લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના વયોવૃદ્ધ સભ્યો માટે ફરજિયાત નિવૃત્તિવયના નિયમો અમલી બનાવવાના હોવાથી લોર્ડ્સની સંખ્યામાં ઘટાડો થશે. ઓક્ટોબરમાં કમિટી દ્વારા વિચારાધીન આ દરખાસ્ત હેઠળ લોર્ડ્સ ૮૦ વર્ષના થાય ત્યારે પાર્લામેન્ટના સત્રના અંત સાથે તેમને નિવૃત્ત થવાની ફરજ પાડવામાં આવશે. ભારતીય ઉમરાવોને પણ તેની અસર થવાની છે.
આ દરખાસ્ત અમલી બનાવાશે ત્યારે લોર્ડ ઈન્દરજિત સિંહ ( ૮૫ વર્ષ), લોર્ડ રણબીર સૂરી (૮૨ વર્ષ), બેરોનેસ શ્રીલા ફ્લેધર (૮૩ વર્ષ), લોર્ડ ઈન્દરજિત સિંહ ( વર્ષ), લોર્ડ સ્વરાજ પોલ (૮૬ વર્ષ), લોર્ડ નવનીત ધોળકિયા (૮૦ વર્ષ) અને લોર્ડ ભીખુ પારેખ (૮૨ વર્ષ) સહિતના ભારતીય ઉમરાવો ગૃહમાં તેમના સભ્યપદ ગુમાવશે.
આ પગલા પાછળનો હેતુ ગૃહના માળખાને વ્યવસ્થિત બનાવવાનો છે પરંતુ, તેનાથી હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારતીય ડાયસ્પોરાનું સમાન પ્રતિનિધિત્વ જોખમમાં મૂકાશે તેવો ભય કોમ્યુનિટીને છે. કોમ્યુનિટીના અગ્રણીએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘આ ઉમરાવો પોતાની સાથે તજજ્ઞતા અને વિશિષ્ટ અનુભવોનું ભાથું લાવે છે. તેઓ આપણું પ્રતિનિધિત્વ કરે છે, આપણા માટે અવાજ ઉઠાવે છે. તેમને ગુમાવવાથી આપણો અવાજ સંભળાવાની તક ગુમાવી દઈશું.’


