ઈસ્કોન ભક્તિવેદાંત મેનોર દ્વારા વધુ એક વિશિષ્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આગામી ૧૬મી સપ્ટેમ્બરને રવિવારે ‘ગીતા વોક’નું આયોજન કરાયું છે. આ વોક એજવેરની કૃષ્ણા અવંતિ સ્કૂલથી શરૂ થશે અને ભક્તિવેદાંત મેનોર ખાતે સંપન્ન થશે. તેમાં જોડાનારા સૌ ભાવિક ભક્તોને કિર્તન, પ્રસાદ અને ફેમિલી ફનનો લાભ મળશે.
આ સ્પોન્સર્ડ ચેરિટી વોકથી ભક્તિવેદાંત મેનોર શ્રી કૃષ્ણ હવેલી સંકુલનું તેનું સ્વપ્ન પૂરું કરવાની દિશામાં એક ડગલું આગળ વધશે. શ્રી કૃષ્ણ હવેલી સંકુલ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શિક્ષણ તથા હાલની અને ભાવિ પેઢીઓમાં આધ્યાત્મિક નવસંચાર કરવા માટે સમુદાયોને સંગઠિત બનાવશે.
ગીતા વોકમાં જોડાનારી દરેક વ્યક્તિ પવિત્ર ભગવદ ગીતામાંથી એક શ્લોકનું ગાન કરશે અને તેના દ્વારા આ અદભૂત પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપશે.
ઈસ્કોન ભક્તિવેદાંત મેનોરના પ્રમુખ શ્રુતિધર્મદાસે જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણ હવેલી એ ભક્તિવેદાંત મેનોર ખાતે શ્રી શ્રી રાધા ગોકુલાનંદની પૂજા કરવા માટે પોતાનો અધિકાર મેળવવા માટે સમાજે કરેલા સંઘર્ષ અને લડતની ફળશ્રુતિ છે.
આયોજકોનો હેતુ ગીતા વોકમાં ભાગ લેનાર સૌને શક્ય તેટલું ભંડોળ એકત્ર કરીને પ્રોજેક્ટને સહાયરૂપ થવાની તક પૂરી પાડવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા મંદિરને ૫૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર થવાની આશા છે.
ગીતા વોકને મદદરૂપ થવા અને સમાજના સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક ઉત્કર્ષમાં યોગદાન આપવા સૌને આમંત્રણ છે.
વધુ માહિતી માટે સંપર્ક. વૈષ્ણવ 07907 809 006, કલ્પના 07970 326 441
ઈમેલ [email protected]


