મહાત્મા ગાંધી સ્કોલરશિપ્સ માટે £૧૦૦,૦૦૦નું દાનભંડોળ

ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ મેઘનાદ દેસાઈની જાહેરાત

Wednesday 18th September 2019 03:49 EDT
 
(ફાઈલ તસવીર-૨૦૧૫)
 

લંડનઃ મહાત્મા ગાંધીના સંદેશને પ્રસરાવવાના કાર્યના ભાગરુપે યુકેસ્થિત ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ મેઘનાદ દેસાઈએ મહાત્મા ગાંધી સ્કોલરશિપ્સના દાનભંડોળ તરીકે ટ્રસ્ટ દ્વારા ૧૦૦,૦૦૦ પાઉન્ડના દાનની જાહેરાત કરી છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં આ સ્કોલરશિપ્સની સ્થાપના કરાવાની છે. આ ભંડોળ અક્ષયનિધિ બની રહેશે, જેમાં અન્યો પણ યોગદાન આપશે જેથી આગળ જતાં મોટું ભંડોળ બની રહેશે.

આ સ્કોલરશિપ્સના લીધે લાયકાત ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ LSEમાં અભ્યાસ કરી શકશે. આ એન્ડાઉમેન્ટ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની સાથે સુસંગત છે. હાલ ભારતની મુલાકાતે ગયેલા LSEના ડાયરેક્ટર મિનૌક શફિકે જાહેરાતને આવકાર આપ્યો છે. ડાયરેક્ટરે જણાવ્યું હતું કે LSE ભારત સાથે ગાઢ નાતો ધરાવે છે. વાસ્તવમાં ડો. આંબેડકરે પણ અહીં અભ્યાસ કર્યો હતો. મહાત્મા ગાંધીએ ૧૯૩૧માં LSEના ઓલ્ડ થિયેટરમાં પ્રવચન આપ્યું હતું.

મહાત્મા ગાંધીની પ્રતિમા પાર્લામેન્ટ સ્ક્વેરમાં મૂકાવાની હતી ત્યારે ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના ૨૦૧૫માં કરાઈ હતી. પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરન, ભારતના તત્કાલીન નાણાપ્રધાન દિવંગત અરુણ જેટલી, અમિતાભ બચ્ચન, લોર્ડ મેઘનાદ દેસાઈ તેમજ ટ્રસ્ટના અન્ય સભ્યો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પછી દેશની મુલાકાતે આવેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિમાને આદરાંજલિ અર્પણ કરી હતી.

ગત ચાર વર્ષમાં ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યુકેમાં મહાત્મા ગાંધીની વિરાસત અને દષ્ટિના વિષયો સંબંધી કાર્યરત અન્ય ત્રણ ચેરિટી સંસ્થાને પણ સપોર્ટ કરવામાં આવ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીએ ખાસ ઉજવણી કરી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter