લંડનઃ મેન્સ સ્ટાઈલ મેગેઝિન GQ ના કવરપેજ પર ચમકેલા પ્રિન્સ વિલિયમે માતા પ્રિન્સેસ ડાયેનાના મૃત્યુને સ્વીકારતા તેમને ૨૦ વર્ષ લાગ્યા હોવાની વ્યથાપૂર્ણ કબૂલાત કરી છે. તેમણે કહ્યું હતું કે મારી પત્ની કેટ અને બાળકો સાથે તેમની મુલાકાત ન થવાનો મને ભારે અફસોસ છે. પોતાના પારિવારિક જીવન વિશે તેમણે કહ્યું હતું કે બાળકો સામાન્ય જિંદગી જીવે અને જ્યોર્જ વાસ્તવિક વાતાવરણમાં ઉછરે તે માટે તેઓ સંઘર્ષ કરશે.
પ્રિન્સ વિલિયમ ૧૫ વર્ષના હતા ત્યારે ૧૯૯૭માં પેરિસ કાર અકસ્માતમાં પ્રિન્સેસ ડાયેનાનું મૃત્યુ થયું હતું. બે સંતાન-જ્યોર્જ અને શાર્લોટના ૩૪ વર્ષીય પિતા વિલિયમે કહ્યું હતું કે અન્ય લોકો કરતા તેમનું દુઃખ અલગ હતું કારણકે સમય અતિ નાજૂક હતો,અન્યોને તો સ્ટોરીની જાણ હતી, બધાં તેમને ઓળખતા હતા.મને તેમની સલાહની જરૂર હતી. તેઓ કેથેરિનને મળ્યાં હોત અને બાળકોને ઉછરતાં જોયાં હોત તો મને ઘણું ગમત. હું ઉદાસ રહું છું કે તેઓ જોઈ નહિ શકે અને બાળકો કદી તેમને જાણી નહિ શકે. લોકો માને છે કે શોક-આઘાત આટલો લાંબો ટકે નહિ પરંતુ, તમારા જીવનની આ મોટી ઘટના તમને કદી છોડતી નથી.’
પોતાના ગાઢ પરિવાર વિશે ડ્યૂક ઓફ કેમ્બ્રિજે જણાવ્યું હતું કે,‘પરિવારની સ્થિરતા વિના તો હું મારું કામ કરી શકું જ નહિ. ઘરની સ્થિરતા મારા માટે મહત્ત્વની છે. હું મારા બાળકોને ખુશી, સ્થિરતા અને સુરક્ષિત વિશ્વમાં ઉછરતાં જોવા માગું છું અને પેરન્ટ્સ તરીકે અમારા બન્ને માટે આ ઘણું મહત્ત્વનું છે.’
અગાઉ, પ્રિન્સ હેરીએ પણ માતાના મોત પછી તેમના જીવનમાં સંપૂર્ણપણે અરાજકતા વ્યાપી ગઈ હોવાનું અન્ય ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. પ્રિન્સ હેરીને માતાના મૃત્યુ પછી તમામ લાગણીઓ બાંધી રાખવાના બદલે કાઉન્સેલરની મદદ લેવા પ્રિન્સ વિલિયમે સલાહ આપી હતી.


