ભારતીય સાંસદ વિક્રમજીત સિંહ સહાનીને યુકેમાં શીખ ઓફ ધ યર એવોર્ડ એનાયત

રુપાંજના દત્તા Tuesday 06th June 2023 16:46 EDT
 
ભારતીય સાંસદ વિક્રમજીત સિંહ સહાની લોર્ડ જ્હોન સ્ટીવન્સ, ધ શીખ ફોરમ ઈન્ટરનેશનલના પ્રમુખ રણજિત સિંહ OBE અને ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી પાસેથી એવોર્ડ સ્વીકારી રહ્યા છે અને સર માર્ક રાઉલી નિહાળી રહ્યા છે.
 

લંડનઃ ભારતીય પાર્લામેન્ટની રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સહાનીને યુકેમાં શીખ ફોરમ ઈન્ટરનેશનલ દ્વારા લિંકન્સ ઈનના ઓલ્ડ હોલમાં સોમવાર 5 જૂને શીખ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મહેમાનોએ કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીની ઉજવણી પણ કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, મેટ પોલીસના કમિશનર સર માર્ક રાઉલી QPM અને લોર્ડ જ્હોન સ્ટીવન્સ પણ ઉપસ્થિત હતા.

એવોર્ડ સ્વીકારતા શ્રી સહાનીએ જણાવ્યું હતું કે, ‘સમાજને ખાસ કરીને કોવિડના સમય અને બદલાઈ રહેલા સામાજિક રાજકીય ફલકમાં મારા વિનમ્ર યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત શીખ ઓફ ધ યર એવોર્ડ મળવાનું મારું વિશિષ્ટ ગૌરવ છે. હું આ પ્રસંગે સહુને કિંગ ચાર્લ્સ તૃતીયના રાજ્યારોહણના અભિનંદન પાઠવવાની તક ઝડપી લઉં છું. પ્રિન્સ ચાર્લ્સ અમૃતસર આવ્યા હતા ત્યારે તેમણે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. મને યાદ છે કે પ્રિન્સ ચાર્લ્સે 2009માં લંડનમાં સારાગઢી પોલો કપ ટુર્નામેન્ટમાં પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. તેમણે સહુ શીખ ખેલાડીઓને ફરજિયાત હેલ્મેટના સ્થાને સૌપ્રથમ વખતક પાઘડી પહેરવા છૂટ આપી હતી. દિવંગત ક્વીન એલિઝાબેથે 1997માં ભારતની મુલવાકાત લીધી ત્યારે તેઓ ભારતમાં માત્ર એક પવિત્ર સ્થળે ગયાં હતાં અને તે સ્થળ શ્રી દરબાર સાહિબ (ગોલ્ડન ટેમ્પલ)હતું. ઈંગ્લિશ રાષ્ટ્રે બે વિશ્વ યુદ્ધોમાં શહીદ થયેલા 90,000 શીખ સૈનિકોને યોગ્ય સન્માન આપી બિરદાવ્યા છે.’

તેમણે કહ્યું હતું કે ‘હાઉસ ઓફ કોમન્સ અને લોર્ડ્સમાં ઘણા પંજાબી સભ્યો છે. આજે તેમણે લંચનું આયોજન કર્યું ચે અને હાઉસ ઓફ લોર્ડ્સની કાર્યવાહીમાં હાજરી આપવાનો વિશિષ્ટ લ્હાવો પણ મને મળ્યો છે.’

શ્રી સહાનીએ પંજાબમાં મૂળિયા ધરાવતા ભારતીય મૂળના વડા પ્રધાન બદલ બ્રિટનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દેશના વિવિધ વિસ્તારોમાં પથરાયેલી તમામ શીખ કલાકૃતિઓ બ્રિટિશ સરકારની મદદથી એક જ મ્યુઝિયમમાં મૂકાવવા અનુરોધ કર્યો હતો જેથી લોકો તેમને સારી રીતે નિહાળી શકે.

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ શ્રી સહાનીના કાર્યોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘વિક્રમજીત સિંહ સહાનીએ વિશ્વભરમાં જરૂરિયાતના સમયે દોડી જવાની ક્ષમતા અને સેવા માટે પ્રખ્યાત કોમ્યુનિટીની સર્વોચ્ચ કક્ષાએ સેવાની સાચી લાગણી સાથે જે કાર્યો કર્યા છે તેને બિરદાવવામાં હું તમારી સાથે જ છું.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter