ગયા શુક્રવારે (૨૨ ઓગષ્ટ)ના રોજ ગુજરાત સમાચાર, એશિયન વોઇસના ઉપક્રમે ગુજરાતનાં સ્વરકિન્નરી માયા દીપકના સ્વરસંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હેરોના "સંગત" એડવાઇઝ સેન્ટરમાં સાંજના ૬.૦૦થી રાતના ૧૦ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ૮૦થી વધુ સંગીતપ્રેમીઓએ ગુજરાતી અને હિન્દી ફિલ્મ ગીતોનો આનંદ માણ્યો હતો. ટૂંકા સમય માટે લંડન પધારેલા માયા દીપક અને શશી રાણાએ એક પછી એક બોલીવુડના જૂના ગોલ્ડન ગીતો રજૂ કરતાં સૌ શ્રોતાજનો ઝુમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં સી.બી. પટેલ પરિવારનાં લંડન સહિત અમેરિકાથી પધારેલા ખાસ સગાંસ્નેહીજનો જયશ્રીબહેન, રાજેન્દ્રકુમાર, કોકિલાબહેન, પ્રજ્ઞાબહેન, કલ્પનાબહેન, સુભાષભાઇ, વંદનાબેન, પ્રવિણાબહેન પટેલે માયા દીપક અને શશી રાણાના કંઠે રજૂ થયેલ ફિલ્મ ગીતોનો આનંદ માણ્યો હતો.
લંડનમાં માયા દીપકના સુરીલા કંઠને અનેકવાર સાંભળનાર ગુજરાતીઓમાં દેવી પારેખ, પુષ્પાબહેન રાજા, જ્યોતિબહેન શાહ, ટીલુ પટેલ, સુરેન્દ્રભાઇ પટેલ તથા ભાવિનીબહેન પટેલ, જીતુભાઇ પટેલ, વિમલજીભાઇ ઓડેદરા, ધનુબહેન કારા, રૂપા વિરાણી, જયોતિબહેન શાહ, સરોજબહેન વડગામા, કિશોરભાઇ વડગામા, અનિલાબહેન શાહ, ભાનુબહેન નાગડા, ડો. પ્રવિણ પટેલ સહિત અગ્રગણ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે એબીપીએલ ગ્રૂપના યુકે ઓપરેશન્સ હેડ યુક ઓપરેશ્નલ મેનેજર પૂજા રાવલના હસ્તે માયા દીપકનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. એ જ રીતે કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રીકૃષ્ણ ભક્ત અને શ્રીનાથજીના પુષ્ટીમાર્ગીય ભજનો-પદો માટે ખ્યાતનામ પરમ વૈષ્ણવ પ્રવિણાબહેન પટેલનું અમેરિકા સ્થિત એમના ભાભી જયશ્રીબેન, વંદનાબહેન તથા વાસંતીબહેન દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. ટૂંકા સમયમાં કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ તેમજ "શાયોના"નું સ્વાદિષ્ટ ભોજન સૌને પ્રેમથી પીરસવા બદલ ગુજરાત સમાચારના તંત્રીશ્રી સી.બી. પટેલે પૂજા રાવલ અને તેમની ટીમની સરાહના કરી હતી. સાથે સાથે કાર્યક્રમને વિના વિધ્ને પાર પાડવામાં સહકાર આપનાર "સંગત" એડવાઇઝ સેન્ટરના કાન્તિ નાગડા, ભાનુબેન નાગડા તથા અનિલાબહેન શાહનો સી.બી. પટેલે સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં રફી, મુકેશના સ્વરે સુંદર ફિલ્મગીતો રજૂ કરનાર શશી રાણા, તબલાવાદક સુનીત ચંદારાણા, વિનુભાઇ વડગામા, તબલાવાદક અતુલભાઇ, પરેશભાઇ સહિત સૌ સંગીતવાદકોનો આભાર માણ્યો હતો. (તસવીર સૌજન્યઃ રાજ બકરાણીઆ, PR MEDIA PIX )
•••
શ્રીજી ધામ હવેલીમાં ગાયિકા માયા દીપકના
સૂરિલા કંઠે ભજન-કીર્તન-ગરબાની રમઝટ
લેસ્ટરસ્થિત શ્રીજી ધામ હવેલી ખાતે ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં રાધાષ્ટમી ઉત્સવની ઉમંગભેર ઉજવણી થશે. આ પ્રસંગે તા. 30 ઓગસ્ટના રોજ (સાંજે 6.30 વાગ્યાથી) મહાદાન મનોરથ, મહારાજશ્રીનું પ્રવચન, ઠાકોરજી દર્શન-આરતી-મહાપ્રસાદ યોજાયા છે જ્યારે તા. 31 ઓગસ્ટના રોજ (સાંજે 4.30થી) પ્રવચન, ઠાકોરજીના દર્શન-આરતી-મહાપ્રસાદ તેમજ ભારતથી આવેલાં જાણીતા ગાયિકા માયાબેન દીપક અને ગાયક શશી રાણા તથા સંગીતવૃંદ દ્વારા ભજન-કીર્તન-રાસગરબા. સ્થળઃ 504 મેલ્ટન રોડ, લેસ્ટર - LE4 7SP વધુ માહિતી માટે સંપર્કઃ પ્રફુલ્લભાઇ ઠકરાર - 07711 737117