મધ્યસત્ર ચૂંટણી વિશે એશિયન કોમ્યુનિટી શું કહે છે?

રુપાંજના દત્તા Wednesday 19th April 2017 06:29 EDT
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ ૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં એશિયન અને ખાસ કરીને હિન્દુઓના સમર્થનથી બહુમત પ્રાપ્ત કર્યો હતો પરંતુ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં આ લાગણી અત્યારે પ્રવર્તતી નથી. આ માટે પક્ષના કથિત આંતરિક અસંતોષ તેમજ અન્ય પક્ષો અને વિશેષતઃ લેબર પાર્ટી દ્વારા હાર્ડ બ્રેક્ઝિટનો તીવ્ર વિરોધથી સરકારના સામાન્ય કામકાજને પણ અસર પડી રહી છે. વડા પ્રધાન દ્વારા ચૂંટણીની જાહેરાત સંદર્ભે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા કોમ્યુનિટીના સભ્યોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.

તાન્યા મિત્રા ઘોષઃ ‘આ વર્તમાન હાલતનું ચિત્રણ છે જ્યાં ટોરી સહિતના રાજકીય પક્ષોમાં બ્રેક્ઝિટ શરતો વિશે હુંસાતુસી ચાલે છે. જોકે આ નિર્ણય ટોરી પાર્ટીની રાજકીય ટુંકી દૃષ્ટિ દર્શાવે છે અને હું માનું છું કે દેશે આ માટે તેમને જવાબદાર ગણવા જોઈએ. સૌ પહેલા ડેવિડ કેમરને દેશને ઈયુ રેફરન્ડમ તરફ ઘસેડ્યો અને દેશને અરાજકતામાં ધકેલ્યો. માઈકલ ગોવ અને બોરિસ જ્હોન્સને પોતાના વાજા વગાડ્યા અને છેલ્લી ઘડીએમ હારી ગયા તો પણ તેમને જવાહદાર ન ગણાયા. આખરે થેરેસા મેનું ‘હાર્ડ બ્રેક્ઝિટ’ આવ્યું અને આપણા જેવા રીમેઈનની તરફેણ કરનારા ૪૮ ટકાનો અવાજ રુંધી નખાયો. હવે આપણી પાસે સામાન્ય ચૂંટણીની તૈયારા માટે બે મહિના કરતા ઓછો સમય રહ્યો છે.’

સંજય જગતીઆ, હિન્દુ કાઉન્સિલ યુકેના ડિરેક્ટર/સેક્રેટરી જનરલઃ ‘ડેવિડ કેમરન પાસેથી સત્તા સંભાળ્યા પછી ઉત્તરોત્તર કન્ઝર્વેટિવ પાર્ટીની પોલ સરસાઈ સતત વધતી રહી છે ત્યારે આઠ જૂન ૨૦૧૭ના દિવસે તત્કાળ ચૂંટણી યોજવાની વડા પ્રધાન થેરેસા મેની જાહેરાતમાં જરા પણ આશ્ચર્ય નથી. થેરેસા મેએ ગણતરી માંડી જ હશે કે નુકસાન કરતા લાભ વધુ છે અને બ્રેક્ઝિટ ડિલિવર કરવા મજબૂત જનાદેશ મેળવવા લોકો પાસે તેઓ ગયાં છે. ખરેખર તો, બ્રેક્ઝિટની વાટાઘાટો પછી તેના પર લોકચુકાદો મેળવવાં દેશને જણાવાય તે પહેલા વડા પ્રધાને પોતાના માટે વધુ બે વર્ષ મેળવી લીધાં છે. આ ઉપરાંત, ટોરી પાર્ટી નોંધપાત્ર માર્જિનથી વિજય મેળવે તેવી શક્યતા છે જેના પરિણામે થેરેસા મેને કોમન્સમાં કામગીરી માટે છૂટો દોર મળશે અને ઈયુ સાથે મંત્રણામાં અંગત ઓથોરિટીનો સિક્કો જમાવી શકશે. નોંધપાત્ર ટોરી વિજયથી બીજા રેફરન્ડમનો પણ છેદ ઉડી જશે અને મતદારોએ સિંગલ માર્કેટમાંથી બહાર નીકળવા સંમતિ આપી નથી તેવી દલીલ પણ બંધ થઈ જશે. હવે ચૂંટણીપ્રચારમાં ભારે ગરમી અને વિભાજક રાજકીય ઉશ્કેરાટ જોવાં મળશે. ટોરીઝ સમગ્ર યુકેમાં ફતેહ મેળવશે અને સ્કોટલેન્ડમાં પણ પગપેસારો કરશે. લેબર પાર્ટી તળિયે પહોંચી જશે અને લંડન સહિતના તેના કિલ્લાઓમાં પણ સપોર્ટ ગુમાવશે.

વિનોદ ટિક્કુઃ ‘આ સારી રાજકીય ચાલ છે, જેની સાથે ઈલેક્શનનો ખર્ચ આવશે. બ્રેક્ઝિટ બરાબર કાર્ય કરે તે માટે વાટાઘાટોના ગંભીર સ્તર અને કાવાદાવા માટે મજબૂત સરકાર જરૂરી છે. કોમન્સમાં અત્યારે થેરેસા મે માત્ર ૧૨ સભ્યની પાતળી બહુમતી ધરાવે છે. આ ઉપરાંત, તેમણે કેમરન પાસેથી નેતાગીરી સંભાળી ત્યારથી બ્રેક્ઝિટમાં યુકેની દોરવણી કરવાની તેમની કાયદેસરતા સામે પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે. બ્રિટિશ અર્થતંત્ર સારી હાલતમાં કાર્યરત છે, કન્ઝર્વેટિવ પાર્ટી પોલ્સમાં તેના વિરોધીઓથી સ્પષ્ટ ૨૦ ટકા આગળ છે અને બ્રિક્ઝિટ કાયદાનું મુશ્કેલ કાર્ય હજુ બાકી છે ત્યારે આ પગલું યોગ્ય જણાય છે.’

હરગોપાલ લિંગમઃ સમગ્રતયા સોદાબાજીમાં સરકારનો મજબૂત અવાજ નહિ હોય અને તેમના પોતાના જ રાજકારણીઓ દ્વારા દરેક પગલે તેમને અટકાવાય અથવા પ્રશ્નો કરાય ત્યાં સુધી બ્રેક્ઝિટ વાટાઘાટો આગળ વધી જ નહિ શકે. થેરેસા મેએ બ્રેક્ઝિટ બ્રિટનની તરફેણમાં કામ કરે તે માટે અંત સુધી બ્રિટિશ પ્રજાનું સમર્થન હાંસલ કરવાનું જણાવી આ યોગ્ય કાર્ય કર્યું છે.’

કેયૂર બૂચઃ ‘આ બીજું કશું નહિ પરંતુ આગામી વડા પ્રધાનના માથે જવાબદારી ઓઢાવવાની કાયરતાપૂર્ણ રમત છે. અને જો મિસિસ મે આગામી વડા પ્રધાન બનશે તો ડબલાને વધુ લાત મારવાની શંકાસ્પદ રમત બની રહેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter