મહાનગર મુંબઇમાં ‘વૈરાગ્યનો કેસરીયો વાયરો’ 64 મુમુક્ષુઓનો ઐતિહાસિક દીક્ષા મહોત્સવ

Friday 13th February 2026 05:44 EST
 
 

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈના આંગણે રવિવારે જૈન શાસનનો સુવર્ણ ઇતિહાસ આલેખાયો હતો. મહાનગરના બોરીવલી (પશ્ચિમ) સ્થિત ચીકુવાડીના વિશાળ મેદાનમાં ‘અધ્યાત્મ પરિવાર’ દ્વારા આયોજિત ભવ્ય દીક્ષા મહોત્સવમાં વૈરાગ્યનો કેસરીયો રંગ ચારેબાજુ છવાયો હતો. આ પ્રસંગે 64 મુમુક્ષુઓએ રવિવારે વહેલી સવારે શુભ મુહૂર્તમાં સંસારના તમામ સુખ-સાહ્યબી અને મોહ-માયાનો ત્યાગ કરી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી.

આ પ્રસંગ શાંતિચંદ્રસૂરી સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ સોમસુંદરસૂરીજી મહારાજ સાહેબ તથા આધ્યાત્મ સમ્રાટ પ.પૂ. યોગતિલકસૂરીજી મહારાજાની પાવન નિશ્રામાં યોજાયો હતો. આ દિવ્ય પ્રસંગે રામચંદ્રસૂરી સમુદાયના અનેક આચાર્ય ભગવંતો સહિત 800 જેટલા શ્રમણ-શ્રમણી ભગવંતોની ઉપસ્થિતિએ વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધું હતું. આટલી મોટી સંખ્યામાં સંતો અને મુમુક્ષુઓનો સંગમ મુંબઈની ધરતી પર વર્ષો બાદ જોવા મળ્યો હતો.

વૈરાગ્યની આ પરાકાષ્ઠા સમાન મહોત્સવમાં દીક્ષાર્થીઓએ ભવ્ય રથયાત્રા દરમિયાન કરોડોની માલમિલકતનું વર્ષીદાન કર્યું હતું. સમાજને ત્યાગ અને સંયમનો સંદેશ આપતા આ મુમુક્ષુઓમાં માસૂમ બાળકોથી લઈને ઉચ્ચ શિક્ષિત યુવાનો અને પ્રૌઢોનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ હાજરી આપી મુમુક્ષુઓના આત્મસમર્પણને વંદન કર્યા હતા અને જૈન ધર્મના અહિંસા અને ત્યાગના મૂલ્યોની પ્રશંસા કરી હતી.

ચોથા દિવસની રાત્રે ‘અંતિમ વિદાય’ સમારંભ યોજાયો હતો, જેમાં મુમુક્ષુઓએ છેલ્લા નવ પ્રહર દરમિયાન પોતાની વિરક્તિ અને સંસાર પ્રત્યેની અસારતાનો સંદેશ શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યો હતો. દીક્ષા મંડપમાં નિર્મિત જિનાલયને ‘સ્વર્ગના વિમાન’ જેવું દિવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે જોઈને ભક્તો મંત્રમુગ્ધ થયા હતા. મુમુક્ષુઓના પરિવારજનોની આંખોમાં હર્ષ અને વિદાયના આંસુઓનો સંગમ જોવા મળ્યો હતો.

રવિવારે વહેલી સવારે મંત્રઘોષ અને વિધિ-વિધાન સાથે 64 દીક્ષાર્થીઓએ રજોહરણ ધારણ કર્યું હતું. આ સાથે જ પાંચ દિવસીય ‘સંયમરંગ’ ઉત્સવની સફળ પૂર્ણાહુતિ થશે. અધ્યાત્મ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આ આયોજન જૈન શાસનની અવિસ્મરણીય ઘટના બની રહી છે. મુંબઈની ધરતી પરથી એકસાથે 64 આત્માઓએ આત્મકલ્યાણના પંથે પ્રયાણ કર્યું, જે સમગ્ર જૈન સમાજ માટે ગૌરવની ક્ષણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter