લંડનઃ એશિયન પશ્ચાદભૂના લોકોમાં અંગદાન વિશે જાગૃતિ વધી રહી છે અને મૃત્યુ પછી નહિ પરંતું, જીવતા રહીને જ અંગદાતા બનવાની તૈયારી વધી રહી છે. આમ છતાં, એશિયન દર્દીઓએ અંગ પ્રત્યારોપણ માટે છ મહિનાથી વધુ રાહ જોવી પડે છે. NHS Blood and Transplant (NHSBTના)ના અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME)ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટ એક્ટિવિટી રિપોર્ટ અનુસાર ગત વર્ષે BAME પશ્ચાદભૂના ૧૪૨ જીવંત દાતામાંથી ૮૪ અંગદાતા એશિયન હતા જે, કુલ જીવંત અંગદાતાઓના ૮.૫ ટકા જેટલા હતા. ૯૫ એશિયન લોકોએ પ્રત્યારોપણ માટે જીવંત દાતા પાસેથી અંગ મેળવ્યું હતું, જે ૨૦૧૬ પછી સૌથી વધુ હતું. BAME કોમ્યુનિટીમાંથી ૧૧૨ મૃતદાતાની સંખ્યા હતી.
ગયા વર્ષે અંગ પ્રત્યારોપણથી જીવનદાન મેળવનારા ૧,૧૮૭ લોકો BAME કોમ્યુનિટીના હતા. જોકે, અંગદાન કરનારા અને અંગદાન મેળવવાની જરુરિયાત ધરાવતા પેશન્ટ્સ વચ્ચે ભારે તફાવત રહે છે.૨૦૨૦ની ૨૯ ફેબ્રુઆરીએ BAME કોમ્યુનિટીના ૧,૯૦૯ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઈ રહ્યા હતા. આમાંથી ત્રીજા ભાગના પેશન્ટ્સને તાત્કાલિક પ્રત્યારોપણની જરુર હતી. સપ્ટેમ્બર ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૦ વચ્ચે તમામ મૃતદાતા થકી કરાયેલા કિડની ટ્રાન્સપ્લાન્ટમાંથી ૪૦ ટકા BAME કોમ્યુનિટીના હતા જે, સંખ્યા તેની અગાઉના વર્ષે ૩૩ ટકા હતી. પોતાના સગાંના અવયવોનું દાન કરવાનો ઈનકાર કરનારા ૩૧ ટકાથી વધુ એશિયન પરિવારો કહે છે કે આમ કરવું તેમની ધાર્મિક કે સાંસ્કૃતિક માન્યતાથી વિરુદ્ધનું છે. જોકે, મોટા ભાગના ધર્મો સૈદ્ધાંતિક રીતે અંગદાન અને પ્રત્યારોપણને ટેકો આપે છે.
માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સાજ ખાન ૧૯ વર્ષના હતા ત્યારે બીમાર થયા હતા. તેઓ બર્મિંગહામમાં તેમના જીપીને મળ્યા તો તેમને તત્કાળ હોસ્પિટલ મોકલ્યા અને તેમને કિડની નિષ્ફળ ગયાનું નિદાન કરવામાં આવ્યું હતું. સાજને જન્મથી જ બંને કિડની ઘણી નાની હતી. સાજને ૨૦૦૨માં તેના પિતાએ કિડનીનું દાન કર્યા પછી તેમણે પોતાની ડીગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ૨૦૦૬માં તેમની નવી મૂકાયેલી કિડની પણ નિષ્ફળ જતા તેમને વેઈટિંગ લિસ્ટમાં મૂકાયા અને ડાયાલિસિસનું જીવન ચાલુ થયું હતું. તેમને કોવિડ-૧૯ના કારણે જીવન નોર્મલ ન થાય ત્યાં સુધી વેઈટિંગ લિસ્ટમાંથી દૂર કરાયા હતા. આરોગ્યની સમસ્યાઓ છતાં તેઓ લગ્ન, ઘરની ખરીદી અને IT શિક્ષક બનવા સહિતના ધ્યેય પૂરા કરી શક્યા હતા. હવે તેમને એક માત્ર તક જીવંત દાતા પાસેથી અંગદાન મળવાની છે કારણકે તેમના પહેલા ટ્રાન્સપ્લાન્ટના કારણે એટલા ઊંચા એન્ટિબોડીઝ પેદા થયેલા છે કે તેમને માટે મેચિંગ શોધવું મુશ્કેલ છે.
નેશનલ BAME ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સ (NBTA)ના માનદ પ્રેસિડેન્ટ કીરિટ મોદીએ હોસ્પિટલ્સ અને NHSBTના સ્ટાફ દ્વારા મહામારી દરમિયાન કરાયેલી કામગીરીની ભારે પ્રશંસા કરી હતી. NHSBTના ચેરમેન મિલિ બેનરજી પણ વંશીય સમૂહોના લોકોને જીવનરક્ષક ટ્રાન્સપ્લાન્ટ મળી રહે છે તેનાથી પ્રોત્સાહિત છે. BAME કોમ્યુનિટી જૂથો માટે બે મહત્ત્વના ઈનિશિયેટિવ્ઝ Community Investment Scheme અને Living Transplant Initiativeની શરુઆત કરવામાં આવી છે. તમે www.organdonation.nhs.uk વેબસાઈટ ખાતેના NHS Organ Donor Register ની મુલાકાત લઈ તમારા નિર્ણયની નોંધણી કરાવી શકો છો અને તમારા પરિવારને તેની જાણ પણ કરી શકો છો.


