માત્ર £૭,૦૦૦માં માઈગ્રન્ટને યુકેમાં ઘૂસણખોરી કરાવતો સ્મગલર ફારુક

Wednesday 02nd October 2019 03:58 EDT
 
 

લંડનઃ ફ્રાન્સ અને બ્રિટન વચ્ચેની ઈંગ્લિશ ચેનલમાં થઈ યુકેમાં ઘૂસતા માઈગ્રન્ટ્સ પકડાવાના સમાચારો વધી રહ્યાં છે. માણસોની હેરાફેરી કરતી અને માત્ર ‘ફારુક’ નામથી ઓળખાતી એક વ્યક્તિનો દાવો છે કે તેણે સંખ્યાબંધ માઈગ્રન્ટ્સને ઈંગ્લિશ ચેનલમાં થઈ યુકેમાં ઘૂસાડ્યા છે. આ માટે તે શરણાર્થીદીઠ ૭,૦૦૦ પાઉન્ડની વસૂલાત કરે છે. અગાઉ, આ ભાવ ૩૦૦૦થી ૪૦૦૦ પાઉન્ડનો હતો પરંતુ, બ્રેક્ઝિટ મર્યાદા નજીક આવવા સાથે કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માઈગ્રન્ટ્સને યુકેમાં ઘૂસાડવા સંખ્યાબંધ એજન્ટ્સ કામે લાગેલા છે.

માઈગ્રન્ટ્સની ઘૂસણખોરી કરાવનારાઓ નોર્ધર્ન ફ્રાન્સના કાંઠા પર કાર્યરત છે જ્યાં ૨,૦૦૦ રેફ્યુજીઓ તંબુઓમાં રહે છે. LBC રેડિયોના અન્ડરકવર ઓપરેશનમાં એક ભારતીયના સ્વાંગમાં એજન્ટે નોર્ધર્ન ફ્રાન્સના રેફ્યુજી કેમ્પના તંબુમાં ‘ફારુક’ સાથે મુલાકાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘તમારા માટે હું એક વ્યક્તિને ૭૦૦૦ પાઉન્ડમાં બોટ થકી લઈ જઈશ.’ ઘૂસણખોરને જંગલોમાં કાચા કેમ્પમાં લઈ જવાય છે અને કુર્દીશ સ્મગલરો સાથે ચેનલ પાર કરાવવાની બધી તૈયારી ન થાય ત્યાં સુધી તેને ખુલ્લામાં સૂઈ રહેવું પડે છે. બ્રિટિશ વિસ્તાર તરફ બોટ હંકાર્યા પછી યુકે જળસીમામાં ન પ્રવેશાય ત્યાં સુધી તેમને અટકાવાનું હોતું નથી. બે કલાકમાં જ બ્રિટિશ સીમામાં પહોંચ્યા પછી તેમને બચાવી અટકાયત કરી લેવાય છે. ડંફાશ હાંકતો ‘ફારુક’ કહે છે તેની બોટ્સમાં શરણાર્થી માઈગ્રન્ટ્સને બ્રિટિશ જળસીમામાં લઈ જવાય છે જ્યાં પોલીસ તેમને પકડી લે છે, ૨૪ કલાક સુધી અટકાયતમાં રાખે છે અને તે પછી હોટલોમાં ખસેડે છે, જ્યાંથી તેઓ નાસી જાય છે. આ પછી કોઈ સમસ્યા રહેતી નથી.

દરરોજ રાત્રે કેટલાને બ્રિટિશ સીમામાં મોકલાય છે તેના જવાબમાં ‘ફારુક’ કહે છે કે રોજ રાત્રે ૩૦થી ૫૦ વચ્ચે માઈગ્રન્ટ્સ મોકલાય છે કદી ૨૦-૨૫ પણ હોય છે. પોતે કદી પકડાયો ન હોવાનું કહેતો ‘ફારુક’ એમ પણ કહે છે કે તેની બોટ્સ કેલે અથવા ડન્કર્કથી બ્રિટન તરફ જતી હોય ત્યારે ફ્રેન્ચ પોલીસ તેના તરફ નજર પણ નાખતી નથી. ફ્રેન્ચ પોલીસ પોતાના આ બિઝનેસ તરફ આંખ આડા કાન કરતી હોવાનું કહેતા તે ઉમેરે છે કે ‘તેઓ મદદરુપ રહે છે. કોઈ જેલ નહિ, ધરપકડ નહિ, કશું જ નહિ. જો બોર્ડર પોલીસ સમુદ્રમાં પેટ્રોલિંગ કરતી હોય ત્યારે કાંઠે પાછા જવાની ચેતવણી પણ ફ્રેન્ચ પોલીસ આપે છે.’

ચેનલ પાર કરાવવાની ફી મોટા ભાગે યુકેમાં લેવાય છે. પહેલા ‘ફારુક’ ૫૦૦-૧૦૦૦ પાઉન્ડની ડિપોઝીટ લે છે અને તેના બેન્કખાતા યુકે, ફ્રાન્સ અને પાકિસ્તાનમાં છે. સલામત ક્રોસિંગ માટે ડિપોઝીટ ચુકવવા અંડરકવર ટીમને વેસ્ટ લંડનના રેસ્ટોરાં અને ઓફ લાઈસન્સ તેમજ બર્મિંગહામના ન્યૂઝએજન્ટ એમ ત્રણ સરનામાં અપાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter