લંડનઃ રજિસ્ટર્ડ ચેરિટી વિશ્વ હિન્દુ પરિષદને તેના પૂર્વ કર્મચારીને વિવિધ દાવાઓ સંદર્ભે 15,924 પાઉન્ડ ચૂકવવા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આદેશ કર્યો છે. કોવિડ-19ના ફેલાવાને અટકાવવા લેવાયેલાં પગલાંનું પાલન નહિ કરવાના આક્ષેપસર ચેરિટી દ્વારા કર્મચારીને બરતરફ કરાયો હતો. ટ્રિબ્યુનલે ગેરવાજબી બરતરફી તેમજ વેતનમાંથી નોટિસ પગાર અને અન્ય ગેરકાયદે કપાતના ક્લેઈમ્સ યોગ્ય ઠરાવ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ રજિસ્ટર્ડ ચેરિટી છે અને શિક્ષણ મારફત હિન્દુ ધર્મના પ્રસાર સાથે ઈસ્ટ લંડનમાં મંદિરનો વહીવટ કરે છે. મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા કર્મચારીને 17 નવેમ્બર 2020ના રોજ બરતરફ કરાયો હતો. પૂર્વ પૂજારીએ દાવો કર્યો હતો કે બરતરફી અગાઉના બે વર્ષ તેને નેશનલ મિનિમમ વેજ મુજબ વેતન અપાતું ન હતું તેમજ વેતનમાંથી નોટિસ પે સહિત ગેરકાયદે કપાતો કરાઈ હતી અને તેણે ઉપયોગ નહિ કરેલી અને એકત્ર થયેલી રજાઓનો પગાર પણ ચૂકવાયો ન હતો.
દાવેદારે 2013થી મંદિરમાં વોલન્ટીઅર તરીકે અને આશરે 2016થી પૂર્ણ સમય માટે કામ શરૂ કર્યું હતું અને તેને પુરોહિત તરીકે નિયમિત ચૂકવણી કરાતી હતી. તેને 2020ની 17 નવેમ્બરે મંદિર અને તેની વચ્ચે વ્યવસ્થાનો અંત લાવતો પત્ર મોકલાયો હતો. મંદિર 29 જૂન 2020થી ફરી ખુલ્લું મૂકાયું હતું અને કોવિડ-19ના ફેલાવાને અટકાવવા અને મંદિરને સુરક્ષિત રાખવા કેટલાંક પગલાં અમલી બનાવાયા હતા. મંદિર દ્વારા રજૂઆત કરાઈ હતી કે કર્મચારી દ્વારા આ પગલાંનું પાલન કરાતું ન હતું. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે આંશિક રીતે દાવેદારની વર્તણૂક તેની બરતરફી માટે જવાબદાર બની હતી. કોવિડ સલામતી બાબતે યોગ્ય નિર્ણયો સામે અનાવશ્યક પ્રશ્નો ઉઠાવવાનું વલણ યોગ્ય ગણી ન શકાય. ટ્રિબ્યુનલે ઠરાવ્યું હતું કે ગેરવાજબી બરતરફી બાબતે બેઝિક એવોર્ડ તેમજ કોમ્પેન્સેટરી એવોર્ડ દાવેદાર પૂજારીની બરતરફી અગાઉના વર્તનના કારણે 40 ટકા જેટલો ઘટાડી દેવાયો છે.
ચેરિટી કમિશનના 31 માર્ચ 2022ના પૂરા થતાં નાણાકીય વર્ષ માટેના ડેટા મુજબ ચેરિટીની કુલ આવક 298,260 પાઉન્ડ અને કુલ ખર્ચ 325,914 પાઉન્ડ હતો.

