લંડનઃ NHSના ડોક્ટર કરન રાજને સમજાવ્યું છે કે કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે વાસ્તવમાં શું પ્રક્રિયા થાય છે અને આપણી માન્યતાથી આ તદ્દન વિરોધાભાસી છે. આપણે માનીએ છીએ કે શરીરને અગ્નિદાહ આપવાથી તેની રાખ બની જાય છે પરંતુ, ડો. રાજનનું કહેવું છે કે આ રાખ તો ખરેખર કચડાયેલા હાડકાના રજકણો જ છે.
ડોક્ટર કરન રાજનના TikTok પેજ પર મૂકાયેલો નવો વીડિયો અંતિમસંસ્કાર પછી મળતી રાખ-ભસ્મ શેની બનેલી હોય છે તે સહિત કેટલાક મેડિકલ મિથ્સ-દંતકથાઓનો છેદ ઉડાવે છે. ટિકટોક પર @dr.karanrના નામથી પોસ્ટ મૂકતા ડો. રાજનને સાચી ન હોય તેવી કેટલીક તબીબી કાલ્પનિક વાતો જણાવવા કહેવાયું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે,‘જ્યારે કોઈને અગ્નિદાહ અપાય છે ત્યારે તમે માનો છો તેમ થતું નથી. તમે લાકડાને બાળો તે રીતે માનવીનું શરીર રાખમાં ફેરવાતું નથી. તમને ખરેખર તો હાડકાના સૂકાઈ ગયેલા અવશેષ જ મળે છે. હાડકાના આ ટુકડા-અવશેષ ક્રેમ્યુલેટર નામના મશીનમાં મૂકાય છે અને દળી નાખવામાં આવે છે. હાઈ સ્પીડ બ્લેન્ડરની પ્રોસેસથી હાડકા રાખ જેવાં દેખાય છે.’
ડો રાજનનો વીડિયો ૬૯૮,૦૦૦થી વધુ વખત જોવાયો છે અને ૬૪,૦૦૦થી વધુ લાઈક્સ અને વિવિધ પ્રતિભાવો મળ્યાં છે. ડો. રાજનના ટિકટોક પેજ પરના અન્ય એક વીડિયોમાં તેમણે કેનેડા અને યુએસ વચ્ચે સાલિશ સીના કિનારાઓ પર મળી આવેલા કપાયેલા પગના બિહામણા રહસ્યને ઉજાગર કરતી થીઅરી આપી છે. ૨૦૦૭ની ૨૦ ઓગસ્ટ પછી એક સમયે શરીરો સાથે જોડાયેલા હોય તેવા ૨૧ કપાયેલા પગ તણાઈને કિનારાઓ પર આવ્યા છે.