લંડનઃ અક્સબ્રિજ રોડસ્થિત હેપીનેસ સેન્ટરમાં કામ કરતા મસાજિસ્ટ મોહમ્મદ અલ એલ્ફીને મહિલા ક્લાયન્ટ્સ પર જાતીય હુમલા બદલ આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે સાત જુલાઈએ આઠ વર્ષ જેલની સજા ફરમાવી હતી. ત્રણ ગુનાની સજા તેણે ક્રમાનુસાર ભોગવવાની રહેશે. તેને અચોક્કસ મુદત સુધી સેક્સ્યુઅલ ઓફેન્ડર રજિસ્ટરમાં રખાયો છે.
બ્રેકેનબરી રોડ, હેમરસ્મિથનો ૩૪ વર્ષીય મોહમ્મદ એલ્ફી ૨૦૧૨માં મસાજ સેન્ટરમાં મસાજિસ્ટ તરીકે કામ કરતો હતો. તેણે માલીશ કરતી વખતે માત્ર ટુવાલ સાથેની ૩૩ વર્ષની મહિલા પર જાતીય હુમલો કર્યો હતો. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા મોહમ્મદની ધપરકડ કરાઈ હતી અને વધુ તપાસ બાકી હોવાથી તેને મુક્ત કરાયો હતો.
તેણે ૨૦૧૫માં બ્રેન્ટફર્ડની હિલ્ટન હોટેલના હેલ્થ સ્પામાં મસાજ કરાવવા આવેલી ૪૫ વર્ષીય મહિલા પર પણ જાતીય હુમલો કર્યો હતો. આ જ દિવસે અન્ય ૪૮ વર્ષીય મહિલા ચહેરા પર મસાજ કરાવવા આવી ત્યારે પણ એલ્ફીએ તેની સાથે જાતીય છૂટછાટ લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસને આ ઘટનાઓની જાણ કરાતા એલ્ફીની ધરપકડ થઈ હતી.
તેને આ ત્રણ ગુનાઓ માટે દોષિત ઠરાવી અલગ અલગ સજા સંભળાવાઈ હતી.


