લંડનઃ બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન બ્રિટન માટે જર્મનીના કબજા હેઠળના ફ્રાન્સમાં જાસૂસી કરવા માટે પોતાનો જીવ દાવ પર લગાવનારાં નૂર ઇનાયત ખાન બ્લૂ પ્લેક (Blue Plaque)થી સન્માનિત પ્રથમ ભારતીય જ નહિ, પહેલાં દક્ષિણ એશિયન મહિલા બન્યાં છે. તેઓ ૧૯૪૨-૪૩માં રહ્યાં હતાં તે બ્લૂમ્સબેરીના ૪ ટેવિટોન સ્ટ્રીટના ઘરને ઐતિહાસિક મહત્ત્વનો દરજ્જો આપીને ઇંગ્લિશ હેરિટેજ ચેરિટી દ્વારા આ તક્તી લગાવાઈ છે. સિક્રેટ એજન્ટ નૂર ખાન પહેલાં મહિલા રેડિયો ઓપરેટર હતા. જેમને વિશ્વ યુદ્ધ દરમ્યાન ફ્રાન્સ મોકલાયા હતા. ૨૦૧૨માં ગોર્ડન સ્ક્વેરમાં નૂરની પ્રતિમા પણ મૂકાઈ હતી.
નૂર ઇનાયત ખાનનો જન્મ પહેલી જાન્યુઆરી, ૧૯૧૪માં મોસ્કોમાં થયો હતો. તેમના પિતા ટીપુ સુલતાનના વંશજ અને સૂફી ઉપદેશક હઝરત ઇનાયત ખાન હતા અને માતા અમેરિકન હતા. તેમનો પરિવાર રશિયા, બ્રિટન અને છેલ્લે ફ્રાન્સ આવી રહ્યો હતો. પ્રતિભાશાળી યુવતી નૂરને હાર્પ અને પિયાનો વગાડતાં આવડવા સાથે ફ્રેન્ચ ભાષા પર પણ કાબુ હતો. બીજા વિશ્વ યુદ્ધના આરંભકાળે નૂર માત્ર ૨૫ વર્ષની હતી. તેઓ
૧૯૪૦માં ફ્રાન્સથી બ્રિટન આવ્યાં પછી નોરાહ બેકરના નામથી વિમેન્સ ઓગ્ઝિલિયરી એરફોર્સમાં જોડાયાં હતાં. વાયરલેસ ઓપરેટર તરીકે ટ્રેનિંગ પછી તેમને ૧૯૪૩માં SOE (સ્પેશ્યલ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ)ના ફ્રાન્સ સેકશનમાં મૂકાયાં હતાં. કોડ નેમ ‘મેડલીન’ સાથે તેમણે નાઝી કબજામાં રહેલા ફ્રાન્સમાં જીન મેરી રેનિયરના નામથી બાળકોના નર્સની કામગીરી ઉપરાંત, વાયુસેનાના પકડાઇ ગયેલા કર્મચારીઓને બ્રિટન ભાગવામાં મદદ કરી હતી. બ્રિટન માટે જાસૂસીમાં કેટલાંય ખતરાનો સામનો કરવાં છતાં, નૂરે પીછેહઠ કરી નહિ.
ફ્રાન્સની એક મહિલાના દગા પછી નૂરની ધરપકડ થઈ અને તેમના પર અમાનુષી અત્યાચારો છતાં તેમણે કોઇ માહિતી આપી નહિ. તેમને ૧૯૪૪માં કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલાયાં અને ૧૩ સપ્ટેમ્બરે તેમને ગોળીથી ઠાર મારવામાં આવ્યાં હતાં. બ્રિટનમાં તો ૧૯૪૬ સુધી તેઓ લાપતા હોવાનું જ મનાતું હતું પરંતુ, પૂર્વ ગેસ્ટોપો ઓફિસર ક્રિશ્ચિયન ઓટની પૂછપરચ્છ બાદ તેમની હકીકત બહાર આવી હતી. અદમ્ય નૈતિક અને શારીરિક સાહસનો પરચો આપવા માટે તેમને મરણોપરાંત જ્યોર્જ ક્રોસથી નવાજવામાં આવ્યાં હતાં


