ભાવિન શાહને કોન્ટેક્ટ લેન્સ પ્રેક્ટિશનર ઓફ ધ યર એવોર્ડ

Wednesday 06th March 2019 02:13 EST
 
 

લંડનઃ ફિન્ચલીસ્થિત બિહેવિરલ ઓપ્ટોમેટ્રિસ્ટ ભાવિન શાહને એસોસિયેશન ઓફ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ (AOP)ના વાર્ષિક એવોર્ડ સમારંભમાં કોન્ટેક્ટ લેન્સ પ્રેક્ટિશનર ઓફ ધ યર જાહેર કરાયા છે. ભાવિન શાહે ૨૦૦૯માં નોર્થ લંડન ખાતે સેન્ટ્રલ વિઝન ઓપ્ટિશિયન્સ પ્રેક્ટિસની સ્થાપના કરી હતી.

કોન્ટેક્ટ લેન્સની જોરદાર હિમાયત કરતા ભાવિન શાહે જણાવ્યું હતું કે, ‘કોન્ટેક્ટ લેન્સના ક્ષેત્ર અને ખાસ કરીને બાળકો માટે કોન્ટેક્ટ લેન્સ ફિટ કરાવવાના મારા કાર્યને ઈન્ડસ્ટ્રી તરફથી બિરદાવાયું છે તેનો મને આનંદ છે. સ્વતંત્ર ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે આ એવોર્ડ જીતવાથી આંખની સંભાળ રાખવાની આપણી ભૂમિકાને ઊંચે લઈ જવામાં મદદ મળશે.’ જટિલ જરૂરિયાતો સાથેના લોકોને સ્પેશિયાલિસ્ટ લેન્સીસ પૂરાં પાડવાની સાથોસાથ ભાવિન શાહ માયોપિક (ટુંકી દૃષ્ટિ) સાથેના બાળકો માટેના કોન્ટેક્ટ લેન્સ ક્ષેત્રે પ્રણેતા રહ્યા છે. તેમના કાર્યથી છ વર્ષની વયના નાના સેંકડો બાળકોની દૃષ્ટિ વધુ ખરાબ ન થાય તેમાં મદદ સાંપડી છે.

શાહે જણાવ્યું હતું કે, ‘કોન્ટેક્ટ લેન્સથી બાળકો અને પુખ્ત લોકોમાં વિશ્વાસ અને આત્મશ્રદ્ધા વધારો થતો હોવાનું જાણવા મળ્યું છે. તેનાથી સ્પોર્ટ્સ સહિતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો વધુ સરળ બને છે. વર્તમાન જ્ઞાન અને ટેકનોલોજી બાળકોનાં જીવન પર મોટી અસર કરે છે.’

AOPના એવોર્ડ્સ યુકે ઓપ્ટિક્સમાં શ્રેષ્ઠ સિદ્ધિઓનું સન્માન કરે છે. AOP એવોર્ડ્સ ૨૦૧૯ના વિજેતાઓની જાહેરાત ૧૩ જાન્યુઆરીએ લંડનમાં નેશનલ એવોર્ડ્સ સમારંભ દરમિયાન કરાઈ હતી. AOP એવોર્ડ્સ વિશે વધુ જાણકારી વેબસાઈટ www.aop.org.uk/awardsપરથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter