માન્ચેસ્ટરમાં મહાત્મા ગાંધીની નવ ફૂટ ઉંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

Wednesday 27th November 2019 05:07 EST
 
 

૨૫ નવેમ્બરને સોમવારે ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે માન્ચેસ્ટરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલના વડા સર રિચાર્ડ લીઝ, બિશપ ઓફ માન્ચેસ્ટર ડો. ડેવિડ વોકર અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) ના સ્થાપક ગુરુદેવશ્રી રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર વિશ્વમાં અહિંસાનો સંદેશ ફેલાવનાર તરીકે પ્રશંસા મેળવનારા ગાંધીજી હંમેશા શ્રીમદજીના ઉપદેશોના ઋણી રહેશે. આમ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષમાં આ પહેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા હાથ ધરાઈ હતી.

ભારતના જાણીતા શિલ્પકાર રામ વી સુથાર દ્વારા તૈયાર કરાયેલી આ પ્રતિમા શહેરના મીડિએવલ ક્વાર્ટરમાં સ્થપાઈ છે જે ૯ ફૂટ ઉંચી અને ૮૦૦ કિલોગ્રામ વજનની છે. કામાણી પરિવારે તેમના દાદા ભાણજી ખાનજી કામાણીની સ્મૃતિમાં આ પ્રતિમા સ્પોન્સર કરી છે. આ પ્રોજેક્ટને માન્ચેસ્ટર કેથેડ્રલ, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ, માન્ચેસ્ટરઈન્ડિયા પાર્ટનરશીપ અને ભારતીય હાઈ કમિશનનો સહયોગ પ્રાપ્ત થયેલો છે. પૂ. ગાંધીજીની આ પ્રતિમા ભારત બહાર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાઓ પૈકી એક હશે.

SRMD યુકેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માન્ચેસ્ટરમાં આવેલી ગાંધીજીની આ પ્રતિમા આપણું રાજકારણ અને લોકશાહીનું હાર્દ આ ગુણોમાંથી પ્રેરણા લઈ શકે એ બાબત સુનિશ્ચિત કરશે.

માન્ચેસ્ટર સિટી કાઉન્સિલના વડા સર રિચાર્ડ લીઝે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધના પ્રણેતા મહાત્મા ગાંધીની આ પ્રતિમાનું માન્ચેસ્ટરમાં સ્વાગત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter