મકાનોનાં ભાવમાં સતત ત્રણ મહિના ઘટાડોઃ મંદીની ચેતવણી

Friday 02nd June 2017 06:43 EDT
 
 

લંડનઃ નાણાકીય કટોકટી એટલે કે ૨૦૦૯ પછી પહેલી વખત યુકેમાં મકાનોનાં ભાવમાં પહેલી વખત સતત ત્રણ મહિના ઘટાડો નોંધાયો છે. પ્રોપર્ટીનું મૂલ્ય ઘટવાથી બિલ્ડિંગ સોસાયટી નેશનવાઈડ દ્વારા માર્કેટમાં મંદીની ચેતવણી અપાઈ હતી. મકાનોની કિંમતો મે મહિનામાં ૦.૨ ટકા, એપ્રિલમાં ૦.૪ ટકા અને માર્ચમાં ૦.૩ ટકા ઘટી હતી. સરેરાશ પ્રોપર્ટીની કિંમત હાલ ૨૦૮,૭૦૦ પાઉન્ડ બોલાય છે. જોકે, ગયા વર્ષની આ ગાળામાં સરેરાશ કિંમત કરતા તો ૪,૦૦૦ પાઉન્ડ વધુ છે.

દર વર્ષે પ્રોપર્ટીની કિંમતોમાં ભારે વધારો નિહાળવા ટેવાયેલા મકાનમાલિકોને આંચકો લાગે તેવી આગાહી કરતા નેશનવાઈડ દ્વારા આ વર્ષે મકાનોનાં ભાવ બે ટકા જ વધશે તેમ જણાવાયું હતું. કેટલાક નિષ્ણાતોએ કહ્યું હતું કે પ્રથમ વખત ઘર ખરીદનારાઓ ભાવમાં ઘટાડાને આવકારશે. હાઉસિંગ ઈન્ડસ્ટ્રી અનુસાર ૨૦થી વધુ વર્ષમાં પ્રથમ વખત ઘર બદલનારાઓ કરતા પ્રથમ વખત ઘર ખરીદનારાની સંખ્યા વધી ગઈ છે.

બ્રેક્ઝિટની અસર અને સામાન્ય ચૂંટણીના પરિણામના ભયને આ ઘટાડા માટે જવાબદાર મનાય છે. બ્રેક્ઝિટ ઉપરાંત જીવન નિર્વાહના ખર્ચમાં વધારો અને આવકની સરખામણીમાં મકાનોના ન પોષાય તેવા ઐતિહાસિક ઉંચા ભાવ પણ જવાબદાર મનાય છે. નેશનવાઈડના રોબર્ટ ગાર્ડનરે જણાવ્યું હતું કે બજારમાં મકાનોની હજુ અછત છે અને બિલ્ડીંગના ધોરણોને લીધે મકાનોના ભાવ જળવાઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે પોતાનું મકાન ખરીદતી કે વેચતી વખતે મોટાભાગના લોકોના મનમાં ચૂંટણીનો મુદ્દો મહત્ત્વનો હોતો નથી. જોકે, તેમણે દલીલ કરી હતી કે બજારમાં ચૂંટણી એ મોટું પરિબળ નથી.

ગાર્ડનરે જણાવ્યું હતું કે હાલ બેરોજગારીનો દર ૪૨ વર્ષમાં સૌથી નીચો છે. રોજગારીનું વર્તમાન ઉંચું પ્રમાણ પણ ભાવવધારામાં મદદરૂપ થઈ શકે. ૨૦૦૮ અને ૨૦૦૯માં આર્થિક કટોકટી વખતે મહિનાઓ સુધી ઘટાડો નોંધાયા પછી છેલ્લાં થોડાક વર્ષોમાં મકાનોના ભાવ સ્થિર થયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter