મહિલાઓ પર કોવિડની અસરઃ ઓનલાઈન સેક્સનું વેચાણ વધ્યું

Thursday 31st December 2020 03:43 EST
 

લંડનઃ ઈંગ્લેન્ડના ઉત્તરમાં આવેલી ચેરિટી ‘ચેન્જિંગ લાઈવ્ઝ’ના સંશોધન અનુસાર કોવિડ-૧૯ના કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓનું નિવારણ કરવા એડલ્ટ ફોરમ્સ પર પોતાની સેવા આપવાની જાહેરાત કરનારી સ્ત્રીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. ચેરિટીએ સ્ત્રીઓનું જાતીય શોષણ થતું અટકાવવા પગલાં લેવા સરકારને અપીલ કરી છે.

સેક્સનું વેચાણ કરતી અને જાતીય શોષણનો અનુભવ કરતી મહિલાઓની મદદ કરતી ચેરિટીના કહેવા અનુસાર લોકડાઉનના પ્રથમ ચાર મહિનામાં જ પ્રથમ વખત પોતાની જાતીય સેવા આપવા તૈયાર સ્ત્રીઓની સંખ્યામાં ૮૩ ટકાનો વધારો થયો હતો. સંસ્થાએ ઓનલાઈન એડલ્ટ ફોરમ્સનો ઉપયોગ કરી ૯૧૧ સ્ત્રીઓના પ્રોફાઈલ્સનો અભ્યાસ કર્યો હતો. પોતાની જાહેરાતો માટે તેમણે સીધું મહામારીનું કારણ દર્શાવ્યું હતું. તેમણે રેન્ટ અને બિલ્સની ચૂકવણીમાં તકલીફો વિશે જણાવ્યું હતું. બીજી તરફ, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી સ્ત્રીઓએ તેમના કામના સ્થળો બંધ થઈ ગયાં હોવાનું જણાવ્યું હતું.

ચેરિટી દ્વારા અભ્યાસ હેઠળની જાહેરાતોમાં એક ૩૧ વર્ષીય સ્ત્રીએ કાર્યસ્થળ બંધ થતાં તેણે નોકરી ગુમાવી અને ચાર સપ્તાહથી યુનિવર્સલ ક્રેડિટની રાહ જોતી હોવાનું જણાવી અંગત અશ્લીલતા, પિક્ચર્સ અને વીડિયો કોલ્સ ઉપરાંત, ‘કશું પણ’ વેચવાની તૈયારી દર્શાવી હતી. આ મહિલા બે સંતાનની માતા હતી અને નોકરી ગુમાવ્યા પછી તેને ખોરાકપાણી અને ઈલેક્ટ્રિસિટી બિલ્સ ભરવાની મુશ્કેલી થઈ હતી. એક ૨૦ વર્ષની વિદ્યાર્થિનીએ નવા સ્થળે રહેવાં ડિપોઝીટની જરુર હોવાં વિશે લખ્યું હતું.

‘ચેન્જિંગ લાઈવ્ઝ’ના કહેવા અનુસાર મહામારીના સમયગાળામાં ડોમેસ્ટિક વાયોલન્સ વિશે જાગૃતિ ફેલાઈ છે પરંતુ, જાતીય શોષણના મુદ્દા પર પૂરતું ધ્યાન અપાયું નથી. જે પ્રોફાઈલ્સ પર નજર રખાઈ તેમાં ૧૮-૨૫ વયજૂથની સ્ત્રીઓની સંખ્યા વધુ હતી. આ સ્ત્રીઓ પાસે અનાજપાણી ખરીદવા, અન્યત્ર રહેવા કે બાળકોનાં નિભાવ માટે સેક્સના વેચાણ કે એક્સચેન્જ સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હોવાનું લાગતું હતું. જે સ્ત્રીઓ ઓનલાઈન સાઈટ્સ પર આધાર રાખતી થઈ તેમના માટે જાતીય શોષણ અથવા અન્ય હાનિનું જોખમ પણ ભારે રહેવાની શક્યતા વધુ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter