જ્યારે મારી જન્મદાત્રી મા મૃદુલાએ આ સંસારમાંથી 3 જૂન 2024 ના રોજ આખરી વિદાય લીધી ત્યારે પુત્રીઓ તરીકે અમે ત્રણ બહેનોના કોમળ હૃદય ઉપર કેવો કુઠારાઘાત થયો હતો તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. એક દીકરી તરીકે અને બે સંતાનોની માતા તરીકે મેં શું ગુમાવ્યું તે સમજવું અને સમજાવવું ખૂબ અઘરું છે. તેમાં પણ નોંધારા થયેલા અમારા પિતાને અમને - ત્રણેય દીકરીઓને - પડેલી માની ખોટ પૂરવા વ્યર્થ વલખાં મારતા જોઇને અમારા સંતાપમાં વધારો થવો સ્વાભાવિક હતો.
મારા માતાને ગુમાવવાની વ્યથા મનમાં સમાવવાની હું કોશિશ કરતી હતી તેમાં માતાના મૃત્યુના ત્રીજા વર્ષે તેમને શ્રાદ્ધમાં પ્રવેશ કરાવવાનો સમય આવ્યો. મારા પિતા રાજેન્દ્રભાઇ કે જેમને મારા માતા રોહિતના પ્રેમાળ નામે બોલાવતા હતા તેમનો ફોન આવ્યો. મારા અખબારી જગતના વ્યવસાયની વ્યસ્તતા અને સામે જ આવી રહેલાં દિવાળી પર્વને ધ્યાને લઇને મને ભારે હૈયે ફક્ત એટલું જ જણાવ્યું કે જો અનુકૂળતા હોય તો માતાને શ્રાદ્ધમાં પ્રવેશ કરાવવાની વિધિ વેળા હાજરી આપવા થોડાક દિવસ પાલનપુર આવી જા. અને મેં પળનોય વિચાર કર્યા વગર વતન પહોંચવાનું નક્કી કર્યું. છઠ્ઠી ઓક્ટોબર - અગિયારસના મારાં દિવંગત
માતાની શ્રાદ્ધ પ્રવેશની વિધિમાં હાજરી આપવા - મારા પતિ નિલેશ, પુત્ર યક્ષ અને નાની પુત્રી આર્યાનાને અહીં એકલાં મૂકીને પહેલી જ ફ્લાઇટમાં પાલનપુર મારા પિતા અને બંને બહેનો પાસે પહોંચી ગઈ.
લાંબા સમય પછી અમે ત્રણેય બહેનો પૂર્વી - કાજલ અને હું એકસાથે પિતાના ઘરે એકત્ર થઇ હતી. અને ઘરમાં જાણે ચેતનાનો સંચાર થયો હતો. અમને પ્રેમાળ જીવનસંગિનીનો ઝુરાપો ભોગવતાં ભોગવતાં સૂકાભઠ વૃક્ષ જેવાં થઇ ગયેલાં મારા પિતામાં જાણે લાગણીની નવી કૂંપણો ફૂટી હતી. ત્રણેય સંતાનો અને પિતા... અમે બધાં જ હતાં પરંતુ જેમનો ‘પ્રસંગ’ હતો તે મારી મા મૃદુલા ક્યાં હતી? પરધામગમન કરી ગયેલી વ્યક્તિને શ્રાદ્ધમાં પ્રવેશ આપવો એટલે આ લોકમાંથી પરલોકમાં પ્રવેશ કરાવવો.
વિદ્વાન બ્રાહ્મણ શાસ્ત્રોક્ત વિધિવિધાનપૂર્વક પૂર્ણ શ્રદ્ધા સાથે તર્પણ કરાવે છે અને સમગ્ર જીવનકાળ દરમિયાન અમને નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પિત ભાવે ઉછેરનાર દિવંગત માતાના આત્માને પરલોકમાં પિતૃ પક્ષમાં સમાવાય છે. મારી માતાના લગ્ન બાદ તેમનો સમાવેશ તેમના પતિ એટલે કે મારા પિતાના ગોત્રમાં થયો હતો, પરંતુ નિધન થયા બાદ મારી માતાનો તેના પિતાના મૂળ ગોત્રમાં પુનઃ પ્રવેશ થયો. જનોઈ ધારણ કરનાર વ્યક્તિની જનોઈ આમ તો ડાબા ખભે એટલે કે સવ્ય હોય છે, પરંતુ પિતૃકાર્ય વેળા જનોઈ અપસવ્ય એટલે કે જમણા ખભે ધારણ કરવાની હોય છે.
મારા માતાની તર્પણ વિધિ વેળા માતા ઉપરાંત તેમના પિયર પક્ષના દિવંગત આત્માઓના પિંડોનું પણ તર્પણ કરવામાં આવ્યું. અમારા કુટુંબીજનોની હાજરીમાં ખૂબ જ શ્રદ્ધાભેર માતાના શ્રાદ્ધપ્રવેશની વિધિ સંપન્ન કરવામાં આવી. ત્યાર બાદ કુટુંબીજનો, સગાંસ્વજનો અને સ્નેહીજનો માટે સુખાર ભોજનનું આયોજન કરવામાં આવ્યું. અગિયારસની તિથિ હોવાથી ઉપવાસીઓ માટે ફરાળી ભોજનની અલગ વ્યવસ્થા હતી. ખૂબ જ ભારે હૈયે અમે સર્વે કુટુંબીજનોએ અમારી માતા નિમિત્તનો છેલ્લો ગણાય તેવો પ્રસંગ પૂર્ણ કર્યો. આધુનિક સમાજમાં આપણે વેલેન્ટાઈન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે ઉજવીએ છીએ, પણ ક્યારેક એવું લાગે છે કે લોકો આવા વિધિવિધાન ભૂલી રહ્યાં છે. હકીકત તો એ છે કે પૂર્વજોએ આપણા માટે જે સમર્પણ કર્યું છે તેમના પ્રત્યે આભાર દર્શાવવા જ આપણી સનાતન સંસ્કૃતિમાં શ્રાદ્ધ સ્વરૂપે તર્પણનું વિધાન કરાયું છે. સાથે સાથે જ, આ નિમિત્તે કાગડા, સમડી, ગાય અને કૂતરાંઓને ખાવાનું આપી સર્વ જીવો પ્રત્યે કરુણાભાવ દર્શાવવામાં આવે છે તો પર્યાવરણલક્ષી અભિગમ પણ સાચવવામાં આવે છે.
મારાં મોટાં બહેન પૂર્વી તો પાલનપુરમાં જ વસે છે જ્યારે સંતાનો સાથે ડેનમાર્કથી આવેલી વચેટ બહેન કાજલ રોકાવાની હતી, પરંતુ મારી સ્થિતિ સાવ જ અલગ હતી. માતૃભક્તિ બાદ સમય હતો કુટુંબભક્તિનો અને કર્મયોગનો... મારા પતિ નિલેશ, પુત્ર યક્ષ અને નાની દીકરી આર્યાના લંડનમાં એકલા હતાં તો મારા વ્યવસાય ક્ષેત્ર ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ પ્રત્યેનો કર્મયોગ કેમનો ભૂલાય?! માતા ભલે આજે સદેહે હાજર ન હોય, પરંતુ તેમણે બાળપણથી શીખવેલી એક વાત આજે પણ દિલમાં ધબકે છે - ‘જે કંઇ પણ કરો સમર્પિત ભાવે કરો...’ સ્થાનિક કામકાજ ઝટપટ સમેટીને પવનવેગે લંડન પરત પહોંચીને કર્મયોગ શરૂ કરી દીધો છે. વાયુયાન (વિમાન)માં આવીએ એટલે પવનવેગે જ કહેવાયને?
હું લંડન પહોંચી ગઈ છું, બહેન કાજલ પણ ટૂંકા રોકાણ બાદ ડેનમાર્ક પહોંચી જશે અને મોટી બહેન પૂર્વી પોતાના રોજિંદા જીવનની ઘટમાળમાં પરોવાઈ જશે. અને મારા પિતા અગાઉની જેમ જીવનસંગિની મુદુલાના સ્મરણોની સંગાથે જીવવાનું શરૂ કરી દેશે. આ સાથે મારા સાહિત્યસર્જક પિતાની કલમે રચાયેલી અને એકલવાયા પુરુષની વ્યથાને વાચા આપતી પ્રાસંગિક રચના સાથે વિરમું છું.
•
જીવનનું ગણિત ભારે અટપટું!
આ દુનિયામાં આવ્યો હું એકલો, એટલે હું થયો એકડે એક.
જીવનમાં આવી પત્ની, તો પણ રહ્યા એકના એક.
પછી આવી ત્રણ પુત્રીઓ, અમે થઈ ગયા પાંચડે પાંચ.
પુત્રીઓ ગઇ સાસર વાસે, અમે પાછા થઇ ગયા એક.
એમાંથી પણ પત્ની ચાલી ગઇ, એટલે જીવનમાં બાકી રહે શું?
તે હોય તો અમે એક, ના હોય તો હું હોઉ જ શાનો?
તેના જતાં અમારો એકડો મટી ગયો, રોહિત, તો થઇ ગયો ‘શૂન્ય’!
ત્યારે મને સમજાઈ ગયું, કે જીવનનું ગણિત ભારે અટપટું.
જીવનનું ગણિત ભારે અટપટું.
•••


