેવું ન માને તો નાની બહેનને લક્ષ્ય બનાવવાની ધમકી અપાતી હતી. નાની બહેન માટે આવાં ભવિષ્યના વિચારથી તે કાંપી જતી હતી.
એક સમયે તેને બહાર નીકળવાનો માર્ગ મળી ગયાંનું લાગ્યું. ભારતમાં અભ્યાસ કરવા જવાથી શોષણમાંથી મુક્તિ મળશે તેમ વિચારી તેણે પેરન્ટ્સને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાં સમજાવી લીધાં. વર્ષો પછી, પહેલી વખત તેને રાહત જણાઈ. તે સ્પોર્ટ્સમાં પરોવાઈ ગઈ, મિત્રો બનાવ્યાં અને સાચી ખુશી મળી હોવાનું અનુભવ્યું. પરંતુ, આ રાહત લાંબો સમય ચાલી નહિ. વિશના શોષણખોરે વિશના પિતાની સહી સાથે નકલી પત્ર તૈયાર કર્યો અને ભારત પહોંચી વિશ સાથે એક વીકએન્ડ ગાળવાની મંજૂરી માટે શાળાને પણ સમજાવી લીધી. વીકએન્ડની રજા કોઈ આઝાદી ન હતી, પરંતુ ફરી એક વાર યૌનશોષણ માટે વિશનો હવાલો મેળવી લેવાની રમત હતી.
ન્યાય માટે 12 વર્ષનો વનવાસ
વર્ષો પછી તેણે આખરે માતાપિતાને આ વિશે જણાવ્યું અને યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગ મેળવ્યાં પછી વિશે પોલીસ સમક્ષ જવાં નિર્ણય લીધો. તેને આશા હતી કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેને ન્યાય અપાવશે, પરંતુ હજુ સહન કરવાનું બાકી હતું. તેણે આપેલા સ્ટેટમેન્ટમાં આશરે 15થી 17 કલાકના વીડિયો ઈન્ટરવ્યૂઝ હતા. તેને વારંવાર તેનાં અનુભવો અને વર્ષો સુધી દબાવી રાખેલાં સમરણો જણાવવા કહેવાતું હતું. તેને લાગતું કે સિસ્ટમ પાયાના કાનુની કન્સેપ્ટ્સ કે તેના અનુભવોની જટિલતા સમજવામાં નિષ્ફળ રહી હતી. વિશ કહે છે કે,‘દરરોજ હું ન્યાયની રાહ જોતી દિવસો ગણતી હતી. જ્યારે પણ હું નજીક પહોંચું ત્યારે કોઈ ગોલપોસ્ટ દૂર ખસેડી લેતું હતું.’ આ કેસને કોર્ટ સુધી પહોંચવામાં 12 વર્ષ લાગી ગયાં. ટ્રાયલ દરમિયાન, તેના શોષણખોરને શાંત,દયાળુ અને નિષ્ઠાવાન જણાવી તેની પ્રશંસા કરતા ચારિત્ર્ય રેફરન્સીસથી વિશને ભારે આઘાત લાગ્યો હતો.
આઘાત પછી હિંમત પાછી મેળવી વિશને કાઉન્સેલિંગ થકી જ ગ્રૂમિંગ, શોષણની કાર્યરીતિ સમજવામાં મદદ મળી છે, પોતાના અનુભવો જણાવવાની ભાષા મળી છે. તેને સમજાયું છે કે રિકવરી કદી સરળ હોતી નથી. કહાણી કહેવાની કિંમત ચૂકવવી પડી છે, મિત્રો ગુમાવવા પડ્યાં છે. એક સમયે નિકટ જણાયેલા લોકો દૂર થયાં છે. આવા આઘાતમાંથી પસાર થનારી વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો તે ઘણાને ખબર જ પડતી નથી. સમયાંતરે, તેને એક સમજ આવી ગઈ છે કે જો અન્યો તેને ઉત્તરો મેળવવામાં મદદ નહિ કરે તો તેણે જ ઉત્તરો શોધવાના રહેશે. આ નિર્ણયાત્મકતા તેના જીવનનું મિશન બની ગયેલ છે.
પીડાને ઉદ્દેશમાં રુપાંતરિત કરી
આજે વિશ બાળ યૌનશોષણ વિશે ખુલીને બોલે છે તેમજ સંમતિ, મર્યાદાઓ અને અંગત સલામતી સંદર્ભે બહેતર શિક્ષણની હિમાયત કરે છે. બાળકોને બાળપણથી જ સમજાવવું જોઈએ કે તેમના શરીરના તેઓ જ માલિક છે, જ્યારે કશું ખોટું થતું જણાય તો બોલવાનો તેમનો અધિકાર છે. તેણે લખવાને અભિવ્યક્તિ બનાવી છે. નાના બાળકો અંગત મર્યાદાઓ, સલામતી અને સ્વમૂલ્યને સમજે તેમાં મદદ કરવાના હેતુસર તેણે બાળપુસ્તકો લખ્યાં છે. વિશ માટે પુસ્તકો માત્ર વાર્ાતા નથી, તે અટકાવ અને ઉપચારના સાધનો છે.
વિશને આશા છે કે તેના લખાણોથી અન્યોને બોલવાની શક્તિ મળશે, પેરન્ટ્સને સાંભળવાનું પ્રોત્સાહન અને એવું ભવિષ્ય સર્જવામાં મદદ મળશે જ્યાં શોષણ વહેલું પકડાય અને અટકાવી શકાય. તેનું લક્ષ્ય બદલો નથી, પરંતુ એવી ચોકસાઈ કરવાનું છે કે તેણે જે સહન કર્યું તે અન્યોએ સહન કરવું ન પડે. વિશ કહે છે, ‘અન્યો મારી સ્ટોરીમાં હિંમત નિહાળે તેમ ઈચ્છું છું, મારા તરફ નિહાળી એમ વિચારે કે આ સ્ત્રી બોલી શકે છે તો હું પણ કદાચ બોલી શકું.’ દાયકાઓના મૌન પછી, વિશને એવો ન્યાય જોઈએ છે કે તેને માત્ર કોઈ માને એવું નહિ, પરંતુ સૌ પહેલા તો અન્યોને મૌન રાખવાની ફરજ ન પડે. કારણકે તેણે મૌન રાખીને જ જીંદગીમાં ઘણું સહન કર્યું છે.


