મંદિરો પર હુમલા-તોડફોડથી હિન્દુઓમાં આઘાત, આક્રોશ અને ચિંતા

રુપાંજના દત્તા Wednesday 10th July 2019 02:27 EDT
 
 

લંડનઃ યુકેમાં મંદિરોમાં તોડફોડની ઘટનાઓ વધી જવાથી મહેનતુ, મળતાવડા અને શાંતિપ્રિય હિન્દુ સમુદાયમાં રોષ, ચિંતા અને આઘાતની લાગણી પ્રસરી છે. વેસ્ટ મિડલેન્ડ્સના વોલસાલના શ્રી રામ મંદિરમાં તોફાની તત્વોએ જૂન મહિનામાં ત્રણ - ત્રણ વખત મૂર્તિઓને નુકસાન પહોંચાડયું છે. તાજા હુમલામાં મંદિરની બહાર દ્વારપાળ સહિત પ્રતિમાને નુકસાન થયું છે. એક મૂર્તિનો ચહેરો તોડી નખાયો છે. આ હુમલાથી હિન્દુ અગ્રણીઓ ડઘાઈ ગયા છે.

શ્રી રામ મંદિરમાં દસ જૂને પહેલો હુમલો સવારે ૧૦ વાગ્યાની આસપાસ અને બીજો હુમલો નવ દિવસ પછી સવારે ૧૧ વાગ્યાની આસપાસ થયો હતો. કોમ્યુનિટી સેન્ટર તરીકે પણ કાર્યરત મંદિર છેક ૧૯૮૦ના દાયકાથી અહીં છે, પરંતુ આવા હુમલા અગાઉ ક્યારેય જોવાં મળ્યા નથી. જોકે, મંદિરો પર હુમલાની આ ઘટનાઓ એકલદોકલ નથી. અગાઉ પણ લંડનની આસપાસ ઘણા મંદિરોમાં ચોરી અને તોડફોડની ઘટનાઓ બની ચૂકી છે.
મંદિરના કર્મચારી જગુ પટેલે કહ્યું હતું કે, ‘ફૂટેજમાં કોઈ વ્યક્તિ ક્રિકેટ બેટ અથવા હોકી સ્ટિક લઈને આવતો નજરે પડે છે. તેણે પ્રતિમાને અનેક વખત ફટકા માર્યા હતા અને તે બહાર કારમાં બેસી રહેલા તેના સાથીઓ સાથે વાતચીત પણ કરતો હતો. આ પછી તે ફરી વખત આવ્યો અને પ્રતિમાઓને ભારે નુકસાન પહોંચાડ્યું. આ પછી તે એક પ્રતિમાનો ચહેરો લઈને નાસી ગયો. લોકો આવું શા માટે કરે છે તે અમારે જાણવું છે. આ વાહિયાત બાબત છે, તેમને આમાંથી કશું મળવાનું નથી. અગાઉ ક્યારેય આવી ઘટનાઓ બની નથી, અમને ઘણું દુઃખ થાય છે. આ હિન્દુ મંદિર વોલસાલના એકદમ શાંત વિસ્તારમાં છે અને દરેક વ્યક્તિએ શાંતિથી રહેવું જોઈએ તેમ અમે માનીએ છીએ.’
આ પ્રતિમાઓ ભારતથી મંગાવાઈ હતી અને કિંમતી હતી. તેમને બદલવાનો ખર્ચ પણ ભારે આવશે. જગુ પટેલના કહેવા મુજબ ખર્ચનો અંદાજ હજુ કઢાયો નથી. જોકે, તેમને બદલવાની કામગીરી તેમના ભારતમાં સંપર્ક મારફત જ કરાશે અને જહાજમાં તેને અહીં લાવવાનો ખર્ચ પણ ઘણો થશે. મંદિરના પ્રતિનિધિઓ સત્તાવાળાના સંપર્કમાં છે અને હિન્દુ સમુદાયને કોઈ પણ રીતે સહાયનો અનુરોધ કરાયો છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે હુમલાને સમર્થન આપી કોઈને માહિતી હોય તો ક્રાઈમ રેફરન્સ 20WS/147794M/19 અથવા 20WS/137218F/19 સાથે ૧૦૧ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.

HFB દ્વારા સિક્યુરિટી કોન્ફરન્સ

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB)ના પ્રમુખ તૃપ્તિ પટેલે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘વેમ્બલીમાં શ્રી વલ્લભનિધિ મંદિર પર આવા હુમલા પછી હિન્દુ અગ્રણીઓની યોજાયેલી બેઠકમાં હિન્દુ ફોરમ ઓફ બ્રિટનની રચના કરાઈ હતી. હિન્દુ ધર્મસ્થાનોને આવા હુમલાઓ સામે રક્ષણ આપવા સરકાર પાસેથી ભંડોળ મેળવવા મુદ્દે HFB અગ્રેસર રહી છે. ગયા વર્ષે મંદિરો સામે સલામતીની ધમકીઓ અને તેના ઉપાયો વિશે જાગૃતિ ઉભી કરવા હોમ ઓફિસ અને યુકે પોલીસ ફોર્સની ભાગીદારી સાથે HFB દ્વારા બે સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.’
વર્તમાન ઘટના પછી તૃપ્તિ પટેલ સરકારી અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને ટૂટિંગમાં ૧૬ અને ૧૭ જુલાઈએ ઈમર્જન્સી સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘યુકેના હિન્દુઓ હંમેશાં યુકેના સમાજના મહેનતુ સભ્યો રહ્યાં છે અને મંદિરો પર આવાં હુમલા થાય તે દુઃખની બાબત છે.’
વર્ષ ૨૦૧૮માં હેરોના કેન્ટોનમાં શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલમાં હુમલા થયા પછી વિલ્સડનના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલમાં પણ હુમલો થયો હતો, જ્યાંથી હરે કૃષ્ણની ત્રણ પ્રતિમા ચોરાઈ હતી. આ સમયે સાંસદ વિરેન્દ્ર શર્માએ જસ્ટિસ મિનિસ્ટર ડેવિડ ગૌકેને પ્રશ્ન કર્યો હતો કે ‘આ ઘટનાઓને હેટ ક્રાઈમ તરીકે ગણવામાં આવશે કે એક ધર્મના લોકોને લક્ષ્ય બનાવાયા હોવાથી પોલીસ દ્વારા તેને નજરઅંદાજ કરી દેવાશે.’
તેમણે ‘ધ હિન્દુ’ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘સમાજ જે રીતે વિકસી રહ્યો છે, સમાજનો કેટલોક વર્ગ જે રીતે સમાજમાં ઘૃણા અને અસહિષ્ણુતાને ફેલાવી રહ્યો છે, તે જોતાં હું ભારપૂર્વક માનું છું કે લોકોએ એક શક્યતાને ખુલ્લી રાખવી જોઈશે.’ તેમણે ગત સપ્તાહે પ્રથમ વિશ્વ યુદ્ધના શીખ સૈનિકના નવા સ્મારકનો ઉલ્લેખ કર્યો હતો, જે ઘટનાને પોલીસ ‘વંશીયતા ઉશ્કેરણીના ક્રિમિનલ નુકસાન’ તરીકે ગણાવી રહી છે.

હોમ ઓફિસની સિક્યુરિટી ફંડિગ સ્કીમ

હોમ ઓફિસ દ્વારા પ્લેસીસ ઓફ વર્શિપ (POW) પ્રોટેક્ટિવ સિક્યુરિટી ફંડિંગ સ્કીમના ચોથા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ છે. ગત ત્રણ વર્ષમાં મંદેરો, ગુરુદ્વારા અને મસ્જિદો જેવાં ધર્મસ્થાનો પર હેટ ક્રાઈમ વધી રહ્યાં છે ત્યારે આ યોજના હેઠળ પ્રોટેક્ટિવ એલાર્મ્સ, સિક્યુરિટી લાઈટિંગના પગલાં તેમજ ધર્મસ્થાનોના રક્ષણ માટે દળોની સુવિધા મેળવવા ૧૩૦થી વધુ ધર્મસ્થાનોને ગ્રાન્ટ આપવામાં આવી હતી.
વધુ ધર્મસ્થાનો અને સંબંધિત ધાર્મિક કોમ્યુનિટી સેન્ટરોને અરજી કરવા પ્રોત્સાહન અર્થે હોમ ઓફિસ દ્વારા આ વર્ષે યોજના વધુ સરળ બનાવાઈ છે. અરજદારોએ સિક્યુરિટી પગલાં માટે પોતાના ક્વોટ્સ આપવાની પ્રથા બંધ કરી દેવાઈ છે. હવે અરજદારોને એસેસમેન્ટ્સ, ક્વોટ્સ અને ઈન્સ્ટોલેશન માટે સેન્ટ્રલ સપ્લાયરનો લાભ આપવામાં આવશે. આ યોજના ફેઈથ કોમ્યુનિટી સેન્ટર્સ માટે પણ ખુલ્લી રહેશે અને લાયકાતના માપદંડ વધુ હળવા કરાયા હોવાથી તેઓ હેટ ક્રાઇમના ભોગ બન્યા હોવાનું તેમણે દર્શાવવું નહિ પડે. હવે હેટ ક્રાઈમ માટે તેમની અસલામતીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
આ યોજના ઈંગ્લેન્ડ અને વેલ્સના ધર્મસ્થાનો અને સંબંધિત ધાર્મિક કોમ્યુનિટી સેન્ટરો માટે ખુલ્લી રહેશે. ભંડોળ યોજનાની વધુ વિગતો અને તેના માટે અરજી કેવી રીતે કરી શકાય તે જાણવા માટે જૂઓ વેબલિન્કઃ https://www.gov.uk/guidance/places-of-worship-security-funding-scheme
યુએસના નેવાડામાં હિન્દુ અગ્રણી અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમ પ્રમુખ રાજન ઝેડે બ્રિટિશ હિન્દુઓ દ્વારા દેશ અને સમાજને ઘણું યોગદાન કરાયું છે ત્યારે હિન્દુ ધર્મસ્થાનોમાં આવી ઘટનાઓ થવા વિશે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કોમ્યુનિટી સેક્રેટરી જેમ્સ બ્રોકેનશાયર તેમજ વોલસાલના મેયર પોલ બોટને આ ઘટનાઓને ગંભીરતાથી લઈ તપાસ અને પુનરાવર્તન ન થાય તે ઉપરાંત, બ્રિટિશ હિન્દુ વસ્તી તથા મંદિરોની સુરક્ષાના પગલાં લેવા અનુરોધ કર્યો છે.
શ્રી રામ મંદિર વોલસાલ ચેરિટી (શ્રી ગુજરાતી હિન્દુ સોશિયલ એન્ડ કલ્ચરલ સેન્ટર) દ્વારા પૂજાસેવા ઉપરાંત, હિન્દુ ઉત્સવોની ઉજવણી, ભારતીય-હિંદુ સંસ્કૃતિ, કળા, ભાષા, નૃત્યો અને વારસાને આગળ વધારવા સંબંધિત વર્ગોની સાથે વરિષ્ઠ, સ્ત્રીઓ યુવા તેમજ બાળકો માટે કોમ્યુનિટી પ્રવૃત્તિઓ પણ ચલાવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter