મહાત્મા ગાંધીના ગોળ સોનેરી ચશ્માની હરાજીઃ £૫૫૦૦૦ની બોલી મળી

Thursday 20th August 2020 05:19 EDT
 
 

લંડનઃ મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં વસવાટ દરમિયાન સોનેરી ઢોળ સાથેના ગોળાકાર ચશ્મા પહેરતા હતા તેની ૨૧ ઓગસ્ટે હરાજી થઈ રહી છે. ‘પેર ઓફ મહાત્મા ગાંધી‘સ પર્સનલ સ્પેકટેકલ્સ’ તરીકે ઓળખાયેલા આ ચશ્માની અંદાજિત ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ પાઉન્ડની પ્રારંભિક બોલી લાગવા સામે ઓક્શનર ઈસ્ટ બ્રિસ્ટોલ ઓક્શન્સને ભારત, અમેરિકા, રશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત સંભવિત ખરીદારોએ રસ દર્શાવ્યો છે અને હવે ૫૫,૦૦૦ પાઉન્ડની બોલી મળતા હવે તેને લઘુતમ કિંમત ઠરાવાઈ છે.

ગાંધીજીએ આ ચશ્મા ૧૯૧૦થી ૧૯૩૦ના ગાળામાં પહેર્યા હોવાનું કહેવાય છે. આ ચશ્મા સામાન્ય કવરમાં મૂકી ઓક્શન હાઉસના લેટરબોક્સમાં રાખી પહોંચાડાયા હતા. કદાચ તે મોકલનાર વયોવૃદ્ધ વ્યક્તિને ચશ્માના ઐતિહાસિક મૂલ્યની જાણ નહિ હોય. ઓક્શન હાઉસે જણાવ્યું હતું કે આ ચશ્મા મેળવી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેમના લેટર બોક્સમાં પરબીડિયામાં આ ચશ્મા મળ્યા હતા. જો કે આ ચશ્માનો ભવ્ય ઇતિહાસ છે તેની તેમને જાણ જ ન હતી. ચશ્મા સાથેની નોંધમાં જણાવાયું હતું કે આ ચશ્મા તે વ્યક્તિના પરિવારમાં લગભગ ૧૦૦ વર્ષથી હતા અને ગાંધીજીએ ૧૯૨૦થી ૧૯૩૦ની વચ્ચે વ્યક્તિના સાઉથ આફ્રિકામાં બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરતા કાકાને ભેટમાં આપ્યા હતા.

ગાંધીજીના સમગ્ર વ્યક્તિત્વને ગોળાકાર ચશ્માએ મહત્ત્વપૂર્ણ અને દર્શનીય ઉઠાવ આપ્યો હતો. ગાંધીજી સ્વાતંત્ર્ય ચળવળનો આરંભ કરવા ભારતમાં પાછા ફર્યા તે અગાઉ સાઉથ આફ્રિકામાં રહ્યા હતા અને તેમણે કોઈ સારા કાર્યથી ખુશ થઈ આ ગોલ્ડ પ્લેટેડ ચશ્મા ભેટ આપ્યા હોવાનું મનાય છે. ઓક્શનર એન્ડી સ્ટોવે કહ્યું હતું કે સંશોધન પછી આ ચશ્માની વિશ્વસનીયતાની ખાતરી મળી હતી. ગાંધીજી જૂની તેમજ પોતાને જરુરી ન લાગે તેવી ચીજવસ્તુઓ અન્યોને આપી દેવા માટે જાણીતા હતા.

બ્રિસ્ટોલસ્થિત અન્ય કંપની પોલ ફ્રેઝર કલેક્ટિબલ્સ દ્વારા પૂણેના આગા ખાન મહેલ તેમજ મુંબઈમાં શિપિંગ મેગ્નેટ સુમતિ મોરારજીના ઘરમાં કારાવાસ દરમિયાન ગાંધીજીએ ઉપયોગમાં લીધેલી કટલરીને ૭૦,૦૦૦ પાઉન્ડ માટે વેચાણમાં મૂકાઈ છે. ૨૦૧૪થી વેચાણમાં મૂકાયેલી વસ્તુઓમાં જમવામાં ઉપયોગમાં લેવાતો ધાતુનો વાટકો, લાકડાના બે ચમચા અને લાકડાના છરીકાંટાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter