ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે મંદિરો - શાસ્ત્રો અને સંતો

સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત ‘શિક્ષાપત્રી મંથન ગ્રંથ’નું વિમોચન

Wednesday 04th February 2026 02:07 EST
 
 

અમદાવાદઃ સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયાદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રીને યુવાપેઢી સમજી શકે તે માટે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા લિખિત ‘શિક્ષાપત્રી મંથન ગ્રંથ’નું શુક્રવારે લોકાર્પણ કરાયું હતું.
આ ગ્રંથને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ શબ્દોથી વધાવ્યો છે. તો બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ તથા મહામંડલેશ્વરો, સાહિત્યકારો, કાશી અને જગન્નાથપુરીના વિદ્વાનોએ પણ આ ગ્રંથને અદભૂત ગણાવીને પ્રશંસાનાં પુષ્પોનો અભિષેક કર્યો છે.
આ ગ્રંથ અંગે સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી ગ્રંથમાંથી અલગ અલગ 25 વિષયોના વિભાગો પાડીને સચિત્ર રજૂઆત કરાઇ છે જેથી વાંચકને તે સમજવામાં સાનુકૂળતા રહે. સાથે સાથે જ દરેક વિષય સાથે હિન્દુ ધર્મગ્રંથોના આધારભૂત અંશો પણ રજૂ કર્યા છે. તો મહાપુરુષોના જીવનના અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોના પ્રેરણાદાયી પ્રસંગો આલેખાયેલા છે. જેથી વાચક શિક્ષાપત્રીનું ગૂઢ જ્ઞાન પણ સમજવું સરસરળ રીતે સમજી શકાય.
આ ‘શિક્ષાપત્રી મંથન’ ગ્રંથમાં નૈતિક સદાચાર, ધર્મ-આચરણ અને સત્સંગીના નિત્ય કરવાના કર્મથી લઇને વ્યવહારિક નીતિ, સામાજિક - વ્યવસાયિક નીતિ, ગૃહસ્થોએ રાખવાની મર્યાદા, વ્યસન મુક્તિ, આહાર શુદ્ધિ આદિના 25 પ્રકરણો રજૂ થયા છે. સાથે સાથે જ આ ગ્રંથમાં વિવિધ ક્ષેત્રના 19 મહાનુભાવોના અભિપ્રાયોને પણ સમાવાયા છે.
સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યુ હતું કે, શાસ્ત્રો એટલે જ્ઞાનની હોમ ડિલીવરી. શાસ્ત્રો એ ઘરબેઠાં ગંગાનુ કાર્ય કરે છે. તેથી સમય કાઢીને ગ્રંથો અવશ્ય વાંચવા જોઇએ. આજના યુવાનો ફેસબુકમાં જેટલો રસ છે એટલો ધાર્મિક બુકમાં રસ કેળવે તો એમનું જીવન ઉન્નત બની જાય. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પુસ્તકો - ગ્રંથો આવશ્યક છે. ગાંધીજી નિત્ય ગીતા વાંચતા હતા. તેઓ કહેતા હતા કે, હું જ્યારે જ્યારે મુશ્કેલીમાં ફસાઈ જાઉં ત્યારે ગીતા લઈને બેસું તો મને તેમાંથી સાચો માર્ગ મળી જતો. તેથી જીવનમાં શાસ્ત્રો નિત્ય વાંચવા જોઇએ.
સહુ કોઇ માટે જીવનબોધઃ સી.બી. પટેલ
આ ‘શિક્ષાપત્રી મંથન’ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે ગુજરાત સમાચાર - Asian Voiceના તંત્રી સી.બી.પટેલે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણા સમાજમાં સદાચાર અને સંસ્કારની સરિતા વહાવનાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ગ્રંથો છે. જેમા ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલમે લખાયેલ શિક્ષાપત્રી ગ્રંથ સહુ કોઈ માટે જીવનબોધ રજૂ કરે છે. આ શિક્ષાપત્રી ગ્રંથ ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી દ્વારા મંથન કરીને અહિંસા ધર્મ, આહાર શુદ્ધિ, નૈતિક સદાચાર, વ્યસનમુક્તિ, ધર્મ-આચરણ આદિ વિષયો આવરીને તૈયાર કરાયેલો ‘શિક્ષાપત્રી મંથન’ ગ્રંથ સહુને સર્વાંગીપણે ઉપકારક બની રહેશે તેવો વિશ્વાસ છે.
આપની વિદ્વતા, ઉત્સાહભર્યો અભિગમ અને યુવાપેઢીને ધર્માભિમુખ કરવાની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. સદૈવ સર્વે આ જ પ્રકારે ધર્મધજા લહેરાવતા રહો તેવી અભ્યર્થના સાથે સહુ સંતગણને સાદર વંદન...’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter