લંડનઃ કિંગ્સટન ક્રાઉન કોર્ટે મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી નાણા પડાવનારા ૩૨ વર્ષીય ‘રોમાન્સ ફ્રોડસ્ટર’ ગુજરાતી કેયુર વ્યાસને છ વર્ષ અને એક મહિનાની જેલની સજા ફરમાવી છે. ઈસ્ટ લંડનનો કેયુર વ્યાસ મહિલાઓ સાથે ઓનલાઇન મિત્રતા કેળવી તેમને ફસાવી માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓમાં નાણા રોકવા લલચાવતો હતો. તેણે આ રીતે છ મહિલા સાથે કુલ ૮૦૮,૯૪૨ પાઉન્ડની છેતરપીંડી કરી હતી. તેણે ખોટી રજૂઆતો દ્વારા છેતરપીંડીના ચાર ગુનાની કબૂલાત માર્ચ મહિનામાં કરી હતી. ઇસ્ટ લંડનના કેયુર વ્યાસની ઠગાઈની પ્રવૃત્તિઓની સ્કોટલેન્ડ યાર્ડે ચાર વર્ષ સુધી તપાસ કર્યા પછી કોર્ટે પહેલી મે, બુધવારે સજા સંભળાવી હતી.
નોકરી માટે રીક્રૂટમેન્ટ એજન્ટ કેયુર મહિલાઓને મૈત્રીસંબંધ બાંધવાના બહાના હેઠળ ઓનલાઇન મિત્ર બનાવતો અને તેમની સાથે ડિનર અને શરાબની મેહફિલ માણતો હતો. મહિલાઓનો વિશ્વાસ સંપાદન કરી તેમને અસ્તિત્વમાં ન હોય તેવી અને ભારે વળતર આપતી કંપનીઓમાં નાણાનું માતબર રોકાણ કરવા લલચાવતો હતો.
મેટ્રોપોલીટન પોલીસના સેન્ટ્રલ સ્પેશિયાલિસ્ટ કમાન્ડના ડિટેક્ટિવ કોન્સ્ટેબલ એન્ડી ચેપમેને જણાવ્યું હતું કે ‘વ્યાસે ઠગાઈ માટે જૂની અને જાણીતી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તેણે મેળવેલા વિશ્વાસનો ઉપયોગ અસ્તિત્વ ન ધરાવતી કંપનીઓમાં નાણા રોકાવવા માટે કર્યો હતો. તે વિચિત્ર શરતો સાથેનો બનાવટી કરાર તૈયાર કરાવતો હતો. તેનો મુખ્ય હેતુ તો મૈત્રીસંબંધોનો ફાયદો નાણા એકઠાં કરવાનો જ હતો. વ્યાસ સ્વાર્થીઅને ક્રૂર દિમાગનો છે. તે શિકાર બનાવેલી મહિલાઓની લાગણીઓ સાથે રમત રમતો અને ઠગાઈ કરતો હતો.’
મેટ્રોપોલીટન પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે એણે છ અલગ અલગ મહિલાઓને છેતરી હતી અને
છેતરપીંડી દ્વારા એણે લગભગ આઠ લાખ પાઉન્ડ એકત્ર કર્યા હતા. પોલીસે ઓકટોબર ૨૦૧૪માં વ્યાસની પ્રવૃત્તિઓની તપાસ આરંભી હતી. તેમને જણાયું હતું કે વ્યાસ ૨૦૧૪-૨૦૧૭ના ગાળામાં રીક્રૂટમેન્ટ એજન્ટ હતો અને ખોટાં બહાનાઓ હેઠળ સંબંધ કેળવી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. તે પોતાને ફાઇનાન્સના ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાવતો હતો. તે પોતાના શિકારનો વિશ્વાસ હાંસલ કરવા ધર્મ તેમજ પરિવાર બનાવવાની ઈચ્છા વિશે વાતો કરતો હતો. વિશ્વાસ મેળવી લીધા પછી ઊંચા વળતર આપતા વિવિધ બિઝનેસીસમાં રોકાણ કરવાનું પ્રોત્સાહન આપતો હતો. જોકે, આવા બિઝનેસીસ કે કંપનીઓ હતી જ નહિ. મેળવેલા નાણા તે જુગાર ખેલવામાં વાપરતો હતો. તે મિત્ર મહિલાઓને પોલીસમાં જવા સામે ચેતવણી આપતો તે તેઓ તમામ નાણા ગુમાવશે. અપેક્ષા મુજબ નાણા નહિ મળતાં મહિલાઓએ પોલીસ સમક્ષ પોતાની ચિંતા દર્શાવી હતી.


