લંડનઃ લોર્ડ જીતેશ ગઢિયાએ યુકેમાં આવતા મુલાકાતીઓમાં ભારતીયો તેમની વિઝાની મુદત પૂર્ણ થવા અગાઉ જ દેશ છોડી જાય છે તેવા હોમ ઓફિસના વિશ્લેષણને આવકાર્યું છે. યુકે હોમ ઓફિસ અને ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા યુકે આવતા મુલાકાતીઓ દેશ ક્યારે છોડી જાય છે તેના વિશે નવું વિશ્લેષણ અને ડેટા જાહેર કરાયો છે. આ ડેટા અનુસાર ૯૭ ટકા ભારતીયો વિઝા મુદત પૂર્ણ થવા પહેલા જ યુકે છોડે છે. યુકે આવતા ૧૦ પ્રથમ દેશોના મુલાકાતીઓ આ મુદ્દે ૯૬.૩ ટકાની સરેરાશ ધરાવે છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે બહુમતી વિદેશી વિદ્યાર્થીઓ યુકેમાં રહેવાના તેમના કાયદેસરના અધિકારથી વધુ રોકાણ કરતાં નથી.
આ નવો ડેટા મજબૂત પુરાવો આપે છે કે ‘ઓવરસ્ટેયર્સ’ના ઐતિહાસિક મુદ્દાનું હવે નિરાકરણ મોટા ભાગે આવી ગયું છે અને બહુમતી ભારતીય વિઝિટર્સ અને વિદ્યાર્થીઓ યુકેની મુલાકાત લે ત્યારે જવાબદારીપૂર્વક અને કાનૂની પાલનનું રહે છે. લોર્ડ જીતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે,‘હોમ ઓફિસે ૯૨૦ બોગસ ફર્ધર એજ્યુકેશન કોલેજોના લાઈસન્સ રદ કરવા સહિતના પહલાં લીધાં પછી છીંડા પૂરાયાં છે. હવે યુકે સરકારે આગળ વધીને ભારતીય મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને વર્કર્સ સાથે ભેદભાવપૂર્ણ ન હોય તેવી યોગ્ય શરતો સાથે વિઝા આપી તેમનામાં ભરોસો દર્શાવવો જોઈએ.’
લોર્ડ ગઢિયાએ આ રિપોર્ટ તેમજ યુકેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સામાજિક અને આર્થિક અસરનું વિસ્તૃત મૂલ્યાંકન હાથ ધરવા સ્વતંત્ર માઈગ્રેશન એડવાઈઝરી કમિટીને જવાબદારી સોંપવાની હોમ સેક્રેટરી અમ્બર રડની જાહેરાતને પણ આવકારી હતી. લોર્ડ ગઢિયાએ જણાવ્યું હતું કે,‘ભારતીય મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને વર્કર્સ પોતાની ખરીદશક્તિ, શૈક્ષણિક પ્રદાન અને કૌશલ્ય મારફત યુકેના અર્થતંત્રને ભારે લાભ કરાવે છે. તેઓ આપણા દેશને સમૃદ્ધ બનાવવા સાથે વિશ્વમાં સૌથી ખુલ્લા અને આવકારદાયી દેશોમાં એક તરીકે આપણા સ્થાનને ટેકો આપે છે. હોમ ઓફિસ દ્વારા પ્રસિદ્ધ નવો ડેટા દર્શાવે છે કે ૯૭ ટકા ભારતીયો તેમના વિઝાની મુદત પૂર્ણ થવા પહેલા જ યુકે છોડી જાય છે અને તેમનો પાલનનો દર યુકેના ૧૦ મુખ્ય દેશોના મુલાકાતીની સરેરાશ કરતા પણ વધુ છે.’


