લંડનઃ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા પ્રાપ્ત કરવામાં સરળતા રહે તે માટે યુકે સ્ટુડન્ટ વિઝાની સરળ શરતો સાથેના સ્કીમમાં ભારતનો સમાવેશ કરવા લંડનના મેયર સાદિક ખાને હોમ સેક્રેટરી સાજિદ જાવિદને પત્ર લખ્યો છે. ગત મહિને હોમ સેક્રેટરીએ ટિયર-૪ સ્ટુડન્ટ વિઝા માટે સરળ અરજીપ્રક્રિયા માટે ચીન અને મેક્સિકો સહિતના ૧૧ દેશના નાગરિકો માટે યોજના જાહેર કરી હતી.
મેયર સાદિક ખાને આ યોજનાને આવકારવા સાથે ભારતનો આ યાદીમાં સમાવેશ નહિ કરાવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુકેસ્થિત ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સ સંબંધિત મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર સહી કરવાના ઈનકારના પગલે દેખીતી રીતે જ હોમ ઓફિસ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર વિવાદ આવા ઈમિગ્રન્ટ્સની સંખ્યા બાબતે સર્જાયો હતો.
મેયર સાદિક ખાને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘ગત વર્ષે ભારતના મારા ટ્રેડ મિશન દરમિયાન રાજકારણીઓ અને બિઝનેસ અગ્રણીઓ દ્વારા મને નિયમિત એ જ કહેવાતું હતું કે ઈમિગ્રેશન મુદ્દે યુકેનું વલણ આપણા આર્થિક સંબંધોને મજબૂત બનાવવામાં એકમાત્ર મોટો અવરોધ છે. આ માત્ર બોર્ડરુમ્સની ચિંતા નથી. મીડિયામાં તેની વ્યાપક ચિંતા છે. ભારતીય નાગરિકો અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ દ્વારા યુકેને દુશ્મનાવટથી જોવામાં આવે છે. આના કારણે, જે દેશોના નાગરિકો સરળતાથી સ્ટુડન્ટ વિઝા મેળવી શકે તેની યાદીમાં ભારતનો સમાવેશ ન કરાયા વિશે ચિંતા દર્શાવતો પત્ર હોમ સેક્રેટરીને લખ્યો છે. ઉચ્ચ શિક્ષણમાં શ્રેષ્ઠ હોવાની પ્રતિષ્ઠા યુકે જાળવી રાખે તે આવશ્યક છે. ગત દાયકામાં યુકેમાં અભ્યાસ કરવા આવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી ગઈ છે. ભારતને આ યોજનામાં સમાવવા તેમજ પોસ્ટ સ્ટડી સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રતિભાને આકર્ષવામાં યુકેના અભિગમની સમીક્ષા કરવા મેં તેમને અનુરોધ કર્યો છે.’
ટિયર-૪ વિઝા ૧૬ અને તેથી વધુ વયના લોકોને યુકેમાં અભ્યાસ માટે સામાન્ય સ્ટુડન્ટ વિઝા છે. સ્ટુડન્ટ વિઝા માટે ભરોસાપાત્ર દેશોની યાદીમાં આર્જેન્ટિના,ઓસ્ટ્રેલિયા, બાર્બાડોસ, બોસ્ટવાના, બ્રુનેઈ, કેનેડા, ચિલી, હોંગ કોંગ, જાપાન, મલેશિયા, ન્યૂ ઝીલેન્ડ, કતાર, સિંગાપોર, સાઉથ કોરિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, યુએઈ, યુએસએઅને તાઈવાન છે. આ યાદીમાં તાજેતરમાં ચીન, કંબોડિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મેક્સિકો, બહેરિન, સર્બિયા, ડોમિનિકન રિપબ્લિક, કુવૈત, માલદીવ્ઝ અને મકાઉનો સમાવેશ કરાયો છે.
વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬ના ગાળામાં સૌથી વધુ ભારતીય રોકાણો માટે યુકે બીજા ક્રમનો દેશ રહ્યો છે અને સૌથી ઝડપી ગતિએ વિકાસ પામતી ૪૪ ટકા ભારતીય કંપનીઓ હવે લંડનમાં મથક ધરાવે છે. યુરોપમાં સંયુક્ત રોકાણો કરતાં પણ ભારતીય કંપનીઓ યુકેમાં વધુ રોકાણ કરે છે. સૌથી મોટા ભારતીય એમ્પ્લોયર્સ લંડનમાં મથક ધરાવે છે અને આશરે ૧૧૦,૦૦૦ લોકોને યુકેમાં રોજગાર આપે છે. વિશ્વની શ્રેષ્ઠ ૪૦ યુનિવર્સિટીમાંથી આઠ યુકેમાં છે, જેમાંથી ચાર યુનિવર્સિટી લંડનમાં છે.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત એપેન્ડિક્સ એચમાં સમાવેશ માટે જરૂરી ધોરણો ધરાવતું નથી. જોકે, સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવા જે સર્વિસ અપાય છે તેમાં ભારતીય વિદ્યાર્થીઓનાં અનુભવમાં કોઈ ફેરફાર થશે નહિ. યુકેમાં અભ્યાસ કરવા આવતા સાચા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં કોઈ મર્યાદા નથી. ભારતીય વિદ્યાર્થીઓને ઈસ્યુ કરાયેલા ટિયર-૪ વિઝામાં ગત વર્ષે ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો.