લંડનઃ મહાત્મા ગાંધીએ સાઉથ આફ્રિકામાં વસવાટ દરમિયાન પહેરેલા અને ‘પેર ઓફ મહાત્મા ગાંધી‘સ પર્સનલ સ્પેકટેકલ્સ’ તરીકે ઓળખાયેલા સોનેરી ઢોળ સાથેના ગોળાકાર ચશ્માની શુક્રવાર ૨૧ ઓગસ્ટે હરાજી થતાં ૨૬૦,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થયું છે. અમેરિકન સંગ્રાહકે ફોન દ્વારા બોલી લગાવતા માત્ર છ મિનિટમાં ચશ્મા ખરીદાઈ ગયા હતા. ઈસ્ટ બ્રિસ્ટોલ ઓક્શન્સ દ્વારા ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ પાઉન્ડની કિંમત મળવાનો અંદાજ લગાવાયો હતો.
ઓક્શનર એન્ડી સ્ટોવે કહ્યું હતું કે, ‘ઈસ્ટ બ્રિસ્ટોલ ઓક્શન્સ માટે આ નવો રેકોર્ડ છે, અદ્ભૂત પરિણામ છે. આ અમારા માટે હરાજીનો જ રેકોર્ડ નથી પરંતુ, આંતરરાષ્ટ્રીય ઐતિહાસિક મહત્ત્ની વસ્તુની શોધ છે.’ તેમણે કહ્યું હતું કે આ ચશ્માના વર્તમાન માલિક મેન્ગોટ્સફિલ્ડના વયોવૃદ્ધ વ્યક્તિ છે, જેઓ આ મળેલા નાણા પુત્રી સાથે વહેંચી લેશે. આ ચશ્મા તે વ્યક્તિના પરિવારમાં લગભગ ૧૦૦ વર્ષથી હતા અને ગાંધીજીએ ૧૯૨૦થી ૧૯૩૦ની વચ્ચે વ્યક્તિના સાઉથ આફ્રિકામાં બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરતા કાકાને ભેટમાં આપ્યા હતા.
ગાંધીજીએ આ ચશ્મા ૧૯૧૦થી ૧૯૩૦ના ગાળામાં પહેર્યા હોવાનું કહેવાય છે. આ ચશ્મા સામાન્ય કવરમાં મૂકી ઓક્શન હાઉસના લેટરબોક્સમાં રાખી પહોંચાડાયા હતા. કદાચ તે મોકલનાર વયોવૃદ્ધ વ્યક્તિને ચશ્માના ઐતિહાસિક મૂલ્યની જાણ ન હતી. તેમને કહેવાયું કે ચશ્માની અંદાજિત ૧૫,૦૦૦ પાઉન્ડ કિંમત મળી શકે તેયારે તેઓ સ્તબ્ધ બની ગયા હતા. તેમણે તો કામમાં ન લાગે તો ચશ્મા ફેંકી દેવાનું પણ સૂચન કર્યું હતું.
ઓક્શન હાઉસે જણાવ્યું હતું કે આ ચશ્મા મેળવી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેમના લેટર બોક્સમાં પરબીડિયામાં આ ચશ્મા મળ્યા હતા. જો કે આ ચશ્માનો ભવ્ય ઇતિહાસ છે તેની તેમને જાણ જ ન હતી. ઓક્શનર એન્ડી સ્ટોવે કહ્યું હતું કે સંશોધન પછી આ ચશ્માની વિશ્વસનીયતાની ખાતરી મળી હતી. હરાજીમાં મૂકાયેલા ચશ્મા સાથેની નોંધમાં જણાવાયું હતું કે ગાંધીજીના સમગ્ર વ્યક્તિત્વને ગોળાકાર ચશ્માએ મહત્ત્વપૂર્ણ અને દર્શનીય ઉઠાવ આપ્યો હતો. ગાંધીજી સ્વાતંત્ર્ય ચળવળનો આરંભ કરવા ભારતમાં પાછા ફર્યા તે અગાઉ સાઉથ આફ્રિકામાં રહ્યા હતા અને તેમણે કોઈ સારા કાર્યથી ખુશ થઈ આ ગોલ્ડ પ્લેટેડ ચશ્મા ભેટ આપ્યા હોવાનું મનાય છે. ગાંધીજી જૂની તેમજ પોતાને જરુરી ન લાગે તેવી ચીજવસ્તુઓ અન્યોને આપી દેવા માટે જાણીતા હતા.
બ્રિસ્ટોલસ્થિત અન્ય કંપની પોલ ફ્રેઝર કલેક્ટિબલ્સ દ્વારા પૂણેના આગા ખાન મહેલ તેમજ મુંબઈમાં શિપિંગ મેગ્નેટ સુમતિ મોરારજીના ઘરમાં કારાવાસ દરમિયાન ગાંધીજીએ ઉપયોગમાં લીધેલી કટલરીને ૭૦,૦૦૦ પાઉન્ડ માટે વેચાણમાં મૂકાઈ છે. ૨૦૧૪થી વેચાણમાં મૂકાયેલી વસ્તુઓમાં જમવામાં ઉપયોગમાં લેવાતો ધાતુનો વાટકો, લાકડાના બે ચમચા અને લાકડાના છરીકાંટાનો સમાવેશ થાય છે.