લંડનઃ પોતાની ૨૦ મહિનાની બાળકી આશિયાહને બ્રાઈટનના ફ્લેટમાં તાવ અને ભૂખમાં તરફડતી મૂકી છ દિવસ સૂધી નાઈટ ક્લ્બ્સના ડાન્સફ્લોર પર બોયફ્રેન્ડ સાથે ૧૮મા જન્મદિનની પાર્ટીઓ મનાવતી રહેલી ૧૯ વર્ષીય ટીનેજર વેરફી કુડીને લેવેસ ક્રાઉન કોર્ટે ૬ ઓગસ્ટ શુક્રવારે નવ વર્ષની જેલની સજા ફરમાવી હતી. કુડીએ વેસ્ટ મિડલેન્ડ્સના કોવેન્ટ્રી, સૌલિહલ અને લંડન સહિતના સ્થળોએ પાર્ટી મનાવી હોવાનું CCTV ફૂટેજમાં જોવાં મળ્યું હતું.
હાલ ૧૯ વર્ષની વેરફી કુડીએ માનવવધના ગુનાની કબૂલાત કરી હતી. કુડી ૧૯૯૦ના દાયકાના એલિફન્ટ એન્ડ કેસલ મ્યુઝિક કોન્સર્ટમાં મન મૂકીને નાચી હતી અને ત્યાંના DJએ તેના જન્મદિનની જાહેરાત પણ કરી હતી. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે કુડી ૨૦૧૯ની પ ડિસેમ્બરે પોતાની ૨૦ મહિનાની દીકરી આશિયાહને ઘરમાં એકલી મૂકીને બ્રાઈટનના ફ્લેટથી ૫૦ માઈલથી વધુના અંતરે નાચગાન માટે નીકળી પડી હતી. ૯ ડિસેમ્બરે તે કોવેન્ટ્રીમાં પહોંચી હતી અને બીજા દિવસે લંડન અને ત્યાંથી સસેક્સ થઈ ૧૧ ડિસેમ્બરે ઘેર પાછી ફરી હતી. આ સમયગાળામાં આશિયાહ ઈન્ફ્લુએન્ઝા અને ભૂખતરસથી મોતને શરણ થઈ હતી. દીકરીના જીવનના આખરી દિવસોની વાત વિગતે કોર્ટમાં જણાવાઈ તેને કુડી નતમસ્તક થઈને સાંભળી રહી હતી.
કુડી ડિસેમ્બર ૧૧, ૨૦૧૯ના દિવસે ઘેર પાછી ફર્યા પછી પેરામેડિક્સને બોલાવાયા હતા. આ સમયે તેની દીકરી જમીન પર હતી અને કુડી વિચારોમાં ખોવાયેલી અને શોકાતુર જણાતી હતી. પ્રોસીક્યુટર સોલી હોવેસ QCએ જણાવ્યું હતું કે કુડીના ઘરને આવરી લેતા CCTV ફૂટેજમાં આશિયાહ પાંચ દિવસ, ૨૧ કલાક અને ૫૮ મિનિટ ફ્લેટમાં એકલી જ હોવાનું જણાયું હતું. સસેક્સ પોલીસ દ્વારા જારી આશિયાહ અને વેરફીના પરિવારના નિવેદનમાં જણાવાયું હતું કે તેઓ આ સ્થિતિથી ઘણા દુઃખી છે અને પરિવાર તરીકે ઘણા પ્રશ્નો છે જેનો ઉત્તર નથી.