મકાનમાલિકો ભાડૂતોની હકાલપટ્ટી નહિ કરી શકે

Wednesday 25th March 2020 01:03 EDT
 
 

લંડનઃ યુકેના અર્થતંત્રને કોરોના વાઈરસે ભરડો લીધો છે ત્યારે પોતાનું ભાડું ચૂકવવા મથતા વર્કર્સને રક્ષણ આપવા બોરિસ સરકારે મકાનમાલિકો ત્રણ મહિના સુધી ભાડૂતોની હકાલપટ્ટી કરી શકશે નહિ તેવી જાહેરાત કરી છે. આ પગલું આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા લોકોને રાહત આપશે. બીજી તરફ, બાય-ટુ-લેટ મોર્ગેજીસ  પણ ૧૨ સપ્તાહના પેમેન્ટ હોલીડે હેઠળ આવી લેવાશે.

હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ કટોકટીના કારણે નોકરી ગુમાવવી પડી હોય અથવા બાળકોની સંભાળ રાખવી પડતી હોય તેવા ભાડૂતો રેન્ટ ચૂકવી ન શકે તો મકાનમાલિકો તેમની હાંકી કાઢી શકશે નહિ. આ પગલાંથી ખાનગી અને સોશિયલ એકોમોડેશનમાં ભાડે રહેતા વર્કર્સને ત્રણ મહિના સુધી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે સરકારે મકાનમાલિકો માટે ત્રણ મહિના સુધી મોર્ગેજ હોલીડેની સુવિધા આપી છે. જેનરિકે કહ્યું હતું કે બાય-ટુ-લેટ મોર્ગેજીસને પણ ૧૨ સપ્તાહના રક્ષણ હેઠળ આવરી લેવાશે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના કટોકટીના કારણે આવક ગુમાવનાર કોઈ ભાડૂતને તેના ઘરમાંથી બળજબરી સાથે હાંકી કઢાશે નહિ કે કોઈ મકાનમાલિકને વહીવટી ન કરી શકાય તેવા દેવાંનો સામનો કરવો પડશે નહિ. ભાડૂતો અને મકાનમાલિકો તેમના ભાડાં અને મોર્ગેજ ચૂકવવા બાબતે સમાનપણે ચિંતિત છે. હાઉસિંગ સેક્રેટરીએ કહ્યું હતું કે ત્રણ મહિના પછી મકાનમાલિક અને ભાડૂત પોસાય તેવી પુનઃચૂકવણી યોજના ઘડે તેવી અપેક્ષા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter