ભોજનમાં વંદોઃ રાયસ્લીપના ખો ખો રેસ્ટોરાંના પૂર્વ ડિરેક્ટરને 9000 પાઉન્ડનો દંડ

Tuesday 26th September 2023 06:32 EDT
 

લંડનઃ રાયસ્લીપમાં આવેલા જાણીતા ભારતીય રેસ્ટોરાંમાં વંદા મળી આવ્યા બાદ તેના પૂર્વ ડિરેક્ટરને 9000 પાઉન્ડ ચૂકવવાની ફરજ પાડવામાં આવી છે. હિલિંગડન કાઉન્સિલની ફૂડ, હેલ્થ એન્ડ સેફ્ટી ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. રેસ્ટોરાંમાં પીરસાતા ભોજનમાં વંદો મળી આવ્યાની એક ગ્રાહકની ફરિયાદ બાદ જુલાઇ 2022માં ખો ખો રેસ્ટોરાંમાં ટીમ દ્વારા તપાસ કરાઇ હતી. તપાસમાં રેસ્ટોરાંમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો અને વંદા મળી આવ્યા હતા.

જેના પગલે રેસ્ટોરાંના ડિરેક્ટર નિખિલ વાલિયા સામે કેસ કરાયો હતો. નિખિલે 12મી સપ્ટેમ્બરના રોજ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. કોર્ટે વાલિયાને પેસ્ટ કન્ટ્રોલ, ફૂડ સ્ટોરેજ અને સ્વચ્છતાના મામલામાં થયેલા ઉલ્લંઘન માટે 1538 પાઉન્ડનો દંડ કર્યો હતો અને પીડિત ગ્રાહકને 615 પાઉન્ડ તથા કાઉન્સિલની પ્રોસિક્યુશન ફી પેટે 4877 પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો. લાયસન્સના ઉલ્લંઘન માટે વાલિયાને કાઉન્સિલ કોસ્ટ પેટે 2472 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter