લંડનઃ ઈદી અમીને 1972માં એશિયનોની યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરી તેમજ કેન્યાની આફ્રિકીકરણ નીતિઓ અંતર્ગત એશિયન વર્ક પરમિટ્સ રદ કરવામાં આવી ત્યારથી ઈસ્ટ આફ્રિકન એશિયનોએ વર્ષો સુધી ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. પરંતુ, એક બાબતે આપણને એકસાથે બાંધી રાખ્યા છેઃ મક્કમ નિર્ધાર અને સ્થિતિસ્થાપકતા, જે માત્ર અસ્તિત્વ જાળવી રાખવાની ક્ષમતા નથી પરંતુ, વિપરીત પરિસ્થિતિઓમાં પણ આગળ વધવાની ક્ષમતા છે.
આ કોમ્યુનિટીને એકસાથે લાવવા માટે નવા રચાયેલા ઈસ્ટ આફ્રિકન એશિયન્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા 6 એપ્રિલ 2025ના રોજ મિલ ગ્રીન ગોલ્ફ ક્લબ ખાતે તેના સૌપ્રથમ ગોલ્ફ ટુર્નામેન્ટ અને નેટવર્કિંગ ડિનરનું આયોજન કરાયું હતું. માત્ર સામાજિક મેળાવડો બની ન રહેતા આ ઈવેન્ટ આપણે જ્યારે એકસંપ થઈએ છીએ ત્યારે શું થઈ શકે તેની યાદ અપાવનારો બની રહ્યો હતો. ક્લબહાઉસમાં ચાલવા, રેફલ ટિકિટ્સ વેચવા અને મહેમાનો સાથે વાતચીત કરની કામગીરી દરમિયાન મને ખરેખર એમ જ લાગ્યું હતું કે હું કોઈ મોટી યોજનાનો એક હિસ્સો છું.
રાત્રિભોજ દરમિયાન, વક્તાઓએ એકતા, સાંસ્કૃતિક ઓળખ અને ડાયસ્પોરાની તાકાતના મહત્ત્વ વિશે ચિંતનો રજૂ કર્યા હતા. તેમના શબ્દોએ પોતાના મૂળિયાઓને ગુમાવ્યા વિના કેવી રીતે કોમ્યુનિટીને વિકસવામાં મદદ કરી તે સંદર્ભે આપણા સહભાગી અનુભવોનું વર્ણન કર્યું હતું. તેઓએ ઈસ્ટ આફ્રિકન એશિયનોની યાત્રા વિશે જણાવ્યું જેમણે પોતાની આગવી ઓળખ જાળવી રાખવાની સાથોસાથ સરહદોની પાર મક્કમ નિર્ધાર અને તાકાતને દર્શાવ્યા હતા.
બ્રિટિશ ઈસ્ટ આફ્રિકન એશિયન તરીકે હું આ ઈવેન્ટનો ગૌરવપૂર્ણ હિસ્સો બની રહેવા બદલ આભાર વ્યક્ત કરું છું. તેના થકી મને મારી ધરોહર સાથે જોડાવાની અને જેઓ મારા પહેલા આવી ગયા તેમની યાત્રાઓ વિશે વિચારવાની તક સાંપડી હતી. તેમની મૌન તાકાત માત્ર આપણી કથાઓમાં નહિ પરંતુ, આપણે જે નિર્માણ કરી રહ્યા છે તે બધામાં હજુ જીવંત છે.
(લેખક વેસ્ટમિન્સ્ટર સ્કૂલના 10મા ધોરણમાં અભ્યાસ કરે છે)