લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડાઓ અનુસાર ભારતીય નાગરિકોને અપાતા યુકે વિઝામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જૂન ૨૦૧૮ સુધીના વર્ષમાં ૫૫૦,૯૨૫ ભારતીયોને યુકેના વિઝા મંજૂર કરાયા હતા, જે અગાઉના વર્ષની સરખામણીએ ૧૦ ટકાનો વધારો સૂચવે છે. વિઝિટ વિઝાની સંખ્યા ૧૦ ટકા વધીને ૪૫૪,૬૫૮ થઈ છે, જે દર્શાવે છે કે ભારતીયો રજાઓ ગાળવાના સ્થળ તરીકે યુકેને વધુ પસંદ કરી રહ્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓને અપાતા ટિયર-૪ વિઝાની સંખ્યા ૧૫,૩૯૦ થઈ છે જે અગાઉના વર્ષ કરતા ૩૨ ટકા વધુ છે. આ જ સમયગાળામાં૬,૫૦૦થી વધુ ભારતીયો શોર્ટ-ટર્મ અભ્યાસાર્થે યુકે આવ્યા હતા. સ્ટુડન્ટ વિઝાની સંખ્યા વધી હોય તેવું આ સતત ત્રીજું વર્ષ છે. બાકીના સંયુક્ત વિશ્વની સરખામણીએ ભારતને વધુ પ્રમાણમાં યુકેના વર્ક વિઝા મળે છે. ગત વર્ષે ૬૦૦,૦૦૦થી વધુ વર્ક વિઝા ઈસ્યુ કરાયા હતા.
ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્ક્વિથે જણાવ્યું હતું કે,‘કેટલાક સમયથી અમારા ધ્યાનમાં એ વાત આવી છે કે વધુ અને વધુ ભારતીયો મુલાકાત લેવા, કામ અને અભ્યાસ કરવા માટે યુકેની પસંદગી કરી રહ્યા છે. તાજા આંકડાઓ આ વલણને મજબૂતી બક્ષે છે. આ સારી બાબત છે. મને વિશેષ એ વાતનો આનંદ છે કે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૨ ટકાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમારી વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે અને ત્યાં સ્થાન મેળવવામાં સફળ પણ થઈ રહ્યા છે તે પુરાવાને હું આવકારું છું.’