લંડનઃ સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ભક્તિસંગીતના ચેરિટી કાર્યક્રમમાં નેપાળના પૂરગ્રસ્તો માટે 31,000 પાઉન્ડથી વધુ રકમ એકત્રિત કરવામાં આવી હતી. ભજનિક ભાવિક હરિયા દ્વારા સેવા ઈન્ટરનેશનલ યુકેની નેપાળ ફ્લ્ડ્સ અપીલને સપોર્ટ કરવા ‘એ નાઈટ ઓફ ભજન્સ ફોર નેપાલ’ ફંડરેઈઝિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચેરિટી માટે પ્રારંભિક લક્ષ્ય 25,000 પાઉન્ડ રખાયું હતું જે હવે વધારીને 50,000 પાઉન્ડ કરવામાં આવ્યું છે.
યુકેમાં આ પ્રકારના પ્રથમ ઈવેન્ટમાં યુકેસ્થિત 18 કળાકારોએ સંયુક્તપણે પરફોર્મન્સ આપ્યું હતું. ભજન અને ભક્તિસંગીત સમુદાયના મ્યુઝિશિયન્સ દ્વારા અપાયેલા પરફોર્મન્સમાં પેરી એન્ડ રેખા, નિર્મલ જોશી, હરિ ગોસ્વામી અને અભિ પંડ્યા સહિતનો સમાવેશ થયો હતો. એકત્ર કરાયેલા ભંડોળમાંથી નુવાકોટ અને કાઠમંડુમાં રાહતકાર્યને સપોર્ટ કરવામાં આવશે. અસરગ્રસ્ત સમુદાયોને ખોરાક, સ્વચ્છ પાણી અને આશ્રય પૂરા પાડવા સાથે મકાનો, વર્ગખંડો અને જીવનનિર્વાહના પુનઃનિર્માણમાં પણ મદદ કરાશે.
ચેરિટી માટે 25,000 પાઉન્ડના પ્રારંભિક લક્ષ્યને વટાવી લેવાયાના પગલે હરિયાએ હવે 50,000 પાઉન્ડનું નવું લક્ષ્ય સ્થાપિત કર્યું છે. ભાવિક હરિયાએ જણાવ્યું હતું કે, ‘હું 25,000 પાઉન્ડ અને અગાઉ ન કરાયું હોય તેવું કાર્ય કરવા આગળ આવ્યો હતો અને માત્ર 10 દિવસમાં બંને લક્ષ્ય પૂર્ણ થઈ ગયા છે. પરંતુ, આનાથી કાર્ય પુરું થતું નથી. નેપાળમાં પરિવારોને હજુ પુનઃનિર્માણની આવશ્યકતા છે અને અમે 50,000 પાઉન્ડના લક્ષ્યને પાર ન પાડીએ ત્યાં સુધી હું અટકવાનો નથી.’
ઈવેન્ટમાં ઉપસ્થિત રહેલાં ચાંદની વોરા MBEએ આ ઈવેન્ટને સંસ્કૃતિ અને ઉદારતાની ઉજવણી કહી બિરદાવતાં જણાવ્યું હતું કે, ‘નેપાળ માટે ભજનની રાત્રિ કાર્યક્રમ ભારતીય કળાકારી અને ઉદારતાના સૌથી હૃદયસ્પર્શી પ્રદર્શનોમાં એક હતો, જેની હું સાક્ષી રહી હતી.’ તેમણે 13 વર્ષીય બાંસુરીવાદક કન્યાના પરફોર્મન્સની ભારે પ્રશંસા કરી ઈવેન્ટને તમામ પેઢીઓના પરફોર્મર્સને એકસાથે લાવનારી ઉદાહરણીય સાંજ તરીકે ગણાવ્યો હતો.
સેવા ઈન્ટરનેશનલ યુકેના ટ્રસ્ટી નીલેશભાઈ સોલંકીએ હરિયા, પરફોર્મર્સ અને દાતાઓ પ્રતિ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘આ ખરેખર દિલધડક સાંજ હતી જ્યાં સમર્પણ અને ઉદારતાલક્ષી આપણી સાંસ્કૃતિક અને સંગીતની ધરોહરનું શ્રેષ્ઠ એકસાથે જોવાં મળ્યું હતું.’


