લંડનઃ ગ્લાસગોનાપેનિલીની૧૯ વર્ષીય માતા કોર્ટની ન્યૂલેન્ડ્સનો મૃતદેહ મૃત્યુના બે દિવસ બાદ પોલીસને તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તેની સાથે તેનો ડિહાઈડ્રેશનથી પીડાતો પાંચ મહિનાનો પુત્ર ડેક્લાન જુનિયર પણ હતો. પોલીસે તેને સારવાર માટે તાકીદે હોસ્પિટલ ખસેડ્યો હતો. બે દિવસની સારવાર બાદ ડેક્લાન સાજો થઈ જતાં તેને ઘરે લવાયો હતો અને કોર્ટનીની બહેન લોરેન તેની સંભાળ રાખી રહી છે.
મિસ ન્યૂલેન્ડ્સ તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ ડેક્લાન સાથે પેનિલી ફ્લેટમાં રહેવાં આવી હતી. જોકે, તેના મોતના એક સપ્તાહ પહેલા જ તેઓ અલગ પડી ગયાં હતાં. કોર્ટની દરરોજ ફેસબુક પર તેના પુત્રના ફોટા પોસ્ટ કરતી હતી. પરંતુ, બે દિવસથી તેણે ફોટા શેર કર્યા ન હતા અને વાતચીત પણ કરી ન હતી તેથી તેની માતા લોરેન અને ૨૩ વર્ષીય બહેન લોરેનને ચિંતા થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
કોર્ટની ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતી હતી અને તે કોઈ આડઅસરનો ભોગ બની હશે તેવું મનાય છે. પરંતુ, ડોક્ટરો તેના મૃત્યુનું ચોક્કસ કારણ શોધી શકયા નથી. તેનું મૃત્યુ ૧૯ અને ૨૦ ફેબ્રુઆરી વચ્ચે થયું હોવાનું મનાય છે.


