માન્ચેસ્ટર હુમલા સંદર્ભે ૧૭મી ધરપકડ, છને મુક્ત કરાયા

Saturday 03rd June 2017 07:51 EDT
 

માન્ચેસ્ટરઃ સુસાઈડ બોમ્બર સલમાન આબેદી દ્વારા કરાયેલા ત્રાસવાદી હુમલા પછી ત્રાસવાદની પ્રવૃત્તિઓ સંદર્ભે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે ત્રીજી જૂને શહેરના રશોલ્મ વિસ્તારમાંથી શંકાના આધારે ૨૪ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. હુમલાની તપાસમાં આ સાથે કુલ ૧૭ વ્યક્તિની ધરપકડ થઈ હતી, જેમાંથી છ વ્યક્તિને કોઈ ચાર્જ લગાવ્યા વિના મુક્ત કરી દેવાઈ છે. ૧૧ શકમંદો પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે હુમલા સાથે સંકળાયેલી નિસાન માઈક્રા કાર મળી આવ્યાનો પણ દાવો કર્યો છે, જેની તપાસ માટે દુકાનો, ઘર તેમજ સ્ટુડન્ટ્સ હોલ ખાલી દેવાયાં હતાં.

ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમે બોંબહુમલાને ઝડપી પ્રતિસાદ આપનારા પોલીસ અધિકારીઓને મળવા ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ વડા મથકની મુલાકાત લીધી હતી. બીજી તરફ, પોલીસે રશોલ્મ ખાતે ડેવેલ હાઉસ બ્લોક નજીક પાર્ક કરાયેલી નિસાન માઈક્રા કારને કોર્ડન કરી હતી. તેમાં કોઈ વિસ્ફોટકો રખાયા હોવાની શંકાએ લોકોને આસપાસથી દૂર કરાયાં હતાં. પોલીસે આ કારની અવરજવર વિશે માહિતી આપવા લોકોને અનુરોધ પણ કર્યો છે.

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે વધુ એક ધરપકડ સાથે ૧૮-૪૪ વયજૂથની ૧૧ વ્યક્તિને કસ્ટડીમાં રખાઈ છે, જ્યારે ૧૫ વર્ષના તરુણ, ૩૪ વર્ષીય મહિલા અને ચાર પુરુષને પૂછપરછ પછી કોઈ ચાર્જ વિના મુક્ત કરાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter