લંડનઃ મહાવીર જન્મ કલ્યાણકના પવિત્ર પ્રસંગે મહાવીર ફાઉન્ડેશન દ્વારા શોભાયાત્રા અને જીવદયા ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સહિત સંઘના 200થી વધુ સભ્યો સામેલ થયા હતા. આ શોભાયાત્રાનો આરંભ દેરાસરથી કરાયો હતો અને કેન્ટન રોડ સુધી જઈ પરત ફરી હતી. શોભાયાત્રા દરમિયાન ‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી’ના ઊચ્ચારો કરવામાં આવ્યા હતા. સમગ્ર વાતાવરણ ગાઢ સમર્પણ, એકતા અને ઊજવણીથી મહેંકી ઉઠ્યું હતું.
શોભાયાત્રા ઉપરાંત, યુવા ગ્રૂપ દ્વારા બીનિથ ધ વૂડ સેંક્ચ્યુરીના સપોર્ટમાં સફળ ચેરિટી વોક યોજાઈ હતી જે જૈનદર્શનના જીવદયા સિદ્ધાંતને સંપૂર્ણ અનુરુપ હતી. યુવાવર્ગે તેમના સામૂહિક પ્રયાસો થકી 3000 પાઉન્ડથી વધુ રકમ ચેરિટી માટે એકત્ર કરી હતી જે ખરેખર નોંધપાત્ર સિદ્ધિ હતી.
સંસ્થાના પ્રેસિડેન્ટ નિરજ સુતરીઆ અને તેમની મહાવીર ફાઉન્ડેશન ટીમ દ્વારા આ ઈનિશિયેટિવને માર્ગદર્શન અપાયું હતું. તેમની નેતાગીરી માત્ર યુવાઓને નહિ સમગ્ર સંઘને પ્રેરણા આપી રહી છે. યુવા જનરેશન ભગવાન મહાવીરના અહિંસા, સત્ય અને અનુકંપાના શાશ્વત મૂલ્યો વિશે શીખી અનુરુપ થઈ રહેલ છે તે બિરદાવવાને લાયક છે.