મારા જન્મદાતા ‘બા’ અને ‘બાપા’

મારા જીવનનો યાદગાર પ્રસંગ

મીનાક્ષી ચાંપાનેરી Wednesday 19th April 2023 05:52 EDT
 
 

બાપા બોલતાં ઓછું, પણ જોતાં ઘણું. આંખોના ઈશારાથી ખૂબ નચાવતા, એમને જોતાં જ શરીરમાં ધ્રુજારી આવતી. આડું-અવળું કહેવાઇ જાય તો હાથ લહેરાય. ધાક–ધમકીમાં બાળપણનો ઉછેર અમારો, પણ ભક્તિના ભાથાનો અખૂટ ભંડાર અમારો. સ્કૂલેથી આવતાવેંત સીધો પાણીના ગ્લાસની એમની તરસમાં વ્હાલનો દરિયો રહેતો. એ ગ્લાસની કિંમત એમના સ્વર્ગસ્થ થયા પછી સમજાઇ. હોળીના તહેવારના બીજા દિવસની સવારે, હોળીમાતાને ટાઢા પાડવા મળસ્કે ઊઠાડતા મારા બાપુ. દર અઠવાડિયે શનિવારની સવારે તો જાણે બ્રહ્માંડ ગાજી ઊઠે. આખું કુટુંબ ભેગા બેસીને હનુમાન ચાલીસા ગુણ ગાતાં. મારા બાપાનાં હાવભાવમાં ગાજી ઊઠતું અમારું મંદિરીયું.
દરરોજ દુકાનમાં કલાક સુધી હાથ બટાવતી, કામ કરાવતી હું મારા બાપુની લાડલી. ચાર આનાની ભેટ મળતી. શેરડી અને ભેળ ખાતાં અમે બેઉ. એ અમારી અમૂલ્ય ઘડી હતી. દિવાળીના અવસરે
ત્રણ જોડી કપડાં ને એક જોડ ચંપલ અપાવતાં મારા બાપા. એ દિવસ તો જાણે ખુશીનો પાર નહીં.
દેશ છોડતાં, પિયરનો ઉંબરો ઓળંગતાં, કઠણ હૃદયથી મારા બાપનો પોકાર કાને સંભળાય, મને પાણી પીવડાવવા વાળી હવે ચાલી જશે. આશીર્વાદ આપતાં, દીકરી તું સુખી રહે, પણ મારા છેલ્લા શ્વાસે પાણી પીવડાવજે તું. હા... બાપા! એમ રડતાં રડતાં પિયરનો સાથ છોડ્યો. જોકે સમય અને સંજોગોવશાત્ મારા બાપુની આખરી ઈચ્છા નિભાવી ન શકી.
નવ વર્ષ સુધી... મારી ‘બા’ એ જ પાણીનો ગ્લાસ બારીની સોડમાં એમના નામનો રાખીને, પંખીઓને પાણી પીવડાવી બાપાની પ્યાસ બુઝાવી. હજી તો હું ઘરે ઉતરી, સૌને નમન કરતાં પહેલાં જ ‘બા’ કહે દીકરા, પહેલાં તારા બાપાને નમન કરી, પાણી પીવડાવ એટલે એમને મુક્તિ મળે.
એ જ સમય, એ જ ઘડી મારી આંખના, આંસુનો દરિયો છલકાઈને વહેવા માંડ્યો. આ મારી ને મારા બાપાની પાણીની પરિભાષામાં તૃપ્ત થવાની વાર્તા રચાઈ ગઈ. મારી જન્મદાત્રી જનની માંગુ તારી પાસે, તું હંમેશા મનમંદિરમાં વસજે.
ઘણી વાર ચાલતા, ઠોકર વાગતા ‘ઓ...મા’ના ઉદ્ગારોથી તું મને સામે દેખાય. આજે પચીસ વર્ષના વહાણાં વહી ગયા, પણ મારા હૃદયમાં હંમેશા આપની વ્હાલરૂપી છબી સ્થગિત છે.
બા, બાળપણમાં અમે બધી બહેનો પથારી પર સૂતી ત્યારે તમે મને ભરઊંઘમાં તેલની મસાજ માથે કરતાં. સવાર થતાં હું ખીજાતી, મને નથી ગમતું. તેલ કરતાં કરતાં મારી બા કહેતી કે દીકરા તું સ્કૂલે જાય, ત્યારે માથે ઠંડક લાગે ને વાળ વધુ ટકે એટલે!! સ્કૂલેથી ઘરે આવું ત્યારે સીતાફળ ને ચીકુ થેલીમાં રાખતી, પોતે ખાતી નહીં, અને મને પ્રેમથી માથે હાથ ફેરવીને ખવડાવતી.
મારી જન્મદાત્રી જનની. બસ માંગુ તારી પાસે એટલું તું ફરી મને માથે તેલનો મસાજ કરી આપ. હવે વાળ ખરે છે મારા. તારી હૂંફ અને પ્રેમની ભૂખની ખોટ સાલે છે આજે. કાશ સ્વર્ગની સીડી (નિસરણી) હોત તો હું આવીને તને મળી જઈ, તારા દર્શનનો લ્હાવો લેતી હોત.
કાશ, એ સમયે વોટ્સએપ અને વીડિયો હોત તો હું પણ તમારી સાથે મન ઇચ્છે ત્યારે વાતો કરત અને ફોટો મોકલાવત. પાંચ પાઉન્ડના કાર્ડમાં ફક્ત હેલો - હાયની વાતો થતી તે સમયે.
તેથી જ તો મારા અને આપની પૌત્રીઓના સંવાદ ટેપમાં રેકોર્ડ કરીને કોક જતાં સગાં-સંબંધી સાથે મોકલાવતી. આજે તો હરતાં-ફરતાં મનેફાવે ત્યારે વીડિયોના માધ્યમથી સંવાદોની, છબીઓ સાથે બધું આપ–લે થતું દેખાય છે. આજે હું મારી દીકરીઓ અને પૌત્રો, પૌત્રીઓ સાથે અઠવાડિયે, મહિને વાર્તાલાપ સહેલાઈથી કરું છું. તે ઘડીએ...
મારી બા આ તારી દીકરીની આંખો ભીની થાય છે ને સહેજે બોલાઈ જાય... મા તું ક્યાં છે? અને પછી હું આંખોને બંધ કરી તને નિહાળું છું. મારી જન્મદાત્રી જનની માંગું તારી પાસે, બસ તું મારે રોમેરોમમાં કાયમ સ્થાન રાખજે.
વંદન કરું મારા પર પૂજ્ય ‘બા’ અને ‘બાપા’ને, પાય લાગુ મારા અણમોલ મોતી જેવા માત–પિતાને, વંદન કરું મારી માતૃભૂમિને. (સબસ્ક્રિપ્શન આઇડીઃ 345513)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter