લંડનઃ બ્રિટનમાં લોકો સાત વર્ષમાં માઈનસ ૧૫ ડીગ્રીના સૌથી નીચા તાપમાને તથરી ઉઠ્યાં હતાં અને મોસ્કો કરતાં પણ ઠંડુ વાતાવરણ રહ્યું હતું. મોટાંભાગના વિસ્તારોમાં રવિવાર અને સોમવારે ભારે બરફવર્ષાના પરિણામે સડક, રેલવે અને એરપોર્ટ સેવા ખોરવાઈ હતી. ૧૧ ઈંચ જેટલી બરફવર્ષાથી વેલ્સ, મિડલેન્ડ અને ઇંગ્લેન્ડના ઉત્તર અને પૂર્વ વિસ્તારો પ્રભાવિત થયા હતા. મિડ વેલ્સમાં એક ફૂટથી વધુ જ્યારે અન્ય વિસ્તારોમાં છ ઈંચ જેટલી બરફવર્ષા નોંધાઈ હતી. ભારે બરફવર્ષાના કારણે વીજ પુરવઠો ખોરવાતા ઓછામાં ઓછાં ૪,૫૦૦ ઘરમાં વીજળી વેરણ બની હતી. સોમવારને ‘બ્લેક આઇસ મન્ડે’ જાહેર કરાયો હતો. વેલ્સમાં ૫૦૦, બર્મિંગહામમાં ૪૦૦ અને સ્ટેફર્ડશાયરમાં ૩૦૦ સહિત ૨,૩૦૦ શાળાઓ સતત બીજા દિવસે બંધ રાખવાની ફરજ પડી હતી. બ્રિટિશ એરવેઝના ૫૦,૦૦૦ પ્રવાસીઓ સંખ્યાબંધ ફ્લાઈટ્સ રદ થવાથી હીથ્રો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા. બર્મિંગહામ એરપોર્ટ પર ફ્લાઇટ્સ કેન્સલ કરાઈ હતી.
બ્રિટનમાં છેલ્લાં ૪ વર્ષની સૌથી ભારે બરફવર્ષા થઇ છે. ‘સ્નો બોમ્બ’ ઇમરજન્સીના કારણે હજારો શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી. ખાસ કરીને બર્મિંગહામ, ગ્લુસ્ટરશાયર, લંડન, બકિંગહામશાયર, એસેક્સ, લેસ્ટરશાયર અને ડર્બિશાયરમાં શાળાઓ બંધ રખાઈ હતી.
શનિવારે રાત્રે કેટલાંક શહેરોમાં તાપમાન માઇનસ ૧૧ ડિગ્રી તાપમાન રહ્યું, જે વર્ષ ૨૦૧૭ની સૌથી વધુ બરફવર્ષાવાળી રાત રહી હતી. વેસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશને જણાવ્યું હતું કે મિડલેન્ડ્સ, સાઉથ વેલ્સ અને સાઉથ વેસ્ટમાં ૯૫,૦૦૦ ઘરમાં વીજપુરવઠો યથાવત કરવા એન્જિનીઅર્સે આખી રાત કામ કર્યું હતું પરંતુ, ૭,૦૦૦ ગ્રાહકેને વીજપુરવઠો ચાલુ કરી શકાયો ન હતો. આમાંથી ૬૫૦૦ ગ્રાહક વેસ્ટ મિડલેન્ડ્સના હતા. SSEએ જણાવ્યું હતું કે તેમણે ૫૦,૦૦૦થી વધુ ગ્રાહકોને વીજપુરવઠો ચાલુ કરી આપ્યો હતો પરંતુ, ઓક્સફર્ડશાયરમાં ૮૦૦ અને વિલ્ટશાયરના કેટલાક હિસ્સામાં ગ્રાહકો રવિવારની આખી રાત વીજળી વિના રહ્યા હતા.
બ્લેક આઇસ મંડે દરમિયાન રાત્રે તાપમાન માઇનસ ૧૫ ડિગ્રી સુધી રહેવાની આશંકા છે. સ્કોટલેન્ડ અને વેલ્સના કેટલાંક ભાગોમાં શૂન્યથી માઈનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસ અને દૂરના ગ્રામીણ વિસ્તારોમાં તાપમાન માઈનસ ૧૪ ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા હોવાથી સમગ્ર યુકેમાં અતિ આવશ્યક કામ વિના બહાર નહિ નીકળવા અને હાઇવેનો ઓછો ઉપયોગ કરવા લોકોને ચેતવણી અપાઈ હતી. કેટલાંક વિસ્તારોમાં ટ્રાફિક જામથી વાહનચાલકો લાંબા સમય સુધી માર્ગો પર ફસાઇ ગયા હતા.
દેશના મુખ્ય ચાર એરપોર્ટ હીથ્રો, સ્ટેનસ્ટેડ, લ્યૂટન અને બર્મિંગહામમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરાવા ઉપરાંત, અસરગ્રસ્ત વિસ્તારોની ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર કરાયો હતો કે કેન્સલ કરવામાં આવી હતી.
વિક્રમજનક બ્રેકડાઉન
રોડસાઈડ રિકવરી ફર્મ ગ્રીન ફ્લેગના જણાવ્યા અનુસાર સોમવાર ૧૧ ડિસેમ્બરે બપોર સુધીમાં વાહનો બ્રેકડાઉન થવાના ૧૩,૮૦૦ કોલ્સ નોંધાયા હતાં. જ્યારે ત્રણ દિવસમાં બ્રેકડાઉન કોલ્સની સંખ્યા ૪૯,૮૦૦ રહી હતી. અતિ ઠંડા હવામાન અને બરફવર્ષાના લીધે દેશભરમાં વાહનચાલકો મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાયા હતા.
બરફની અસર હેઠળ એશિયન દુકાનો બંધ
વેમ્બલી અને કિંગ્સબરીની ઘણી બધી એશિયન દુકાનો રવિવારે બપોર પછી બરફની અસર હેઠળ બંધ રહી હતી. જે દુકાનોમાં ગ્રાહકોની લાઈનો લાગતી હતી તે દુકાનોમાં ગ્રાહકો ભાગ્યે જ નજરે પડતા હતા.
BAPS સ્વામીનારાયણ નીસડન મંદિરની રવિવારની સભા મોકુફ રાખવામાં આવી હતી અને રવિસભાનો લાભ વેબકાસ્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો.


