લંડનઃ હજારો લોકોને મદદ કરનારા સમાજસેવાને સમર્પિત ચેરિટી કાર્યકર કાન્તિ નાગડાના સન્માનોથી સમૃદ્ધ પાઘમાં વધુ એક યશકલગી સ્વરુપે મહારાણી દ્વારા સન્માન મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર ‘MBE’નો પણ સમાવેશ થયો છે. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી મિ. રોહિત વઢવાણાએ ૧૮ જાન્યુઆરી, શનિવારના રોજ સન્માન સમારંભમાં જણાવ્યું હતું કે, ‘સન્માન એ માત્ર કાર્યની કદર નથી પરંતુ વધુ જવાબદારી પણ છે. આપણે જાત સાથે સમાધાન કરવું પડે છે અને આગામી પેઢી માટે નેતાગીરી અને નવા વિકલ્પો પૂરા પાડવાના રહે છે.’
આ કાર્યક્રમમાં એક પછી એક વક્તાઓ, તમામ કોમ્યુનિટી અગ્રણીઓએ કાન્તિભાઈના કાર્યોને વાગોળ્યા હતા અને તેમને પોતાને અથવા કાન્તિભાઈને મોકલી આપેલા ક્લાયન્ટ્સને મળેલી મદદના અનુભવોને યાદ કર્યા હતા. હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને કાન્તિભાઈના કાર્યોની પ્રસંશા કરતા કહ્યું હતું કે, ‘મને જ્યારે કાન્તિ તરફથી કોઈ ભલામણ મળે છે ત્યારે મને જાણ હોય છે કે તે ચકાસણીમાંથી પસાર થયેલી હોય છે અને મારા મતદારો માટે સમસ્યા દૂર કરવા મારી સત્તા હેઠળ જે આવતું હોય તે તમામ કરું છું.’ કાન્તિભાઈ અને તેમના કાર્યો સાથે વર્ષોથી જાણકાર કાઉન્સિલર અંજના પટેલે કહ્યું હતું કે,‘કાન્તિ એક દંતકથા સમાન છે તેમજ કોમ્યુનિટી અને ચેરિટીઝ માટે કરેલા કાર્યો બદલ તેઓ ‘કોમ્યુનિટીના નાયક’ છે.’
મિ. રોહિત વઢવાણાએ કાન્તિ નાગડાને અપાયેલું પ્રશસ્તિપત્ર મોટેથી વાંચી સંભળાવ્યું હતું જેમાં લખાયું હતું કે,‘ કોમ્યુનિટીના લાભ માટે સંગત સેન્ટરના નિર્માણનો અસાધારણ નિર્ધાર અને ક્ષમતા, અસંખ્ય ચેરિટીઓ અને સફળ પ્રોજેક્ટ્સ તેમજ ચેરિટીઓ માટે વ્યાપક ભંડોળ એકત્રીકરણ’ના કાર્યો માટે કાન્તિને મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)ની નવાજેશ કરવામાં આવે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ વતી મિ. વઢવાણા, કૃષ્ણા પૂજારા અને જિતુભાઈ પટેલ દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
દિપક શાહે ‘બ્રિટિશ એશિયાઈ સમાજના નકશામાં સંગતને વિશિષ્ટ સ્થાન પર મૂકવા’ બદલ કાન્તિભાઈને અભિનંદન પાઠવ્યા હતા અને સંગતના નિર્માણ બાબતે કાન્તિની સંપૂર્ણ નિષ્ઠા કેવો રંગ લાવી હતી તે વિશે ઉપસ્થિત મહેમાનોને જણાવ્યું હતું. મહિલા અધિકારોની ઝૂંબેશ ચલાવતાં કૃષ્ણા પૂજારાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘તમે બધા આપણા નાયકોમાં એક કાન્તિ નાગડાની સિધ્ધિઓની ઉજવણી કરવા અત્રે આવ્યા છો. આજની સાંજે અહીં ઉપસ્થિત રહી કાન્તિની સાથે ઊભા રહેવા બદલ તમારા બધાનો, કોમ્યુનિટી અગ્રણીઓનો આભાર.’
જાણીતા રેડિયો પ્રેઝન્ટર મિ. રવિ શર્માએ આ સમારંભમાં ટીખળ દ્વારા રમૂજની છોળો ઉછાળી સૌને ખુશ કરી દીધા હતા.
સમગ્ર કાર્યવાહી દરમિયાન, કાન્તિભાઈ કશું જ બોલ્યા ન હતા પરંતુ, સ્વીકૃતિસૂચક મસ્તક હલાવવા સાથે મંદ સ્મિત રેલાવતા રહ્યા હતા. અંતે તમામ પ્રશંસાનો પ્રતિભાવ આપતા તેમણે કહ્યું હતું કે,‘આ કાર્યો કરવામાં અને અત્યાર સુધી જે પરિણામો હાંસલ થયા છે તેમાં હું એકલો ન હતો. આ તો સંઘભાવનાનો પ્રયાસ છે. આપણી વિરુદ્ધના વહેણ ઘણાં મજબૂત હતાં પરંતુ, મારું માનવું હતું કે સંપૂર્ણ નિષ્ઠા સાથે આપણે મંઝિલ પર પહોંચી શકીશું.’
તેમણે સી.બી. પટેલનો સવિશેષ આભાર માન્યો હતો જેમણે, છેક નવેમ્બર ૨૦૦૧માં સંગત સેન્ટરના ખાતમુર્હૂત સમારંભ વેળાએ ‘ભૂમિપૂજન’ કર્યું હતું.
સમારંભના સમાપને સી.બી.પટેલે આભારવિધિ કરી હતી.


