લંડનઃ દિલ્હીના ભારતીય ઈમિગ્રન્ટના ૫૩ વર્ષીય પુત્ર સર રબિન્દરસિંહ બ્રિટનમાં બિનગોરા જજ દ્વારા હાંસલ સૌથી ઊંચા રેન્ક પર પહોંચ્યા છે. સર રબિન્દરસિંહની કોર્ટ ઓફ અપીલ જજ તરીકે નિયુક્તિને યુકેની શીખ પ્રજાએ વધાવી લીધી હતી. ઈંગ્લેન્ડમાં સર્વપ્રથમ વંશીય લઘુમતી જજ તરીકે સર મોટા સિંહની નિયુક્તિ સાથે તેમની સિદ્ધિની સરખામણી કરવામાં આવી હતી. તેઓ એક મહિલા સહિત સાત સભ્યની કોર્ટ ઓફ અપીલમાં એકમાત્ર પાઘડીધારી શીખ હશે.
મિ. જસ્ટિસ સિંહ તરીકે વધુ જાણીતા રબિન્દરનો જન્મ ૬ માર્ચ ૧૯૬૪ના દિવસે દિલ્હીના શીખ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર યુકેમાં આવી બ્રિસ્ટોલના વર્કિંગ ક્લાસ એરિયામાં સ્થાયી થયો હતો. બાળપણથી જ બેરિસ્ટર થવાની ઈચ્છા રાખતા રબિન્દરસિંહે કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજ અને બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઈન્સ ઓફ કોર્ટમાંથી સ્કોલરશિપ મેળવી હતી. તેમને ૧૯૮૯માં બારના સભ્ય અને ૨૦૦૨માં ક્વીન્સ કાઉન્સેલ (QC) બનાવાયા હતા.
તેમણે અગાઉ, બેરિસ્ટર, મેટ્રિક્સ ચેમ્બરના સ્થાપક સભ્ય અને કાયદાવિદ રહેવા ઉપરાંત, ૨૦૧૧માં ઈંગ્લિશ હાઈ કોર્ટમાં ક્વીન્સ બેન્ચ ડિવિઝનના જજ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ૧૯૯૭થી ૨૦૦૨ સુધી ઈન્લેન્ડ રેવન્યુ વિભાગમાં એડિશનલ જુનિયર કાઉન્સેલ પણ રહ્યા હતા. તેમને ૩૯ વર્ષની વયે ડેપ્યુટી હાઈ કોર્ટ જજ અને ૨૦૦૪માં ક્રાઉન કોર્ટમાં રેકોર્ડર તરીકે નિયુક્ત કરાયા હતા.
ભારતીય કોમ્યુનિટીના જાણીતા ઉદ્યોગસાહસિક, પરગજુ અને કોમ્યુનિટી માટે અથાક કાર્ય કરનારા ડો. રેમી રેન્જર CBEએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘સૌપ્રથમ ભારતીય તરીકે કોર્ટ ઓફ અપીલમાં જજ સર રબિન્દરસિંહ QC ની એપોઈન્ટમેન્ટ દરેક ભારતીય અને ખાસ કરીને શીખ સમુદાય માટે ગર્વની બાબત છે. વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિઓ સાથે સ્પર્ધા કરીને આપણે ભારતીયો કોઈ પણ ઊંચાઈએ પહોંચી શકીએ છીએ તે જજ સર રબિન્દરસિંહે સાબિત કર્યું છે. ધર્મનિરપેક્ષ અને લોકશાહીવાદી ભારતમાં આપણો ઉછેર કોઈ પણ દેશમાં સરળતાથી ભળી જવામાં મદદ કરે છે.’
સિટી શીખ નેટવર્કના ચેરમેન જસવીરસિંહ OBEએ જણાવ્યું હતું કે,‘ન્યાયતંત્રના ઉચ્ચ પદો પર ડાઈવર્સિટીનું પ્રમાણ વધી રહ્યું છે. હજુ આગળ વધવાનું છે પરંતુ, સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ તરીકે બેરોનેસ હાલેની સાથોસાથ મિ. જસ્ટિસ સિંહની નિયુક્તિ સારહા પ્રથમ કદમ છે.’
શીખ કાઉન્સિલ ઓફ યુકેએ પણ દસ્તાર પહેરતા શીખ તરીકે કોર્ટ ઓફ અપીલમાં પ્રથમ જજ તરીકે જસ્ટિસ સિંહ નિયુક્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. શીખ કાઉન્સિલ યુકેના વરાયેલા સેક્રેટરી જનરલ જગતાર સિંહ ગિલે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘અમે આ નિયુક્તિ માટે મિ. જસ્ટિસ સિંહને અભિનંદન સાથે તેમની નવી ભૂમિકામાં શુભેચ્છા પાઠવીએ છીએ. શીખ સમુદાર ખરે જ ભારે ગર્વની લાગણી અનુભવે છે. તાજેતરની ઐતિહાસિક પાર્લામેન્ટરી ચૂંટણીમાં પણ પ્રથમ પાઘડીધારી શીખ સાંસદ અને પ્રથમ શીખ મહિલા સાંસદને પણ ગર્વપૂર્ણ આવકાર મળ્યો છે.’
જસ્ટિસ સિંહે ઓક્ટોબર ૨૦૦૦થી નવેમ્બર ૨૦૦૨ના ગાળામાં એન્ટ્રી ક્લીઅરન્સ માટે સ્વતંત્ર મોનિટર તરીકે તેમજ ૨૦૦૭માં ‘બિગ બ્રધર યુકે’માં જેડ ગૂડી અને સાથીઓએ ભારતીય અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામે રંગદ્વેષી ટીપ્પણીનો મારો ચલાવ્યો હતો તે મુદ્દે ત્રણ સભ્યની પેનલમાં પણ કામગીરી બજાવી હતી.