મોંઘાદાટ છૂટાછેડાઃ મલ્ટિ-મિલિયોનર ભાનુ ચૌધરી પૂર્વ પત્ની સિમરનને ૬૦ મિલિયન પાઉન્ડ ચૂકવશે

Wednesday 27th May 2020 00:50 EDT
 
 

લંડનઃ ઈન્ટિરીઅર ડિઝાઈનર સિમરન ચૌધરીને તેના ભારતીય મલ્ટિ-મિલિયોનર પતિ ભાનુ ચૌધરીથી અલગ પડવાના સબબે ૬૦ મિલિયન પાઉન્ડ મળશે. સિમરીન ચૌધરીએ ઉચ્ચક ૧૦૦ મિલિયન ડોલરની માગણી કરી હતી પરંતુ હાઈ કોર્ટની પ્રાઈવેટ સુનાવણીઓ પછી જસ્ટિસ કોહેને તેમાં ૪૦ ટકાનો ઘટાડો કરી ડાઈવોર્સ સેટલમેન્ટ તરીકે ૬૦ મિલિયન પાઉન્ડની રકમ ચૂકવી આપવા સુપર રિચ બિઝનેસમેન ભાનુ ચૌધરીને આદેશ કર્યો છે. આ દંપતી વચ્ચે લગનજીવનમાં ભંગાણ પછી લાખો પાઉન્ડ મેળવવા અને બચાવવાની હુંસાતુંસી ચાલી રહી હતી.

ભાનુ ચૌધરી ભારતના સૌથી સંપત્તિવાન પરિવારોમાંથી એક પરિવારના નબીરા છે, જેમની સંપત્તિની નેટ વર્થ ૧.૬ બિલિયન પાઉન્ડ હોવાનું કહેવાય છે. મિ. ચૌધરી વેસ્ટમિન્સ્ટરસ્થિત ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ C&C Alpha Group ના સ્થાપક છે. તેમના પિતા ૬૯ વર્ષીય બિલિયોનેર સુધીર ચૌધરી છે જેમણે ૨૦૦૪થી લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીને ૧.૫ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ડોનેશન તરીકે આપેલી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ડિફેન્સ કોન્ટ્રાક્ટ સંદર્ભે યુકેની રોલ્સ-રોયસ કંપની દ્વારા કહેવાતી લાંચની ચૂકવણીઓ બાબતે સીરિયસ ફ્રોડ ઓફિસની તપાસમાં ચૌધરી પિતા-પુત્રની પૂછપરછ કરાઈ હતી. તેમની સામે કોઈ આરોપ લગાવાયો ન હતો પરંતુ, ભાનુ ચૌધરીએ તેમના બિઝનેસ સંબંધિત ‘પિલો ટોક’ માહિતીઓ સિમરન જાહેર ન કરે તે માટે કાનૂની કાર્યવાહી કરી હતી. આ સમયે વકીલોએ સિમરન ચૌધરી દ્વારા કોઈ ખાનગી માહિતી લીક નહિ કરાય તેવી ખાતરી પણ આપી હતી. જોકે, આ કેસમાં સિમરન ચૌધરીનો ૧૧૮,૦૦૦ પાઉન્ડનો કાનૂની ખર્ચ ભાનુ ચૌધરીએ ભોગવવો પડ્યો હતો.

મિસિસ ચૌધરી ૨૦૧૧માં ચેનલ-૪ના સીક્રેટ મિલિયોનર શોમાં જોવાં મળ્યાં હતાં. આ કાર્યક્રમમાં તેમણે શેફિલ્ડમાં નિરાધાર લોકો માટેના સેન્ટરને ૧૦૦,૦૦૦ પાઉન્ડ આપનારી ગરીબ સગર્ભા મહિલાની ભૂમિકા ભજવી હતી. ચૌધરી દંપતી તેમના પુત્ર કબીર સાથે બેલગ્રેવીઆમાં છ મજલાના ૨૦ મિલિયન પાઉન્ડના ઘરમાં રહેતા હતા. તેમણે ૨૦૧૫માં આ ઘરમાં સિનેમા, પૂલ અને સ્પા કોમ્પ્લેક્સ સહિત બે મજલાના બેઝમેન્ટનો ઉમેરો કર્યો હતો, જ્યાં લિફ્ટમાં અવરજવર કરી શકાતી હતી. આ પ્રોપર્ટીના પડોશીઓએ પ્લાનનો ભારે વિરોધ કર્યો હતો.

ટાઈકૂન ભાનુ ચૌધરી ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કલની સખી અને લંડન ફેશન હાઉસ રાલ્ફ એન્ડ રુસોના સહસ્થાપક તમારા રાલ્ફ સાથે પ્રેમમાં હોવાનું કહેવાય છે. યુકેમાં લોકડાઉન લદાયું તે પહેલા જ તેમની મિત્રતા પાંગરી હતી. ચૌધરીના પ્રવક્તાએ કોઈ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. બે વર્ષ અગાઉ બિઝનેસ પાર્ટનર માઈકલ રુસોની ફિઆન્સી તરીકે ઓળખાતી ૩૮ વર્ષની તમારાએ પણ મૌન જાળવ્યું છે.

૪૧ વર્ષની ઈન્ટિરીઅર ડિઝાઈનર સિમરન ચૌધરી તરફથી ‘સ્ટીલ મેગ્નોલીઆ’ તરીકે ઓળખાતાં ટોચના ડાઈવોર્સ લોયર બેરોનેસ ફિઓના શેકલ્ટન અને બેરિસ્ટર્સ સ્ટુઅર્ટ લીચ QC, ડેનિયલ બેન્થામ અને એમી કિસ્સેર સહિતની ટીમ હાજર રહી હતી. બીજી તરફ, બિઝનેસમેન ભાનુ ચૌધરી તરફથી સોલિસિટર આયેશા વર્ડાગ, બેરિસ્ટર્સ રિચાર્ડ ટોડ QC, નિકોલસ યેટ્સ QC અને બેન વુલ્ડ્રીજ ઉપસ્થિત રહ્યાં હતાં. સોલિસિટર આયેશા વર્ડાગ ઈંગ્લિશ કાયદામાં લગ્ન અગાઉની (prenuptial) સમજૂતીઓનો દરજ્જો મજબૂત બનાવતા સુપ્રીમ કોર્ટના ૨૦૧૦ના કેસમાં વિજયથી પ્રસિદ્ધ છે. આ સુનાવણીઓમાં પત્રકારોને હાજર રહેવાની પરવાનગી અપાઈ હતી પરંતુ, મીડિયા રિપોર્ટ્સમાં શું જાહેર કરાવું જોઈએ તેના પર નિયંત્રણો લગાવાયા હતા. લંડન હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝનના જસ્ટિસ કોહેને પૂર્વ દંપતીના નામોલ્લેખ તેમજ મિસિસ ચૌધરીને મળનારી અંદાજિત ઉચ્ચક રકમને જાહેર કરવાની પરવાનગી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter