ભારતીય હાઈ કમિશન કોમ્યુનિટી સાથે સંપર્ક જાળવવા પ્રતિબદ્ધ

NCGO UK દ્વારા કોમ્યુનિટી આદાનપ્રદાન અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું આયોજન

Tuesday 17th October 2023 05:41 EDT
 
 

લંડનઃ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO) યુકે દ્વારા હેરોસ્થિત સંગત એડવાઈઝ સેન્ટર ખાતે 6 ઓક્ટોબર, 2023ના રોજ ભારતીય હાઈ કમિશન સાથે કોમ્યુનિટી આદાનપ્રદાનનો સમારંભ આયોજન કરાયું હતું. ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન શ્રી દીપક ચૌધરીએ કોમ્યુનિટીના સભ્યો સાથે વાતચીત કરી હતી. શ્રી ચૌધરીએ ખાતરી આપી હતી કે તેઓ કોમ્યુનિટી સાથે પારસ્પરિક સંપર્ક જાળવી રાખવાના તમામ પ્રયાસો કરશે. મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી.

પ્રશ્નોત્તરીનું સત્રઃ

પ્રશ્નઃ ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારક ભારતમાં કોઈ પણ જમીની સરહદેથી પસાર થઈ શકે?

શ્રી દીપક ચૌધરીઃ OCI ભારતીય નાગરિકત્વ કરતાં માત્ર બે બાબત ઓછી આપે છે. OCIને ‘બેવડા નાગરિકત્વ’ તરીકે માની લેવાની ભૂલ કરવી ન જોઈએ. OCIથી રાજકીય અધિકારો પ્રાપ્ત થતા નથી. જો તમને કોઈ શંકા હોય અથવા OCI કાર્ડધારકના અધિકારો વિશે જાણવાની ઈચ્છા હોય તો ભારતીય હાઈ કમિશન ઓફ ઈન્ડિયા લંડનની વેબસાઈટ પર પ્રાપ્ત રાઈટ-અપ્સ દ્વારા જાણકારી મેળવી શકાય છે.

પ્રશ્નઃ જો અરજદારના યુકે બર્થ સર્ટિફિકેટ પર મિડલ નામ હોય પરંતુ, તેમના બ્રિટિશ પાસપોર્ટ પર ન હોય તો શું થાય?

શ્રી દીપક ચૌધરીઃ જો બહુલક્ષી દસ્તાવેજોમાં નામ, મિડલ નામ, સરનામું વગેરે સહિત કોઈ પ્રકારનો તફાવત હોય તો OCI કાર્ડ્સ આપી શકાતા નથી. ભારતમાં નામ સંબંધિત નિયમ ઘણો સ્પષ્ટ છે. OCI કાર્ડ માટે સિટિઝનશિપ સર્ટિફિકેટનું રિટેન્શન -સ્મરણ જરૂરી ગણાય છે. ભારત બેવડાં નાગરિકત્વની છૂટછાટ આપતું નથી. વ્યક્તિ રિટેન્શન માટે અરજી કરી શકે છે અને OCI અરજીની સાથે તેની રસીદ જોડી શકે છે.

પ્રશ્નઃ જો OCI અરજીમાં મૂળ બર્થ સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોય તો અરજદાર દ્વારા પ્રમાણિત કરેલી ફોટોકોપી સામેલ કરી શકાય?

શ્રી દીપક ચૌધરીઃ કોઈ પણ કોપી-નકલનો સ્વીકાર કરાતો નથી. જો તે ઓથોરિટી દ્વારા બીજી વખત જારી કરાયેલી નકલ હોય તો જ તે સ્વીકાર્ય રહે છે.

પ્રશ્નઃ OCI ધારકના કિસ્સામાં જ્યારે નવો બ્રિટિશ પાસપોર્ટ જારી કરવામાં આવે ત્યારે HCI ને અરજી કરવામાં આવતા જ OCI સર્ટિફિકેટને નવા પાસપોર્ટમાં ડિજિટલી ટ્રાન્સફર કરી દેવાય છે ?

શ્રી દીપક ચૌધરીઃ નવો પાસપોર્ટ, જૂનો પાસપોર્ટ, તમામ વિગતો સાથે OCI, અપડેટ્સ-સુધારાવધારા અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) બધી બાબતો વેબસાઈટ પર છે. અમે ત્યાં મહત્તમ માહિતી મૂકેલી છે. આ કદાચ થોડી મુશ્કેલ પ્રક્રિયા હશે પરંતુ, રોજિંદા ધોરણે હજારો અરજીઓ આવતી હોય ત્યારે આ આવશ્યક બની જાય છે. લોકો ભૂલો કરી શકે છે આથી, ફિલ્ટર્સ જરૂરી બને છે.

ઓનલાઈન વિઝા 72 કલાકમાં જ આપી દેવાય છે. જો ઈમર્જન્સી ના હોય તો થોડા સમયનું માર્જિન રાખી અરજી કરવી જોઈએ. મેડિકલ અથવા અન્ય કોઈ ઈમર્જન્સીના કેસમાં વિઝા માટે એમ્બેસી મારફત જવાનું વધુ બહેતર ગણાશે.

અન્ય પ્રશ્નોમાં - લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ભારતમાં નવા સંસદ ભવનની મુલાકાત લેવા સર્ટિફિકેટ જારી કરી શકે?OCI ધારકના જીવનસાથીને તેના પતિના અવસાન પછી OCI આપવાનો ઈનકાર થાય તો શું?નો સમાવેશ થયો હતો. આવા ઘણા કેસીસ છે. શ્રી ચૌધરીએ આ બાબતમાં તપાસ કરવાની ખાતરી આપી હતી.

સમાપનની ટીપ્પણીઓમાં શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે,‘આ પહેલમાં જોડાવાનું આનંદ અને પ્રિવિલેજની બાબત છે. ગુજરાતી કોમ્યુનિટીએ કેટલું હાંસલ કર્યું છે તે જગજાહેર હકીકત છે. ભારતને આ બાબતનું ભારે ગૌરવ છે. NCGOકોમ્યુનિટીઓના પ્રતિનિધિત્વની વ્યાપક રેઈન્જ ધરાવે છે. હાઈ કમિશન તેના રિસોર્સીસની અંદર શક્ય તમામ પ્રયાસો કરશે’.

NCGO ના પ્રેસિડેન્ટ વિમલજીભાઈ ઓડેદરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડાયસ્પોરામાં નેટવર્કિંગનું વિશેષ મહત્ત્વ છે. આપણે એકસરખી તાકાત સાથે હાથમાં હાથ પરોવી કામ કરવું જોઈએ.

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ અને પ્રકાશક અને NCGO ના પેટ્રન સી.બી. પટેલે જણાવ્યું હતું કે, NCGO કોમ્યુનિટી માટે કામ કરે છે. કોમ્યુનિટીની સંસ્થાઓ અને સત્તાવાળાઓ વચ્ચે સંકલન-તાલમેલનું કાર્ય ભારે જવાબદારીપૂર્વક કરવામાં આવે છે. તે ભારતની બહાર ગુજરાતી સંસ્થાઓનું સૌથી મોટું જૂથ છે. સંગત એડવાઈઝ સેન્ટર માનવતાની સેવાનું ગણનાપાત્ર કાર્ય કરી રહેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter